મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
‘આખો દેશ એક ફિલમ પાછળ પડ્યો છે. વિવાદ વગર બોક્ષ ઓફિસ પર કાગડા ઊડે છે તો બનાવો છો શું કામ? ભંગાર ફિલમ આઠસો કરોડ વટી જાય છે. પણ કોઇને મારી પડી જ નથી.’ ચુનિયો બડબડાટ કરતા કરતા ભેંસ પાણીમાં પડતું મુકે એમ સોફા પર પડતું મુક્યું. મેં બીજું કોઈ નુકસાન થાય તે પહેલાં જ પૂછી લીધું ક્યુ ફિલમ? શેની વાત છે? તને કોણ હેરાન કરી રહ્યું છે? આટલી બધી સહાનુભૂતિ આ બાળોતિયાનાં બળેલાને કોઈએ કદાચ પહેલી વખત જતાવી હશે. ગળગળો થઈ મને ગળે વળગીને કહે ‘આ કારેલા સ્ટોરી એ મને હેરાન કરી મુક્યો છે.’ મેં કીધું ‘કેરાલા સ્ટોરી છે, કારેલા નહીં’. મને ક્યે ‘તમે પણ ક્યાં ભેખડે ભરાવો છો. હું નવરો નથી કે ફિલમુમાં ટાઇમ બગાડું. અનુભવની વાતો કરું છું. મારું દુ:ખ તમારા સિવાય કોને કહું’? મેં કીધું ‘જાજુ મોણ ન નાખ શું થયું ઈ કે’.
ચુનિયે ઘરની કારેલા સ્ટોરી ચાલુ કરી. ‘મહિના પહેલા મારી ઘરવાળીએ મારા માટે વટ હુકમ બહાર પાડ્યો કે રોજ એક કાચું કારેલું ખાવું. મોટી સાઈઝનું કારેલું રોજ મને દે હું નજર ચુકવી અમારા ઘરની પાછળ ખાલી જમીનમાં ઊભે ઊભું ખોસી આવતો. ખૂબ કડવું લાગ્યું હોય એવું સોગિયું મોઢું કરતો. એક મહિના પછી આજે પાછળના ફળિયામાં કારેલાનું વન ઊગ્યું છે. વાવેલા ઊગે પણ ખોસેલા ઉગે એ નો’તી ખબર મિલનભાઈ તાજા કારેલાના રસથી સવાર પડે છે. શરૂઆતમાં તો ઢોળી નાખતો પણ એક વખત જોઈ ગઈ. હવે સામે બેસે છે. એટલે બીકના માર્યા બે ગ્લાસ પી જાઉં છું.
નાસ્તામાં બ્રેડ બટર માગ્યા તો આપ્યા. પણ એક બટકુ ભર્યું ત્યાં કોળિયો બહાર નીકળી ગયો. સાલુ બ્રેડ બટરમાં કારેલાની ચટણી કોણ લગાડે યાર. સવારે જમવામાં કારેલાનું સલાડ, કારેલાનું શાક,.. રાત્રે ખીચડી અને કારેલાની કઢી. હું કંઇ પણ ખાવા પીવા માગું ક્યાંક ને ક્યાંક કારેલું સલવાડીને રજુ થયું જ હોય. હું મારી હૈયા વરાળ કોઇક પાસે ઠાલવવાનો પ્રયત્ન કરું અને હજુ કારેલા બોલું ત્યાં તો કેરાલા સ્ટોરીની આખી વાર્તા બોલવા માંડે છે’.
મેં મૂળિયા ઉપર ઘા કર્યો કે ‘આ કારેલા તારા જીવનમાં આવ્યા ક્યાંથી?’ તરત જ ઊભો થઇ ચાલવા લાગ્યો. ભાગાભાગી કરતાં વાછરડાને બોચી પકડી ખીલે બાંધે એમ જાલીને બેસાડ્યો. ‘તમારે મારો જ વાંક કાઢવો છે. કોઈક વાર પાડોશીને મદદ કરી હોય એની આવડી સજા? મિસિસ ભલ્લા, હમણા બાજુમાં રહેવા નથી આવ્યાં? એને સ્કૂટર પર બેસાડી હું બજારમાં લઈ ગયો. શેરીના નાકેથી. શોપિંગ કરાવી પાછી નાકે ઉતારી દીધી. ભૂલથી એની શાકની થેલી આગળ ટિંગાડેલી રહી ગઈ’. મે ટપકું મુક્યું કે એટલું બધું પાછળ ધ્યાન ન અપાય કે આગળ ની વસ્તુ તરફ ધ્યાન જ ન રહે.’ છંછેડાઈ ને તાડુક્યો. ઘડીકનો આનંદ પણ તમારાથી સહન ન થયો ને? ઘર સુધી કેફ રહ્યો પછી થેલી દેખાણી પણ મોડું થઈ ગયું હતું. ઘરવાળી એ તરત પૂછ્યું કે કોની થેલી ટાંગી લાવ્યા? મેં સ્વસ્થ રહેતા કીધું કે નવી લીધી. મારું ફેવરિટ શાક દેખાયું એટલે લઈ આવ્યો. નસીબ ફૂટલા તે કારેલા નીકળ્યા. મિસિસ ભલ્લાને ભલામણ કરી કે બીજી નવી થેલી લઈ આપીશ, પણ ઘરે માગવા ન આવીશ. છેલ્લા એક મહિનામાં રોજ એના માટે શાક લાવવું પડે છે. ભલ્લાને મણ મણની મનમાં દઉં છું. ઘરવાળીને કારેલા કેટલા ગુણકારી છે તે એટલું મનમાં ઠસી ગયું છે કે રોજ કારેલાની વાનગીઓ બનાવી ને ખવડાવે છે.
આખી કારેલા સ્ટોરી પરથી એક વાત સમજાણી કે પારકી નજર કડવાશ આપે. પણ પુરુષ માત્ર ભમરો જ છે. હોટલમાં ગ્યા હોઈએ સારામાં સારી વાનગીઓ ઓર્ડર કરી હોય, આવી જાય અને ખાવા માંડે, સ્વાદિષ્ટ હોય છતાં બાજુના ટેબલ પર આવેલી વાનગી જોઈ ચાખવા લલચાય જ. શું જરૂર હોય “ઊઠ પાણા પગ ઉપર પડ કરવાની. આવું બીજા ઉપર વીતે ત્યારે જ્ઞાન લાધે બાકી…
હવે કારેલા કાંડમાંથી છોડાવવાની મારી જવાબદારી આવી પડી.
મેં ચુનિયાને કહ્યું કે ‘તું ઘરે પહોંચ હું એકાદ કલાક પછી આવીશ. હું જેમ કહું તેમાં વચ્ચે નહીં બોલવાનું. ઘરે જઈ અને કારેલાનો જ્યુસ લાવો અને આજે કારેલાનો હલવો બનાવજો એવી બે ત્રણ કારેલાની વાનગીની ફરમાઈશ કરી નાખજે’. ચુનિયો ઊભો ઊભો ફફડી ગયો. મને કહે ‘યાર જો તમે ન પહોંચો અને આ બધું મારે ખાવું પીવું પડે તો હું તો કડવાણીમાં ગુજરી જાઉ’. મેં ડોળા કાઢ્યા અને કીધુ કે ‘કારેલા સ્ટોરીનો કલાઈમેક્સ જોરદાર જોઈતો હોય તો કીધું એટલું કર’.પોતાનું કામ કરાવવાનું હોય એટલે ના પાડવાનો તો સવાલ જ ના આવે.
બરાબર જમવાના સમયે હું પહોંચી ગયો અને મેં ભાભીને કહ્યું કે ‘સાંભળ્યું છે તમે કારેલાની ખેતી કરો છો. આજકાલ કારેલાની ડિમાન્ડ બહુ છે. શાસ્ત્ર કહે છે કે ‘જે કારેલાનું સેવન કરે તે સદાકાળ જુવાન રહે. ચાલીસ વર્ષ આસપાસ પહોંચેલા લોકોએ તો ખાસ કારેલાનો જ્યુસ પીવો જોઈએ. જેથી જુવાની પાછી આવે. કોઈપણ રોગ થાય નહીં જીવન ઉત્સાહ વર્ધક, નિરોગી રહે. નવજીવન પ્રાપ્ત થાય. એટલે મારા ઘણા મિત્રોએ કારેલાની ડિમાન્ડ મૂકી છે. ચુનીલાલને પણ પીવડાવજો’.આટલું બોલતા તો ભાભી જાણે પરમ તત્ત્વને પામી ગયા હોય તેમ ચુનિયા સામે એકી ટસે જોઈ રહ્યા અને બધી રીતે ઓળખી ગયા હોય તેમ હમમમ… ના ઉદગાર સાથે પાછળના વાડામાં જઈ કારેલાના તમામ વેલાઓને જળમૂળથી ઉખાડી અને બહાર ઢગલો કરી દીધો. ‘આ લેતા જ જાઓ અમારે જરૂર જ નથી. હવે મને ખબર પડી કે આ રોજ કારેલા કારેલા ના જાપ કેમ જપે છે. જુવાની ફાટ ફાટ થાય છે. ઉપરવાળો જાણે હજી કેટલાં અભરખા બાકી રહી ગયા હશે. આજ પછી કારેલું અડવા દઉં તો કહેજો’. બહાર નીકળી અને ચુનિયો રીતસર મને ભેટી ગયો અને કાનમાં કહેતો પણ ગયો કે ‘મારી ઘરવાળીએ કહ્યું છે કે તમે કારેલાને અડતા નહિ. ભલે મિલનભાઈને જે કરવું હોય તે કરે. આમ પણ મને એના લખણ પહેલેથી જ સારા લાગતા ન હતા. તમે ભોળા છો એની વાતમાં ભરમાઈ ના જતા.
બોલો આમાં મારે શું સમજવું?
સખણા રેજો બધે હું ન પહોંચી શકું.
વિચારવાયુ
ગામડામાં પત્ની રાત્રે જમવામાં પતિની રાહ જુએ કે ‘આવશે’ એટલે જમીશું.
શહેરમાં પણ પત્ની રાત્રે જમવામાં પતિની રાહ જુએ કે ‘લાવશે’ એટલે જમીશું. ઉ