મહારાષ્ટ્ર રાજ્ય બૉર્ડની બારમા ધોરણની પરીક્ષા હાલમાં ચાલી રહી છે, એવા સમયે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધોરણ 12માનું પેપર લીક થવાના સમાચારથી વિદ્યાર્થીઓ ઉચાટમાં આવી ગયા હતા.
આજે સવારે 11 વાગ્યાથી ગણિતનું પેપર હતું. સવારે 10.30 વાગ્યાથી વોટ્સએપ પર ગણિતનું પેપર ફરવાનું શરૂ થયું હતું . પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પેપર લીકની આ ઘટના બુલઢાના સિંદખેડારાજા વિસ્તારમાં બની હતી. અહીં પરીક્ષા પહેલા સવારથી જ પેપર વાયરલ થયું હતું. જોકે, બોર્ડ દ્વારા પેપર લીકના સમાચારને સમર્થન આપવામાં આવ્યું નથી. આ પેપર કેવી રીતે લીક થયું, તેની પાછળ કોણ કોણ છે, તેની તપાસ કરવામાં આવી રહી છે.
વિપક્ષના નેતા અજિત પવારે વિધાનસભામાં પેપર લીકનો મુદ્દો ઉઠાવતા સવાલ કર્યો હતો કે સરકાર શું કરી રહી છે? સરકારને સવાલ કરો તો કહેવાય છે કે દાદા દરેક વાત પર બોલે છે.
અજિત પવારના સવાલના જવાબમાં સરકાર તરફથી વરિષ્ઠ નેતા રાધાકૃષ્ણ વિખે-પાટીલે જણાવ્યું હતું કે આજે સાંજ સુધીમાં આ અંગે કડક કાર્યવાહી કરવામાં આવશે આ બાબતને ગંભીરતાથી લેવામાં આવશે અને જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં.