(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારમાં નિરસ હવામાન રહેતા અને તેજી માટેના ટ્રીગરના અભાવ વચ્ચે રોકાણકારોએ ઓટો, ફાઇનાન્સ અને એનર્જી સ્ટોક્સમાં વેચવાલીનું દબાણ વધાર્યું હોવાથી સતત બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીએ પીછેહઠ નોંધાવી હતી. સેન્સેક્સ ૪૦૦ પોઇન્ટ નીચે પછડાઇ અંતે ૮૭ પોઇન્ટના ઘટાડે સ્થિર થયો હતો. માર્કેટબ્રેથ નબળી રહી હતી.
સત્ર દરમિયાન ગબડેલો સેન્સેક્સ મોટાભાગનો ઘટાડો પચાવીને અંતે ૮૭.૧૨ પોઇન્ટ અથવા તો ૦.૧૪ ટકાના ઘટાડા સાથે ૬૧,૬૬૩.૪૮ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે, જ્યારે એનએસઇનો નિફટી ૩૬.૨૫ પોઇન્ટ અથવા તો ૦.૨૦ ટકાના ઘટાડા સાથે ૧૮,૩૦૭.૬૫ની સપાટીએ પહોંચ્યો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૨.૪૬ ટકાના કડાકા સાથે સેન્સેક્સના શેરોમાં ટોપ લૂઝર બન્યો હતો. આ ઉપરાંત ઉક્ત યાદીમાં મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, ઇન્ડસિઇન્ડ બેન્ક, એનટીપીસી, ભારતી એરટેલ, આઇટીસી અને વિપ્રોનો સમાવેશ હતો. ટોપ ગેઇનર્સ શેરોની યાદીમાં હિંદુસ્તાન યુનિલીવર, એશિયન પેઇન્ટસ, એચસીએલ ટેકનોલોજી, સ્ટેટ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક અને ઇન્ફોસિસનો સમાવેશ હતો.
નિફ્ટીમાં શુક્રવારે મુખ્ય શેરોમાં સૌથી વધુ એચસીએલ ટેકનોના શેરમાં ૧.૧૪ ટકાનો ઉછાળો નોંધાયો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુ્ખ્ય શેરોમાં એશિયન પેઈન્ટ્સ, હિન્દુસ્તાન યૂનિલિવર, એસબીઆઈ અને કોટક બેન્કનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ ટ્રાન્સફિનના શેરમાં ૨.૧૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મુથુટ ફાઈનાન્સ, બજાજ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ પ્રુડે. અને એસબીઆઈ લાઈફનો સમાવેશ થાય છે.
આ સત્રમાં પણ યુેસ સેલ્સ ડેટા, યુએસ બોન્ડ યિલ્ડની મજબૂતી અને ફેડરલ રિઝર્વના સંભવિત વલણના ફફડાટને કારણે વૈશ્ર્વિક બજારોનું સેન્ટિમેન્ટ ખરડાયું રહ્યું હતું. ગુરુવારે વોલસ્ટ્રીટમાં નોંધાયેલી પીછેહઠ બાદ શુક્રવારે એશિયાઇ બજારોમાં ટોકિયો, શાંઘાઇ અને હોંગકોંગ શેરબજારોમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, સિઓલ શેરબજારમાં સુધારો હતો. એ જ રીતે, યુરોપના મોટાભાગના બજારોમાં મધ્યસત્ર સુધીમાં પોઝિટીવો માહોલ રહ્યો હોવાના અહેવાલ રહ્યાં હતાં.
સત્રનો પ્રારંભ ઠીક રહ્યો હતો અને બજારે ફેડરલનું ફેકટર પચાવી લીધું હતું. ફેડરલ રિઝર્વના અધિકારીઓએ ફેડરલને સૂચવ્યું હતું કે હજુ સુધી આક્રમક વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો નથી. ફેડના અધિકારીઓએ વ્યાજ દરો પર વધુ ચેતવણી આપી હતી જ્યારે ચીનમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા હતા અને તેના બોન્ડ માર્કેટમાં તરલતાના તાણને કારણે અનિશ્ર્ચિતતામાં વધારો થયો હતો. સેન્ટ લુઇસ સેન્ટ લૂઇસ ફેડના પ્રમુખ જેમ્સ બુલાર્ડે ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે ફુગાવાને કાબૂમાં લેવા માટે પર્યાપ્ત પ્રતિબંધિત થવા માટે દરો સાતેક ટકા સુધી પહોંચી શકે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરૂવારે રૂ. ૬.૧૮ અબજ (૭૫.૮ મિલિયન ડોલર)ની ચોખ્ખી લેવાલી કરી હતી, જ્યારે સ્થાનિક રોકાણકારોએ ૪.૪૯ અબજ રૂપિયાના શેર ખરીદ્યા હતા.
બજારની ચર્ચા અનુસાર સોફ્ટ બેન્કે, વન ૯૭ કોમ્યુનિકેશન્સમાંથી બ્લોક ડીલ અંતર્ગત પોતાનો ૪.૫ ટકા હિસ્સો વેચવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સ્ટેકનું મૂલ્ય અંદાજે ૨૦ કરોડ ડોલર અથવા તો રૂ. ૧૬૨૭ કરોડ જેટલું થાય છે. પેટીએમનો ઇન્વેસ્ટર્સ માટેનો શેર ટ્રેડિંગ માટેનો લોકઇન પિરિયડ પૂરો થતાં જ આ ઘટના બની છે. સોફટ બેન્ક કંપનીમાં ૧૭.૫ ટકા હિસ્સા સાથે બીજી સૌથી મોટી સ્ટેક હોલ્ડર છે.
આવી જ રીતે નાયકાના શેર્સ પણ પાછલા સત્રોમાં ધોવાણ જોવાયું હતું. ગુરુવારે નાયકાની ઈક્વિટીમાં કુલ ૫ાંચ બ્લોકડીલમાં કુલ કંપનીના બે ટકા ઈક્વિટીનો હાથબદલો થયો હોવાની બજારમાં ચર્ચા હતી. બુધવારના સત્રમાં ફોરેન ફંડ લાઈટહાઉસ ઈન્ડિયા ફંડ થ્રીએ કંપનીના ત્રણ કરોડ શેર્સનું વેચાણ કર્યું હતું જેનો સરેરાશ ભાવ રૂ.૧૭૫.૧૩ હતો, તેમ બીએસઈના બલ્કડીલ ડેટામાં જણાવાયું હતું. આ બન્ને કંપનીના શેરમાં આ વર્ષે સેટબેક જોવા મળ્યો છે. પેટીએમ અને નાયકાના શેરમાં છેલ્લા એક વર્ષમાં અનુક્રમે ૬૫ ટકા અને ૫૦ ટકાનું ગાબડું પડ્યું હતું.
સેબી સ્ટોક બ્રોકર્સ માટે સાયબર સુરક્ષા માળખું બહાર લાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સાયબર છેતરપિંડી, ડેટા લીક અને ટ્રેડિંગ એકાઉન્ટના હેકિંગ દ્વારા સંભવિત જોખમોની અસરને ઘટાડવામાં મદદ કરશે તેવો નિર્દેશ ટોચના અધિકારીએ રજૂ કર્યો હતો. ડિસેમ્બરના અંત સુધીમાં સેબીને માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ રજૂ કરી શકે છે પરંતુ અંતિમ નિયમો લાગુ કરવામાં ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગશે.
સેન્સેક્સે સાપ્તાહિક ધોરણે ૧૩૧.૫૬ પોઇન્ટ અથવા તો ૦.૨૧ ચકા ગુમાવ્યા છે, જ્યારે નિફ્ટીએ ૪૨.૦૫ પોઇન્ટ અથવા તો ૦.૨૨ ટકાની પીછેહઠ નોંધાવી છે. આગામી સપ્તાહે ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકની મિનિટ્સ બજારને દિશા આપશે. જોકે નિષ્ણાતો માને છે કે નિફ્ટી આ સપ્તાહે ભલે તેની ઓલટાઇમ ઊંચી સપાટીથી પાછો ફર્યો હોય પરંતુ આગામી સપ્તાહે તેમાં આગેકૂચ જોવા મળશે. વોલેટિલિટી ઇન્ડેક્સ પણ એક વર્ષની નીચી સપાટીએ અને અનુકૂળ સ્તરે હોવાથી બેન્ચમાર્કને આગળ વધવામાં મદદ મળશે એમ માનવામાં આવે છે. ઉ