પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સંતોષપુર રેલવે સ્ટેશન પર ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટના પ્લેટફોર્મ નંબર 2 પર બની હતી. આગમાં પ્લેટફોર્મ પર આવેલી 20થી વધુ નાની દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ સ્ટેશન બજાજ-સિયાલદહ રૂટ પર આવે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
રેલ્વે સ્ટેશન પર આગના સમાચાર મળતાં ખળભળાટ મચી ગયો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કુલ આઠ ફાયર ફાઈટરોએ લગભગ ત્રણ કલાકની ભારે જહેમત ઉઠાવી હતી ત્યાર બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ રૂટ પર ટ્રેનોનું સંચાલન ટૂંક સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે આગમાં અનેક પ્લેટફોર્મ પર આવેલી 20થી વધુ નાની દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે રેલ્વેની કોઈ મિલકતને નુકસાન થયું નથી. આગની ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.