(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મઝગાંવ અને સાયન વિસ્તારમાંથી રૂ. ૧.૩૫ કરોડની કિંમતનું ડ્રગ્સ પકડી પાડીને નાઇજીરિયન સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ નામડી ઓગસ્ટીન સેમ્યુઅલ ઓકોરો(૩૬), મોહંમદ ખય્યમુદ્દીન મોહંમદ મોઇનુદ્દીન સૈયદ (૩૨) અને વિકાસ તુલસીરામ અગાવણે (૩૩) તરીકે થઇ હોઇ અદાલતે તેમને પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપી મોહંમદ ખય્યમુદ્દીન વિરુદ્ધ ધારાવી, સાયન, દહિસર, વરલી અને ડોંગરી પોલીસ સ્ટેશનમાં ૧૮ ગુના દાખલ છે.
એએનસીના બાંદ્રા યુનિટનો સ્ટાફ શનિવારે સાયન પૂર્વમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઊભેલા મોંહમદ ખય્યુમુદ્દી અને વિકાસ અગાવણે પર તેમની નજર પડી હતી. બંનેની હિલચાલ શંકાસ્પદ જણાતાં તેમને તાબામાં લેવાયા હતા. બંનેની ઝડતી લેવામાં આવતાં તેમની પાસેથી રૂ. એક કરોડનું મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ મળી આવ્યું હતું. ધારાવીમાં રહેતા બંને શખસ મુંબઈ તથા ઉપનગરમાં ડ્રગ્સ વેચતા હોવાનું તપાસમાં જણાયું હતું.
દરમિયાન એએનસીના વરલી યુનિટે પણ શનિવારે મઝગાંવ વિસ્તારમાંથી નાઇજીરિયન નામડી ઓગસ્ટીનને ઝડપી પાડીને રૂ. ૩૫ લાખની કિંમતનું મેફેડ્રોન અને મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આરોપી ઓગસ્ટીન વિરુદ્ધ ૨૦૧૮માં પોલીસ પર હુમલો કરવા સંદર્ભે ભાયખલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ હોઇ આ કેસમાં તે ૨૦૨૦માં જામીન પર છૂટ્યો હતો. ઓગસ્ટીને ડ્રગ્સ ક્યાંથી મેળવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.