Homeઆપણું ગુજરાતગુજરાતમાં હજુ માવઠાની આગાહી: વીજળી પડતા ચારનાં મોત, ખેતપેદાશોને નુકસાન

ગુજરાતમાં હજુ માવઠાની આગાહી: વીજળી પડતા ચારનાં મોત, ખેતપેદાશોને નુકસાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં મંગળવારથી ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં માવઠું થતાં ફરી નુકસાની થઈ છે, તેમ જ વરસાદી કહેરમાં ચાર જણે જીવ પણ ગુમાવ્યા હતા. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદની વચ્ચે વીજળી પડતાં ચાર જણના મોત થયા હતાં. જેમાં ભરૂચ, છોટાઉદેપુર અને સુરતના રહેવાસીઓનો સમાવેશ થાય છે.
આ સાથે કપાસ જેવી ખેતપેદાશોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. બુધવારે વલસાડમાં વરસાદ પડતા કેરીના બગીચા ધરાવતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે. રાજ્યમાં ભરઉનાળે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે તેથી જો માહોલ લાંબા સમય સુધી ડહોળાયેલો રહેશે, તો ફરી ખેતીના પાકને પારાવાર નુકસાની જવાની સંભાવના છે.
બે દિવસથી પલટાયેલા વાતાવરણ દરમિયાન સુરત જિલ્લાના કામરેજના ડુંગર ચીખલી ગામ સીમમાં ત્રણ લોકો વરસાદથી બચવા માટે ઝાડ નીચે ઊભા હતા. ત્યારે અચાનક વીજળી પડતા ૨૧ વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. તો સુરતના બારડોલી તાલુકાના બાબલા ગામે વીજળી પડતાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ભરૂચના આમોદ તાલુકાના અનોર ગામે વીજળી પડતા ૧૮ વર્ષના યુવકનું માતાની સામે મોત થયું હતું. જ્યારે માતા ગંભીર રીતે દાઝી જતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છોટાઉદેપુરના જનીયારા ગામમાં વીજળી પડતા ૨૧ વર્ષીય યુવતીનું મોત થયુ હતું. રાજ્યમાં ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોને કપાસ, કેરી સહિતના પાકમાં નુકસાન થયું હતું.હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માવઠાની હજુ શક્યતા છે. બીજી તરફ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે. છોટાઉદેપુર, નર્મદા, દાહોદના અમુક વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. સાથોસાથ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે. રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરાવવામાં આવ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -