(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈથી એકદમ નજીક આવેલું અને પર્યટકોના માનીતા પર્યટન સ્થળ માથેરાનમાં દોડતી ટૉય ટ્રેન સૌ કોઈની માનીતી છે. નેરલ-માથેરાન ટૉય ટ્રેનમાં ફક્ત પાંચ મહિનામાં મધ્ય રેલવેને ૨૯ લાખ રૂપિયાની કમાણી કરાવી છે.
ફક્ત મુંબઈગરા જ નહીં પણ અન્ય શહેરોમાંથી પણ આવતા પર્યટકોમાં ટ્રૉય ટ્રેનનું જબરું આકર્ષણ છે. નેરલ-માથેરાન ટ્રૉય ટ્રેન ૨૨ ઑક્ટોબર ૨૦૨૨થી ફરી ચાલુ કરવામાં આવી હતી. ફક્ત ચાર મહિનામાં આ ટ્રેનની કુલ ૨૧,૨૪૦ ટિકિટ વેચાઈ છે, જેમાં ૧,૩૪૦ વિસ્ટાડોમ, ૧૮૪૯ ફર્સ્ટ ક્લાસની ટિકિટ અને ૧૮,૦૫૧ સેકેન્ડ ક્લાસની ટિકિટ વેચાઈ છે, જેનાથી મધ્ય રેલવેને કુલ ૨૯ લાખ રૂપિયાની આવક થઈ છે. સૌથી વધુ કમાણી ૯,૨૯,૩૪૦ રૂપિયા વિસ્ટાડોમ ટિકિટના વેચાણથી થઈ છે.
એ સિવાય મધ્ય રેલવે દ્વારા નિયમિત રૂપે અમન લૉજ અને માથેરાન વચ્ચે પ્રવાસીઓ માટે શટલ દોડાવવામાં આવે છે. મધ્ય રેલવેએ ટૉય ટ્રેનમાં એક સ્પેશિયલ એસી સલૂન કોચ પણ જોડવાની જાહેરાત કરી હતી. ટૉય ટ્રેનથી જોડાયેલા એસી સલૂન કોચમાં આઠ સીટર કોચ હશે. નેરલથી માથેરાન અને રિટર્નમાં એ દિવસ માટે જ અને સાથે જ રાત ભર રહેવા માટેના એક રાઉન્ડ ટ્રિપના આધારા પર બુકિંગ ઉપલબ્ધ રહેશે.