વડોદરામાં એક પરિવારના ત્રણ સભ્યોની સામુહિક આત્મહત્યાનો મામલો સામે આવતા ચકચાર ફેલાઈ ગઈ છે. આજે સવારે વડોદરા ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ દર્શનમ ઉપવન સોસાયટીના એક ઘરમાંથી પતિ, પત્ની અને પુત્રની લાશ મળી આવી હતી. બેંક પસેથી લીધેલ લોન ચૂકવી ના શકતા પરિવારે આ અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ શેરબજારનું કામ કરતા 30 વર્ષીય પ્રિતેશભાઈ મિસ્ત્રી તેમના પત્ની અને 7 વર્ષના પુત્ર દર્શનમ સાથે ઉપવન ડુપ્લેક્સમાં રહેતા હતા. પાડોશીના જણાવ્યા પ્રમાણે ગઈકાલે રાત્રે પ્રિતેશભાઈએ તેમની માતાને મેસેજ કર્યો હતો કે સવારે ઘરે આવજો, જમવા જવાનું છે. સવારે જ્યારે તેમના માતા તેમના ઘરે ગયા ત્યારે દરવાજો ખોલતા પ્રિતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જયારે તેમના પત્ની અને પુત્રના મૃતદેહ પલંગ ઉપર પડ્યા હતા. જેને જોઇને માતા આક્રંદ કરવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા સોસાયટીના રહેવાસીઓ દોડી આવ્યા હતા.
પાણીગેટ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘરની દીવાલ પર ‘અમે અમારી મરજીથી આપઘાત કરીએ છીએ, આમાં કોઈ જવાબદાર નથી.’ એવું લખેલું જોવા મળ્યું છે. શેરબજારનું કામ કરતા પ્રિતેશભાઈએ બેંકોમાંથી મોટી લોન લીધી હતી જે ચૂકવવામાં તેઓ સક્ષમ ન હોવાથી ઘણા સમયાથી તેઓ ડીપ્રેસનમાં હતા એવું પડોશીઓ કહી રહ્યા છે.
હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.