મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી
સાળીના આગમનની પ્રતીક્ષામાં સરસ મોટી ચોકલેટ લઈને ઊભા હોઈએ કે આવે એટલે માનભેર હગ કરીને સ્વાગત કરીશું. અને અચાનક જ જો સાળો તાદ્દશ થાય ત્યારે જિંદગીમાં પહેલીવાર ખોટો ખર્ચ કર્યાની લાગણી અનુભવાય. કમોસમી વરસાદની પ્રતીતિ થાય, તેવી જ રીતે સપરમા દાડાઓમાં સારા સમાચારની રાહ જોતા હોઈએ અને અચાનક સવારમાં વોટ્સએપની પીપૂડી વાગે અને એ પણ ચૂનિયાના ખાતામાંથી એટલે ફાળ તો પડે જ. ન જોવું હોય તો પણ જોવાઇ જાય. મેસેજ વાંચીને પહેલીવાર ચૂનિયાની ચિંતા થઈ. મેસેજમાં લખ્યું હતું કે ‘વાલ’નું ઓપરેશન છે, તમારી ફુરસતે આંટો મારી જાજો’ સામાન્ય તાવ શરદી હોય તો એક બે દિવસ કાઢી પણ નાખીએ પણ વાલની વાત હોય એટલે તરત જ હાજર થવું પડે. મેં ચિંતામાં ફોન કર્યો તો ચૂનિયાનો ફોન બંધ આવ્યો એટલે પરિસ્થિતિની ગંભીરતા સમજાણી. મેં ઘરવાળીને આ ચિંતા કહી પણ ભૂલ થવાનો અહેસાસ ત્યારે થયો જ્યારે મેં ‘તમારે પણ આખી રાતના ઉજાગર કરવા છે’, ‘પારકે ભાણે પંજાબી જમણ’, ‘મોર્નિંગ વોકમાં જઈને ૫૦૦ગ્રામ ગાંઠિયા ખાઈ આવવાના’ આવું એક મોટું લેક્ચર સાંભળ્યા પછી મેં જવામાં ઉતાવળ કરી પણ ચાલુ ગાડીએ ફોનમાં ડો. નિલાંગ વસાવડાને ફોનમાં કંન્સલ્ટ કર્યા અને પ્રશ્ર્ન પણ કરી લીધો કે વાલના ઓપરેશનમાં કેટલો ખર્ચ થાય.મારે કેટલા ખમવાના આવશે એની પણ તૈયારી કરી રાખું. હજુ આ કેલ્ક્યૂલેશન માંડુ ત્યાં તો પોલીસે રોક્યો. સીટ બેલ્ટ નહોતો બાંધ્યો અને ફોન ચાલુ. આ બંને મુકદમા ત્યાં ને ત્યાં ચલાવી લીધા અને ૧૫૦૦ રૂપિયામાં પતાવટ કરી. ખર્ચના મંડાણ થઈ ગયા
ગમે તેમ હોય જ્યારે કોઈ સ્વજન પછી ભલે એ દુર્જન હોય તો પણ આવા સમાચાર સાંભળીએ એટલે હૃદયમાં લાગી તો આવે. હું તો કેવા કેવા વિચારે ચડી ગયેલો કે જો ચૂનિયાને કંઈક થઈ જશે તો મને સારો કહેવા વાળા માણસો નહીં વધે! આવા ને આવા વિચારમાં હજુ થોડો જ આગળ ગયો હોઈશ ત્યાં એક બાઇકવાળા સાથે કાર ભટકાણી. કારમાં તો મેં આગળ પાઇપ નખાવ્યો છે એટલે કંઈ ન થયું પણ બાઇકનું પાછલું વ્હીલ નીકળી અને એક ૬૦ વર્ષના બાપા સાથે એવું અથડાયું કે એ બેભાન થઈ ગયા. એક મિનિટ માટે તો મને ગઝલ યાદ આવી ગઈ કે ‘એ ગમે જિંદગી કુછ તો દે મશવરા, એક તરફ ઉનકા ઘર હૈ એક તરફ હૈ મૈકદા’ તો પણ એક સારા માણસ હોવાની છાપ છોડવા હું સીધો બાપા પાસે ગયો. અમારા રાજકોટમાં નવરા માણસોની કમી નથી એટલે તમાશો જોવા માટે લગભગ ૫૦ માણસો ભેગા થઈ ગયા. બેભાન બાપાને શ્ર્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને લાગણી સહજ રીતે મારાથી બોલાઇ ગયું કે ‘કદાચ વાલની તકલીફ હશે’ અને પછી શું ‘ઝડપથી દવાખાને લઈ જાવ’, ‘ખર્ચો આપો’, ‘કેવી બેફામ ગાડી ચલાવે છે આજકાલ લોકો’ જેવાં ઘણાં વાક્યો સાંભળ્યાં અને વાત વધે નહીં એ માટે ખીસ્સામાંથી ૫૦૦૦ રૂપિયા આપી અને સેવાભાવી યુવાન પકડીને કામે લગાડી રવાના થવાની તૈયારીમાં હતો એવો તો પાછળથી કાઠલો પકડાયો. જેની સાથે કાર અથડાઇ હતી એ ભાઈના મતે બાપા તો રિપેર થઈ જવાના હતા પણ એના બાઇકનો ખર્ચો કોણ આપશે એ માટેની લમણાઝીંક શરૂ થઈ. મને તો ચૂનિયાની જ ચિંતા એટલે આ વાતની પતાવટ કરવી જરૂરી હતી પણ ભાઈ નવા બાઇકની જ માગ લઈને બેઠા હતા. આ યુવાનોને ઘરના લોકો નવું બાઇક ન લઈ દેતા હોય એમાં મારા જેવા સેમી યુવાનની હાલત બગાડે! મારા છોકરાને સાઇકલનું ટાયર ન બદલી દેતો હોઉં ત્યાં આ ભાઈને આખું બાઇક કેવી રીતે લઈ દેવું? જ્યારે ખરાબ દિવસ હોય ત્યારે બધુ જ એમ જ ચાલે. આટલું ઓછું નહોતું ત્યાં એક ટ્રાફિક પોલીસ પણ આવી ગયો. યુવાનને તો છેલ્લે ગમે તેમ કરીને ૨૫૦૦ રૂપિયામાં પતાવ્યો પણ ટ્રાફિક પોલીસ કેસ કરવાના મૂડમાં જ હતો. છેલ્લે તેને ૧૫૦૦ રૂપિયામાં પતાવી આગળ વધ્યો.
ચૂનિયો અત્યાર સુધીમાં ૯૦૦૦ રૂપિયામાં તો પડ્યો હતો અને હવે પાછું વાલનું ઓપરેશન એટલે કેટલામાં પડશે એ ચિંતા મને કોરી ખાતી હતી. મેં નક્કી કરી લીધું કે હવે કાર શાંતિથી ચલાવવી છે અને ગમે તેમ થાય આપણે વધારાનો ખર્ચ નથી કરવો. રસ્તામાં મહાદેવના મંદિરે પ્રાર્થના કરીને આગળ વધીશ. મંદિરે જઈને ભોળાનાથને હૃદયથી પ્રાર્થના કરતો હતો. આંખના ખૂણા ભીના થયા. આ જોઈને પૂજારીએ મારા ખભા પર હાથ મૂકીને વિગત જાણી. એમના કહેવા મુજબ જો એક હવન તાત્કાલિક કરી દેવામાં આવે અને ૧૦ બ્રાહ્મણો જમાડવામાં આવે તો કોઈ પણ પ્રકારની ચિંતામાંથી મુક્તિ મળે. મનમાં વિચાર આવ્યો કે વાલનું ઓપરેશન જો ટળી જતું હોય તો આ ખર્ચ કરી લેવામાં વાંધો નહીં. મહાદેવજી ધારે તો ગમે તે કરી શકે. હિસાબ લગાવીને ૩૫૦૦ રૂપિયા પૂજારીને આપ્યા અને જેવો બહાર આવ્યો એવા બૂટ કોઈ લઈ ગયેલું. આમ તો મને ખર્ચો વધ્યો એવું લાગ્યું પણ સંતોષ માની લીધો કે પનોતી ગઈ. લોકો આજકાલ હોશિયાર થઈ ગયા છે એટલે મંદિરની દીવાલો દીવાલ જ જૂતાની દુકાન મળી ગઈ. રોળવવા પૂરતા જ શૂઝ લેવાના હતા પણ ૬૦૦ રૂપિયા તો દેવા જ પડ્યા.
અફસોસ અને દુ:ખદ હૃદય સાથે હું ચૂનિયાના ઘર પાસે પહોંચ્યો તો ત્યાં માણસોનું ટોળું જોયું. મનમાં થયું કે કાઢી જવાની તૈયારીઓ થવા લાગી લાગે છે! પણ એવું ન વિચારાય એમ જોરથી દિલને મનાવીને નજીક પહોંચ્યો ત્યાં ‘ઉંહ ઉંહ’ના ઉદ્ગારો સંભળાયા. મને એમ થયું કે ચૂનિયાને કેટલી તકલીફ પડતી હશે. જઈને ભીડની પાછળથી જ હાંકલો કર્યો કે ‘હવા આવવા દો, દર્દીને મુંઝારો કરીને તમે બધા હેરાન કરી રહ્યા છો’ ત્યાં તો એક સાથે ટોળું મારી સામે ફરીને હું દર્દી હોઉં એ રીતે મારી સામે જોવા લાગ્યા. ત્યાં તો ચૂનિયો મારો અવાજ સાંભળીને ઠેક મારી બરમૂડા ગંજી સાથે મારી સામે હાજર થયો અને બોલ્યો ‘શું થયું મિલનભાઈ? તહેવારોના દિવસોમાં માંદા પડતા નહીં’ હતો એટલો અવાજ ગળામાંથી કાઢીને ચૂનિયાને કહ્યું કે વાલનું ઓપરેશન તો તેનું હતું. ચૂનિયાએ ભીડને હટાવીને સોસાયટીના પાણીનો વાલ બતાવ્યો અને પાછું મને સમજાવ્યો કે ‘જો પ્લંબર કરે તો રિપેરિંગ કહેવાય, આપણે કરીએ એ તો ઓપરેશન જ કહેવાય. હાલો ચા પીવા, ઓપરેશન તો પૂરુ થઈ ગયું’ ચૂનિયાએ
હક્કો બક્કો તો ઘણીવાર કરી દીધો છે પણ આ વખતે અવાચક કરી દીધો! આ સોશિયલ મીડિયાના મેસેજિસ ઘણી વખત સમજણ ફેર કરી દે છે. જીવનમાં આપણે પૂરું સાંભળતા નથી અને પૂરું કહેતા નથી તેના હિસાબે કોણ જાણે મારા જેવા કેટલાં લોકો ખાડામાં ઊતરી જતા હશે. અહીંયા ખાડો એટલે નુકશાન સમજવું. જો ચૂનિયાએ થોડુંક વધારે ચોખવટથી લખ્યું હોત કે સોસાયટીના નળનો વાલ બગડી ગયો છે તો હું મારા ખર્ચે પ્લમ્બર લઈને જાત તો પણ મને સસ્તું પડત. તમે પણ વાલની વાત જોઈને લેખ વાંચવાની ભૂલ કરીને?
વિચારવાયુ:
વિચાર નથી આવતો લાગે છે હું નેતા બનવા તરફ આગળ વધી રહ્યો છું.