મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
બીમાર પડવાનો અનુભવ લગભગ બધાને હશે. આપણે ઇશ્ર્વરને પ્રાર્થના કરતા હોઈએ કે ‘સર્વે સંતુ નિરામયા:’ આ પાછળ તમે એમ માનતા હો કે તમે બહુ પરોપકારી છો, બીજાને સુખી અને સ્વસ્થ જોઈને આનંદિત થાવ છો તો એ બિલકુલ ખોટી વાત છે. તમને પોતાને બીમાર પડવાનો અનુભવ હોય તો ખબર જ હશે કે પથારીમાં પડ્યા સાથે જ સગા-સંબધી, મિત્રો, આડોશી-પાડોશી ખબર પૂછવા આવે જ અને પહેલો સવાલ પૂછે કે ‘હવે તબિયત કેવી છે?’ આપણને કહેવાનું મન થાય કે ખૂબ જ સારી છે અને એટલે જ આ પથારીમાં ડાન્સ કરવા માટે ખાલી ખાલી પડ્યો છું, પણ આવું બોલી શકાય નહીં એટલે તમારે કયા દિવસે ક્યા ગયા હતા, શું થયું, પછી કેવી રીતે તાવ આવ્યો અને આજે કેટલામો દિવસ છે સુધીની વાત રિપીટ કરવાની. અમારા ચૂનિયાએ આનો રસ્તો કાઢી લીધો હતો. એને હાથમાં ફ્રેકચર થયું એટલે પહેલું કામ પ્લાસ્ટર ઉપર આખી હિસ્ટ્રી લખવાનું કર્યું અને જેવા કોઈ ખબર પૂછવા આવે એટલે હાથ ધરી દે! આ પછીનો સવાલ હોય ‘ક્યા ડૉક્ટરની દવા ચાલે છે?’ તમે કોઈ પણ ડૉક્ટરનું નામ બોલશો તેનાથી સારો ડૉક્ટર ખબર કાઢવા આવેલા માણસ પાસે હશે જ! જો તમે એલોપથી દવા લેતા હશો તો આયુર્વેદિક નુસ્ખાઓ આપવામાં આવશે, જો તમે આયુર્વેદિક દવાઓ લેતા હશો તો હોમિયોપેથિક દવાના વખાણ સાંભળશો અને હોમિયોપેથિક દવાઓ લેતા હશો તો નેચરોપથીના ઉપચારો બતાવવામાં આવશે. માંડ એકાદ વાત પર સેટ થતા હશો ત્યાં ફરી એલોપથીની સલાહ આપવા વાળા હાજર જ હશે! આ બીમારીની હાલત વિશે કદાચ ડૉક્ટર્સ વિશેષ જાણતા હશે અને એટલે જ કહેતા હશે કે ‘થોડા દિવસ હવાફેર કરી આવો’ ટૂંકમાં મારી દવા અને ખબર કાઢવાવાળાથી છેટા રહો.
અમારો ચૂનિયો તો જ્યારે જ્યારે માંદો પડ્યો છે ત્યારે કોઈ બીજાના ઘેરથી પકડાયો છે. જેવી ચૂનિયાની પત્ની કોઈ સવાલ પૂછે એટલે તરત જ કહે ‘ડૉક્ટરે મને હવાફેર કરવાનું કહ્યું હતું એટલે હવાફેર કરવા ગયો હતો’ મને આજની તારીખે નથી સમજાણું કે ચૂનિયાની પત્નીએ પાડોશમાં જ હવાફેર કેમ થતી હશે એવો સવાલ કેમ નથી કર્યો! એમ છતાં આજની તારીખે ચૂનિયાની પત્ની એક વાક્ય કાયમ બોલે ‘અમારા ઇ બહુ ભોળા’ તમે માનો કે ન માનો પણ ચૂનિયાએ પોતે ભોળો છે એવી હવા ઘરમાં ફેલાવી રાખી છે. ચૂનિયાના કેસમાં જો ભાભી આ હવામાં ફેર કરે તો ચૂનિયા વિશે સાચા અભિપ્રાય પર આવી શકે. ટૂંકમાં એટલું ખરુ કે જે કંઈ આ સમાજ અને તેની સમજણ પર અસર કરે છે એ હવા જ છે. જે કોઈ નેતા એવી હવા ફેલાવી દે કે એ એક જ છે જે દેશ માટે ચિંતિત છે અને બાકી બધાં જ પક્ષના નેતાઓ ભ્રષ્ટ છે તો એ નેતાને સર્વોચ્ચ સ્થાન પર પહોંચતા કોઈ નહીં રોકી શકે. હવા ફેલાવવા માટે હવાના પ્રકાર સમજવા જરૂરી હોય છે. ક્યા સ્થળે, કેવા સમયે, કેવા પ્રકારની હવા ભરવી, કાઢવી કે ફેલાવવી તેના પર ઘણો આધાર હોય છે. મુંબઈમાં જો તમારુ વાહન કોઈને અડી જાય તો લોકો હસીને ખૂશીની હવા ફેલાવે છે એટલે ઝગડો થવાને બદલે વાત ત્યાં જ પૂરી થઈ જાય છે પણ અમારા રાજકોટમાં ચોક્કસ જગ્યાએ ચોક્કસ પ્રકારની હવા સાથે વાહન ચલાવે છે. આવા લોકો માટે વાંક કોનો છે એ જોવાનું નથી હોતું, બસ તમારુ વાહન કોઈને સહેજ અડકી જવું જોઈએ એટલે આ ચોક્કસ જગ્યાની હવા બહાર આવાવા લાગે અને પહેલો સવાલ પૂછે કે ‘ઓળખે છે હું કોણ છું?’ હવે આપણે આપણા પાડોશીને પણ સારી રીતે ન ઓળખતા હોઈએ ત્યાં આ ભાઈનો જાણે રોજ છાપાંમાં ફોટો આવતો હોય એ રીતે ઓળખતા હોય એમ પૂછે! તમારો વાંક ન હોય અને તો પણ તમે માફી માગી લો તો આ ચોક્કસ જગ્યાની હવામાં વધારો થાય છે અને જ્યાં સુધી ઝગડો બરાબર ન જામે ત્યાં સુધી આ હવામાં વધારો થતો જ જાય છે. જેવા તમારા ઓળખીતા ભેગા થઈ જાય અથવા તમે મોબાઇલથી બોલવી લો એટલે આ હવા તમારા તરફ વળી જાય છે અને તમને ચોક્કસ જગ્યામાં ભરાઇ જાય છે! આ સાઇલક એકાદ બે કલાક ન ચાલે તો રાજકોટ વાસીઓને ન જ ચાલે. આમ પણ અમારા રાજકોટમાં સમયનો જ પ્રશ્ર્ન હોય છે. મુંબઇગરાઓને ક્યાંથી કાઢવો એવો પ્રશ્ર્ન હોય અને રાજકોટવાસીઓને ક્યાં કાઢવો એ પ્રશ્ર્ન હોય છે! અમારા રાજકોટમાં ડ્રાઇવર વગરની કાર ક્યારેય કોઈ નહીં સ્વીકારે એ લખીને દઉં કેમ કે પછી ઝગડવું કોની સાથે???
હવાનો બીજો પ્રકાર છે રાજકારણીઓના સગા હોવાની હવા. ત્રીજી પેઢીએ પણ સગા થતા હોય તો પણ કહે ‘ફલાણા નેતાનો ભત્રીજો છું’ પછી ભલેને કુટુંબમાં બોલવાના પણ સંબંધો ન હોય. આ પછીનો વાળો આવે છે ગામ સગા ભત્રીજા, પાડોશી ભત્રીજા, સરનેમ ભત્રીજા. આ બધાથી પણ જો ચડે એવા હોય તો નેતાજીનું સાસરા પક્ષ. ઘરવાળીથી લઈને સાસુ સસરા એમ જ માનતા હોય કે આ જે કંઈ તંત્ર ચાલે છે એ જમાઇને હું કહું એ રીતે જ ચાલે. ઘણા લોકોની ઑફિસમાં મેં નેતાઓ સાથે ફોટા જોયા છે. મને એ ખબર જ નથી કે આ દ્વારા એ સાબિત શું કરવા માગતા હશે. ચૂંટણી આવે અને એ નેતા હારી જાય તો તરત જ આ બધાની હવા ફેર થઈ જાય છે. આ પછીની હવા છે પોલીસ ડિપાર્ટમેન્ટની. એક સામાન્ય ટ્રાફિક હવાલદાર ઓળખતો હોય તો ટ્રાફિકના દંડની રકમ બચાવી લેતા હોય ત્યાં જો કમિશ્નર સાહેબ ઓળખીતા હોય તો શું થાય! આવી જ હવા પ્રેસની હોય છે. નંબરપ્લેટ કે વાહન પર પ્રેસ લખાવી સામાન્ય નાગરિક અને તેના નિયમોથી પર હોય એ રીતે હવામાં વિહરતા હોય છે. અમારે તો લોંડ્રી વાળાના વાહન પર પણ પ્રેસ લખેલું જોવા મળે. તપાસ કરો તો ખબર પડે કે ભાઈ ઇસ્ત્રીથી કપડા પ્રેસ કરતા હોય. અમારા રાજકોટમાં ૮ સાંધ્ય દૈનિક છપાઇ છે જે દુનિયા આખીનો રેકોર્ડ છે અને આ દૈનિકો દ્વારા લગભગ ૫૦૦ આઇકાર્ડ આપવામાં આવ્યા છે અને બાકીના તેની કલર ફોટોકોપી કરીને રોડવી લે છે. આ તો ઠીક પણ જ્ઞાતિ-જાતિની ઓળખ સાથે ફરતા વાહન વિશે તો હું સમજી જ શક્યો નથી!!!
હૉસ્પિટલમાં રૂપિયાની હવા કરતાં દર્દીના સગાઓ જેવું બિલ આવે એટલે ઓળખાણો કાઢી અને હવા ફેર કરી લે છે. ખરેખર માણસોની હવા તેનાં કર્મો થકી હોવી જોઈએ, નહીં કે સગા-વહાલા કે જ્ઞાતિ-જાતિ થકી. મેં ક્યારેય ટ્રાફિક પોલીસનો દંડ નથી ભર્યો કે નથી ક્યાંય ટોલટેક્ષ ભર્યો પણ કોઈ કહી જાય કે મેં હવા કરી છે! આપણે એક પોલીસ મિત્રના કાર્ડની ફોટોકોપી સાથે જ રાખું. તમને જો આ મારી હવા લાગતી હોય તો તમે પણ મારી જેમ હવાફેર કરવા નીકળી જાવ અને કો’કનું કાર્ડ લેવાનું ભૂલતા નહીં, ટોલનાકાના રૂપિયા હમણા વધી ગયા છે. ઉ