વરિષ્ઠ નાગરિકોને ભીડવાળી જગ્યાએ મોઢું ઢાંકવાની સલાહ
—
ઓક્સિજન, દવા તેમજ પ્રાઇવેટ હૉસ્પિટલોની તૈયારી સહિત અનેક મુદ્દાની કમિશનરે સમીક્ષા કરી
—
દરદીને કોવિડ ૧૯ હશે તો સર્જરી મુલતવી રાખવામાં આવશે
મુંબઈ: કોવિડ – ૧૯ કેસ વધારો થયો હોવાથી મુંબઈમાં પાલિકાની દરેક હોસ્પિટલમાં કર્મચારીઓ, દરદીઓ તેમજ મુલાકાતીઓ માટે માસ્ક પહેરવો ફરજિયાત હોવાનું મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સોમવારે જણાવવામાં આવ્યું હતું. દરદીઓની વધી રહેલી સંખ્યા સામે પાલિકાની હોસ્પિટલો કેટલી સજ્જ છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને તબીબી સારવાર દરમિયાન જરૂર પડતો ઓક્સિજન તેમજ દવાની સમીક્ષા કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ૬૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ભીડ – ગરદીવાળા સ્થળો પર સાવચેતી તરીકે માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું છે. અલબત્ત માસ્ક પહેરવો વરિષ્ઠ નાગરિકો માટે ફરજિયાત નથી. સલામતીના ધોરણ તરીકે માસ્ક ફરી ચલણમાં લાવવામાં આવ્યો છે એમ પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. દક્ષિણ મુંબઈ સ્થિત પાલિકાના મુખ્યાલયમાં મ્યુનિસિપલ કમિશનર ઈક્બાલ ચહલે બેઠક બોલાવી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જોકે, પાલિકાની હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ક્યારથી ફરજિયાત છે એની કોઈ સ્પષ્ટતા નિવેદનમાં નથી કરવામાં આવી. કોવિડ – ૧૯ દરદીઓ માટે હોમ આઈસોલેશનની માર્ગદર્શિકા અલગથી જાહેર કરવામાં આવશે એવી સ્પષ્ટતા પાલિકા દ્વારા કરવામાં આવી છે.
પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કોવિડ – ૧૯ સંદર્ભમાં પરીક્ષણ, વોર રૂમ કાર્યરત છે કે નહીં, સારવાર દરમિયાન જરૂર પડતો ઓક્સિજન, દવા તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોની તૈયારી સહિત અનેક મુદ્દાની કમિશનરે સમીક્ષા કરી હતી.
પાલિકા કમિશનરે એવી માહિતી પણ આપી હતી કે જે પણ દરદીઓની સર્જરી કરવાની હશે એ સર્વ હોસ્પિટલોના બધા જ દરદીઓનું કોવિડ – ૧૯ પરીક્ષણ કરવામાં આવશે. પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જો દરદીને કોવિડ – ૧૯ થયો હોવાની ખબર પડશે અને જો સર્જરી તાત્કાલિક કરવી જરૂરી નહીં હોય તો એ મુલતવી રાખવામાં આવશે.’ આ ઉપરાંત હેન્ડ ગ્લવ, માસ્ક, પીપીઈ કિટ તેમજ દવાનો જથ્થો અને જરૂરી તબીબી સાધનો પાલિકા સંચાલિત હોસ્પિટલોમાં છે કે નહીં એની સમીક્ષા કરવા પણ પરચેઝ ડિપાર્ટમેન્ટને કહેવામાં આવ્યું છે. (પીટીઆઈ)