પાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં મોટી ઊથલપાથલ
મુંબઈ: એકનાથ શિંદેની બળવાખોરી બાદ સુનકાર થઇ ગયેલી શિવસેના (યુબીટી) પક્ષના બાળકિલ્લા ગણાતા મુંબઈના પદાધિકારીઓની જવાબદારીઓ બાબતે મહત્ત્વની ઊથલપાથલ કરવામાં આવી છે. આના ભાગરૂપે દક્ષિણ મુંબઈના વોર્ડ નંબર ૧૨ના વિભાગપ્રમુખની જવાબદારી સંતોષ શિંદેને સોંપવામાં આવી છે. સંતોષ શિંદે વિભાગ ઉપાધ્યક્ષ હતા. શિવસેનાના વરિષ્ઠ નેતા પાંડુરંગ સકપાળ વોર્ડ ક્રમાંક ૧૨ના વિભાગપ્રમુખ હતા. જોકે હવે તેની જવાબદારી હવે સંતોષ શિંદેને આપવામાં આવી છે. આને કારણે રાજકીય વર્તુળોમાં લોકોનાં ભવાં ઊંચાં ચડી ગયાં છે. પાલિકાની ચૂંટણી માથે હોઇ પક્ષ સંગઠનમાં કરવામાં આવેલા મોટા ફેરફાર પક્ષ માટે ફળદાયી ઠરશે કે લોકોમાં નારાજગીનો સૂર વ્યાપશે, એ જોવાનું મહત્ત્વનું રહેશે.
પાંડુરંગ સકપાળ એ શિવસેનાના જૂના નેતાઓ પૈકીના એક છે. બાળાસાહેબ ઠાકરેના વિશ્ર્વાસુ સાથીદાર તરીકે સકપાળને ઓળખવામાં આવે છે. શિવસેનાના પતનના દિવસો ચાલી રહ્યા હતા ત્યારે સકપાળે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. થોડા સમય પહેલાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વિરુદ્ધ સકપાળે કરેલું હટકે આંદોલન પણ ચર્ચાનો વિષય બન્યું હતું. આ ઉપરાંત તેમણે મુંબાદેવી મતદારસંઘમાંથી ૨૦૧૯માં ભાજપ-શિવસેનાની યુતિના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી હતી. આટલું જ નહીં એમવીએના મહામોરચાની મુખ્ય જવાબદારી પણ સકપાળે જ સંભાળી હતી. હવે ઉદ્ધવ ઠાકરેએ સકપાળને સ્થાને શિંદેને જવાબદારી સોંપી છે, એટલે આ ફેરફાર પક્ષમાં લાભદાયી થશે કે પક્ષને હજી ગુમાવવાનો વારો આવશે, એ તો સમય જ કહેશે.