બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી
કોઈપણ વેપાર માટે મહત્ત્વનું અંગ છે તેનો ગ્રાહક. જયારે હું એક બ્રાન્ડ બનાવું છું કે પછી માસ માર્કેટના વ્યવસાયમાં છું ત્યારે સૌપ્રથમ માલ કોને વેચવાનો છે તેનું પ્લાનિંગ જરૂરી છે. આપણે રાબેતામુજબ મારો ગ્રાહક અમુક ઉંમર, લિંગ, વ્યવસાયના આધારે નક્કી કરતા હોઈએ છીએ. આજે આપણે ડિજિટલના યુગમાં જીવી રહ્યા છીએ ત્યારે ગ્રાહકના વધુ પડો ખોલવા પડશે, જેને માર્કેટિંગની ભાષામાં કસ્ટમર સેગ્મેન્ટેશન કહે છે. તમારી જાહેરાત દ્વારા જયારે તમે ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરો ત્યારે સાચા સંદેશ સાથે યોગ્ય બજારને લક્ષ્ય બનાવવું જરૂરી છે. અર્થાત, તમે જાહેરાત આપશો તે ઘણા બધા લોકો સુધી પહોંચશે અને તમે અમુક ગ્રાહક પણ બનાવશો, પરંતુ એવા ઘણા લોકો જેઓ તમારાં ઉત્પાદનો અથવા સેવાઓમાં રસ ધરાવતા નથી તે લોકો સુધી પણ તમારો સંદેશો જશે. આના કારણે તમારી માર્કેટિંગ કોસ્ટ વેડફાય છે. આવા સમયે માર્કેટ સેગ્મેન્ટેશન તમને ફક્ત એવા લોકોને લક્ષ્ય બનાવવામાં મદદ કરે છે જેઓ તમારી બ્રાન્ડના સંતુષ્ટ ગ્રાહકો બનવાની સંભાવના ધરાવે છે. માર્કેટ સેગ્મેન્ટેશનના સહારે તમે તેને સમાન લક્ષણો ધરાવતા જૂથોમાં વિભાજિત કરો છો. તમે એક અથવા વધુ ગુણો પર સેગમેન્ટને આધાર બનાવી શકો છો. આ રીતે માર્કેટને સેગ્મેન્ટ કરવાથી વધુ ચોક્કસ રીતે ટાર્ગેટેડ માર્કેટિંગ દ્વારા વ્યક્તિગત પણે લોકોને સંદેશો પાઠવી
શકાય છે.
તો હવે પ્રશ્ર્ન થશે કે માર્કેટ સેગ્મેન્ટેશન કેવી રીતે કરવું. માર્કેટ સેગ્મેન્ટેશન તમે તમારી રીતે પ્લાન કરી શકો પણ વ્યાપકપણે તે ચાર રીતે થઇ શકે; ડેમોગ્રાફિક (વસ્તી વિષયક), સાઈકોગ્રાફિક (માનસિક અને ભાવનાત્મક), બિહેવિઅરલ (વર્તનના આધારે) અને જયોગ્રોફિકલ (ભૌગોલિક સ્તરે).
ડેમોગ્રાફિક સેગ્મેન્ટેશન તે સૌથી સામાન્ય પ્રકાર છે. આમાં ટાર્ગેટ ઓડીએન્સને ઉંમર, લિંગ, વ્યવસાય, શિક્ષણ, આવક અને રાષ્ટ્રીયતા જેવા ગુણોના આધારે વિભાજિત કરવામાં આવે છે. વસ્તી વિષયક વિભાજન માટે જરૂરી માહિતી ભેગી કરવી સરળ છે અને તે મેળવવા માટે કંપનીને વધારે પડતો ખર્ચ થતો નથી. ઉદાહરણ તરીકે, એક સામાન્ય ઉત્પાદન જે વસ્તી વિષયકના આધારે વિભાજિત કરવામાં આવે છે; જેમ કે પર્સનલ કેર ઉત્પાદનો તેઓ નાહવાનો સાબુ, ડિઓડરન્ટ, પરફ્યુમ સ્ત્રી અને પુરુષ બંને માટે અલગ અલગ બનાવશે. ઓટોમોટિવ કંપનીઓ ઘણીવાર આવકના આધારે તેમના પ્રેક્ષકોને વિભાજિત કરે છે અને દરેક સેગમેન્ટમાં કારના અલગ-અલગ મેક અને મોડલનું માર્કેટિંગ કરે છે.
સાઈકોગ્રાફિક સેગ્મેન્ટેશનની રીત ડેમોગ્રાફિક સેગ્મેન્ટેશન જેવી જ છે જો કે, તે માનસિક અને ભાવનાત્મક લક્ષણો સાથે સંબંધિત છે. સાયકોગ્રાફિક વિભાજન ગ્રાહકોના જૂથને તેમના વ્યક્તિત્વનાં લક્ષણો, મૂલ્યો, રુચિઓ, વલણ અને જીવનશૈલીના આધારે વિભાજિત કરે છે. સાયકોગ્રાફિક કરતાં ડેમોગ્રાફિક્સનું અવલોકન કરવું વધુ સરળ છે, જો કે, સાયકોગ્રાફિક માર્કેટર્સને ગ્રાહકોના હેતુઓ, પસંદગીઓ અને જરૂરિયાતો વિશે મૂલ્યવાન ઇનસાઇટ્સ આપે છે. સાયકોગ્રાફિક સેગ્મેન્ટેશન સાથે ડેમોગ્રાફિક સેગ્મેન્ટેશન ખૂબ જ સારી રીતે મર્જ થઈ શકે છે. જો તમને લાગતું હોય કે તમારું મેસેજિંગ તમારા વસ્તી વિષયક સેગમેન્ટ માટે આકર્ષક નથી, તો તમે સાયકોગ્રાફિક માહિતીનો આધાર લઇ શકો છો. સાયકોગ્રાફિક માહિતી તમને જાણ કરે છે કે લોકો શા માટે ઉત્પાદન અથવા સેવા ખરીદે છે અથવા ખરીદતા નથી. ઉદાહરણ તરીકે, તમે ફર્નિચર અને હોમ ડેકોર કંપની છો, અને તમારી પાસે તમારા કસ્ટમરનો ડેમોગ્રાફિક ડેટા છે જેમ કે, ઉંમર, આવક વગેરે. જ્યારે તમે સાયકોગ્રાફિક માહિતીને મિશ્રણમાં ઉમેરો છો, ત્યારે તમે શોધી શકો છો કે જે લોકો તમારી પ્રોડક્ટ ખરીદે છે તેઓ મિત્રતાને પ્રાધાન્ય આપે છે કે પછી પર્યાવરણ પ્રત્યે સભાન હોય છે. આ માહિતીના આધારે, તમે એવી જાહેરાતો બનાવી શકો છો જે લોકોને તેમના ઘરમાં મનોરંજન કરતા મિત્રો બતાવે છે અને તમારી બ્રાન્ડના પર્યાવરણને અનુકૂળ લક્ષણો પર ભાર મૂકે છે.
ત્રીજું ગ્રાહકના વર્તનના આધારે તમારા ટાર્ગેટ ઓડિએન્સને વિભાજિત કરીને તમને ચોક્કસ મેસેજિંગ બનાવવાની મંજૂરી આપે છે જે તે વર્તણૂકોને સમાવી શકે. તમે તમારા ગ્રાહકોની વર્તણૂકનો અભ્યાસ તેઓ કઈ વેબસાઇટ પર જાય છે અને શું પગલાં લે છે તેના દ્વારા, તેમની ઓનલાઈન શોપિંગની આદતો શું છે, તેઓ બ્રાન્ડ પ્રત્યે કેટલા વફાદાર છે, તમારા ઉત્પાદનનો તેમનો ઉપયોગ દર શું છે, ગ્રાહક કઈ જરૂરિયાતને સંતોષવાનો પ્રયાસ કરી રહ્યો છે વગેરેના સહારે માર્કેટર્સ ગ્રાહકોને તેમના વર્તનને જાણીને વધુ અસરકારક રીતે માર્કેટિંગ કરી શકે છે.
ભૌગોલિક સ્થાનના આધારે સેગ્મેન્ટેશન અત્યંત અસરકારક છે. ગ્રાહક ક્યાં સ્થિત છે તે જાણીને કંપનીને તેમના ગ્રાહકોની જરૂરિયાતોને વધુ સારી રીતે સમજવામાં
મદદ કરી શકે છે અને પછી કંપનીઓ સ્થાન-વિશિષ્ટ જાહેરાતો સાથે ગ્રાહકોને લક્ષ્ય બનાવી શકે છે. તમે સેગમેન્ટને તેમનાં સ્થાનોના આધારે વિભાજિત કરી શકો છો, જેમ કે નગર, એરિયા, પિન કોડ અથવા દેશ. તેમના સ્થાનની લાક્ષણિકતાઓના આધારે સેગમેન્ટનું વિભાજન, માર્કેટર્સને તેમના લક્ષ્યીકરણ અને સંદેશા સાથે વધુ ચોક્કસ બનવાની મંજૂરી આપે છે. વિવિધ ભૌગોલિક વિભાગોને લક્ષ્ય બનાવતી વખતે, માર્કેટર્સે ભાષા જેવાં તત્ત્વોને ધ્યાનમાં લેવાની જરૂર છે. તમે જે પ્રદેશને લક્ષિત કરી રહ્યા છો તેના આધારે ભાષા બદલાઈ શકે છે.
આ મુખ્ય ચાર રીતો છે પણ તમે પોતાની રીતે પણ આવા સેગ્મેન્ટ બનાવી શકો છો જેમ કે; વેલ્યૂ અર્થાત મૂલ્ય સેગ્મેન્ટેશન. ગ્રાહકો તેમનાં ઉત્પાદનો પર કેટલો ખર્ચ કરશે ના આધારે, તેઓની અગાઉની ખરીદીનો ડેટા જોઈ; જેમ કે તેઓ કેટલી ખરીદી કરે છે, તેઓ કેટલી વાર ખરીદી કરે છે અને તેઓ જે વસ્તુઓ ખરીદે છે તેનું મૂલ્ય જાણી સેગ્મેન્ટ કરો. બિઝનેસ-ટુ-બિઝનેસ (બી ટૂ બી) કંપનીઓ માર્કેટમાં બિઝનેસને વિભાજિત કરવા માટે કંપનીઓની લાક્ષણિકતાઓ જેવી કે ઉદ્યોગ, આવક, કર્મચારીઓની સંખ્યા અને સ્થાનના અભ્યાસના આધારે સેગ્મેન્ટેશન કરી શકે. જનરેશન સેગ્મેન્ટેશન જેમ કે ૠયક્ષ ણ, મિલ્લેનિઅલ્સ વગેરે. લાઇફ સ્ટેજ સેગ્મેન્ટેશન ઉંમરના વિવિધ તબક્કે વિવિધ જરૂરિયાતો માટે આનો ઉપયોગ થઇ શકે તેમજ સિઝનલ અર્થાત હોલી ડે, વેકેશન, તહેવારો વગેરે.
માર્કેટ સેગ્મેન્ટેશનના મુખ્ય ફાયદાઓમાં; નવા પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને માર્કેટ એક્સપાન્શન માટે મદદ કરે છે, તમારા વેપારને ફોકસ પ્રદાન કરે છે, તમારા ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષે છે, તમને માર્કેટમાં તમારા પ્રતિસ્પર્ધીથી આગળ રાખે છે અને સૌથી મહત્ત્વનું તમારા એડ કેમ્પેઇનના મેસેજને સેગ્મેન્ટ પ્રમાણે બનાવવામાં મદદ કરે છે અને તેના દ્વારા ગ્રાહકને માલ ખરીદવા પ્રેરે છે. આમ, જ્યારે માર્કેટર્સ માર્કેટ સેગ્મેન્ટેશનનો ઉપયોગ કરે છે ત્યારે તે સામૂહિક બજારને લક્ષ્ય બનાવવાને બદલે ચોક્કસ ગ્રાહક જૂથો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આના કારણે તેમનો માર્કેટિંગ પાછળના ખર્ચનો બગાડ ઓછો થાય છે, કેમ્પેઇન અસરકારક રહે છે અને તેથી બ્રાન્ડને નફા અને અન્ય સંસાધનોની દ્રષ્ટિએ વધુ કાર્યક્ષમ બનવામાં મદદ કરે છે.