ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બેન્ચમાર્ક ઈન્ડાઈસિસમાં છેલ્લા ત્રણ સપ્તાહથી જોવા મળી રહેલા સુધારા પર સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહે બ્રેક વાગી હતી અને ઈન્ડાઇસિસમાં બે ટકાથી વધુનો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો. હવે આ સપ્તાહે બજારની નજર વૈશ્ર્વિક વલણો, અદાણી જૂથને લગતી વિવિધ ડેવલપમેન્ટ અને આર્થિક ડેટા પર રહેશે.
એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી-૫૦ સતત છ સેશનમાં ઘટીને પાછલા શુક્રવારે છેલ્લા ચાર મહીનાની સૌથી નીચી સપાટીને સ્પર્શી ગયો હતો. ૫૦ શેરોના બનેલા આ ઈન્ડેક્સમાં ૦.૩ ટકા અથવા ૪૫ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ૧૭,૪૬૫.૮૦ પોઈન્ટસની સપાટીએ બંધ રહ્યો હતો. બજારના અભાયસુઓ જણાવે છે કે, દલાલ સ્ટ્રીટમાં આગામી સપ્તાહે ગ્લોબલ સંકેતો, અદાણીના શેરને લગતું ડેવલપમેન્ટ તેમજ આ સપ્તાહે જાહેર થનારા કેટલાક ઈકોનોમિક ડેટા શેરબજારની ભાવિ ચાલ નિર્ધારિત કરે તેવી શક્યતા છે.
આ સપ્તાહે બજારની નજર સૌથી પહેલા કેટલાક ઈકોનોમિક ડેટા પર રહેશે. આ સપ્તાહે ઓક્ટોબર-ડિસેમ્બરના જીડીપી ડેટા તેમજ જાન્યુઆરીના રાજકોષીય ખાધના ડેટા જાહેર થશે. ડિસેમ્બરમાં પૂરા થતા નવ મહીના માટે ભારતની નાણાકીય ખાધ ૯.૯૩ લાખ કરોડ હતી, જે એક વર્ષ અગાઉ માત્ર ૭.૫૯ લાખ કરોડ જ હતી. નાણાકીય વર્ષ ૨૦૨૩ના ૧૬.૬૧ લાખ કરોડના ટાર્ગેટની સરખામણીમાં આ પ્રમાણે ૫૯.૮ ટકા છે. આ ઉપરાંત ઓટો કંપનીઓ તેમના ફેબ્રુઆરીના વેચાણના આંકડા પણ પહેલી માર્ચના રોજ જારી કરશે તેની અસર પણ શેરબજાર પર જોવા મળે તેવી શક્યતા છે.
બીજી અન્ે મહત્ત્વની બાબત વિદેશી રોકાણકારોના વલણની છે. સમીક્ષા હેઠળના સપ્તાહે પણ ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈ) દ્વારા શેરબજારમાંની વેચવાલી જારી રહી હતી અલબત્ત જાન્યુઆરીના સરખામણીમાં તેનું પ્રમાણ ઘટ્યું છે, પરંતચુ એ નોંધવું રહ્યું કે, યૂએસમાં વ્યાજદર વધારાની ચિંતાથી બોન્ડ યીલ્ડ સતત વઘી રહી છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ડોલર ઈન્ડેક્સ ત્રણ ટકા મજબૂત થયો હોવાનું જણાવતા જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ્ટ વી કે વિજયકુમારે કહ્યું હતું કે, જો યૂએસમાં રેટ વધશે તો ભારત સહિતના ઉભરતા રાષ્ટ્રોમાંથી વિદેશી રોકાણકારો તેમનું રોકાણ પરત ખેંચવાની ઝડપ વધારી શકે છે. જોકે, સાઉથ કોરિયા અને તાઈવાનમાં આ મહિને સારૂ એવું વિદેશી રોકાણ આવ્યું છે. ઘરઆંગણે કોઈ મોટી ઈવેન્ટ કે ઘટનાને અભાવે ભારતીય શેરબજાર ગ્લોબલ માર્કેટના સંકેતો પ્રમાણે ચાલી રહ્યું છે. આમ વ્યાજદર વધારાનો ભય અને વૈશ્ર્વિક મંદીના ભણકારા વચ્ચે ભારતીય બજાર પર અસર જોવા મળી રહી છે અને આટલું ઓછું હોય તેમ ઘરઆંગણે અદાણી ગ્રુપનું ડેવલપમેન્ટ પણ બજારની બાજી બગાડી રહ્યું છે. વૈશ્ર્વિક સ્તરે ભારે અનિશ્ર્ચિતતાના માહોલમાં શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળે તેવી શક્યતા છે. બજારની આગામી ચાલ અંગે વિરોધાભાસી આગાહી થઇ રહી છે ત્યારે એન્જલ વનના ટેકનિકલ એનાલિસ્ટ રાજેશ ભોંસલેએ જણાવ્યું હતું કે, સમગ્ર ફેબ્રુઆરી દરમિયાન શેરબજાર એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું અને હવે તે ઘટીને નીચી સપાટી તરફ આવી ગયો હતો તેથી મોટા ભાગના તમામ ઈન્ડાઇસિસમાં ટેકો મળે તવી શક્યતા છે પણ હાલમાં માર્કેટ મેક ઓર બ્રેક લેવલે હોવાનું જણાય છે. અદાણી જૂથનું કોકડું હજુ ગૂચવાયેલું લાગે છે અને તેની બજારના સેન્ટિમેન્ટ પર અસર થતી રહેશે. યુએસ શોર્ટ સેલર્સ હિંડનબર્ગ રિસર્ચના અદાણી ગ્રુપ વિરૂદ્ધનો અહેવાલ બહાર આવ્યાને એક મહીનાનો સમય વીતી ગયો છે. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ આ આરોપો નકારવા ઉપરાંત રોકાણકારોને અદાણી ગ્રુપ દેવું ચૂકવવા સક્ષમ હોવાની ખાતરી કરાવવામાં આવી હોવ છતા અને બેન્કોએ પણ આ અંગે સ્પષ્ટતા કરી હોવા છતાં પણ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી અને તેના બજાર મૂલ્યમાં સૂચિતગાળામાં જ ૮૨ ટકાનું ધોવાણ થઈ ગયું હતું. અદાણી ગ્રુપની ૧૦માંથી સાત કંપનીઓમાં કુલ ૩૦,૧૨૭ કરોડ રૂપિયાનું રોકાણ કરનાર એલઆઈસીને પણ ઘણું નુકસાન સહન કરવું પડ્યું છે. આ સપ્તાહે પણ અદાણી જૂથની હલચલની બજારના માનસ પર નકારાત્મક અસર જોવા મળશે.