મુંબઈ-પુણે સહિત રાજ્યના પ્રવાસીઓ માટે માથેરાન એક પ્રિય સ્થળ છે. ઠંડી ગુલાબી આબોહવા અને ટોય ટ્રેનનો પ્રવાસ રાજ્યના અન્ય પ્રવાસન સ્થળોની સરખામણીમાં માથેરાનને પ્રથમ પસંદગી બનાવે છે. આ જ કારણે આ વર્ષના પ્રથમ ચાર મહિનામાં મધ્ય રેલવેને એક કરોડથી વધુ રૂ.ની આવક થઈ છે.રાજ્યમાં હાઈવે પર ટ્રાફિક જામ અને ભીડને કારણે મુસાફરો લાંબી મુસાફરી કરવાનું ટાળે છે.
માથેરાન મુંબઈથી માત્ર બે કલાક દૂર છે. આ કારણે ફેમિલી સાથે ફરવા જતા નાગરિકો માટે માથેરાનનું વિશેષ આકર્ષણ છે. માથેરાનની ટોયટ્રેનમાં હવે વાતાનુકૂલિત કોચ પણ ઉમેરવામાં આવ્યો છે. હવે મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો પણ મીનીટ્રેન સફારીનો સુખદ આનંદ માણતા જોવા મળે છે.
સેન્ટ્રલ રેલ્વે દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ફેબ્રુઆરીની સરખામણીમાં એપ્રિલમાં ટોયટ્રેનની ટિકિટના વેચાણમાં દોઢ ગણો વધારો થયો છે. ફેબ્રુઆરીમાં મિનિટ્રેનના મુસાફરોની સંખ્યા 28197 હતી અને એપ્રિલમાં તે 40 હજાર સુધી પહોંચી ગઈ હતી.
આ વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 1,45,285 મુસાફરોએ ટોયટ્રેનમાં મુસાફરી કરી હતી. ગયા વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ચાર મહિનામાં એક લાખ 17 હજાર 365 મુસાફરોએ મુસાફરી કરી હતી. આ વર્ષના ચાર મહિનામાં ટોય ટ્રેનની સવા લાખથી વધુ ટિકિટો વેચાઈ હતી, જેને કારણે ટોયટ્રેને 1,10,08,582 રૂપિયાની આવક મેળવી હતી.