ગુજરાત વિધાનસભા ચૂંટણીનો વચ્ચે નેતાઓના પક્ષપલટાની મૌસમ પુર બહારમાં ખીલી છે. ઉમેદવારીનાં મળતા નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે માતરથી ભાજપના વિધાનસભ્ય કેસરીસિંહને બે દિવસમાં બે વાર પક્ષપલટો કર્યો છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા માતરના વિધાનસભ્ય કેસરીસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાશે. ભાજપે જાહેર કરેલી યાદીમાં માતરથી ટિકિટ ના મળતા નારાજ કેસરીસિંહે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પરંતુ બે દિવસની અંદર જ કેસરીસિંહ ફરી ભાજપ જોડાશે એવું ચર્ચાઈ રહ્યું છે.
ભાજપે પહેલી યાદીમાં 160 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં ટિકિટ ન મળતા કેસરીસિંહ નારાજ થયા હતા, તેમણે તાત્કાલિક આમ આદમી પાર્ટીમાં જોડવાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટી(AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પણ તેમને પાર્ટીમાં આવકાર્યા હતા. પરંતુ બે દિવસમાં તેમનો મોહભંગ થયો હતો. કેસરીસિંહ ફરી ભાજપમાં જોડાશે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે આ વખતે ચૂંટણીમાં ઘણા વર્તમાન વિધાનસભ્યોની ટિકિટ કાપી છે. આ વચ્ચે ક્યાંક વિરોધના સૂર પણ સામે આવી રહ્યાં છે. મહેસાણાની વિજાપુર બેઠકના ભાજપના ઉમેદવાર રમણ પટેલ સામે વિરોધનો સૂર ઉઠ્યા છે. જેથી મોટી સંખ્યામાં નારાજ ભાજપના કાર્યકરો ગાંધીનગર કમલમ ખાતે પહોંચી વિરોધ કરી રહ્યા છે. કાર્યકરો ઉમેદવાર બદલવા માટે રજૂઆત કરી રહ્યા છે.