આગામી વર્ષે ઝુકરબર્ગ રાજીનામું આપવાના અહેવાલથી ખળભળાટ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ટેકનોક્રેટ કંપની અને કંપનીના કર્મચારીઓ હાલમાં ખરાબ દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે, જેમાં સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ હજારો કર્મચારીની છટણી કર્યા બાદ કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગ પણ રાજીનામું આપવાના સમાચારથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. એક અહેવાલ અનુસાર માર્ક ઝુકરબર્ગે પોતાના હોદ્દા પરથી આગામી વર્ષે રાજીનામું આપશે.
માર્ક ઝુકરબર્ગ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટસએપની માલિકી હેઠળની મેટા કંપનીના સીઈઓ છે. મેટાના પ્રવક્તાએ પણ આ સમાચારને નકારી કાઢ્યા હતા, જેમાં જણાવાયું છે કે માર્ક ઝુકરબર્ગ 2023માં રાજીનામું આપશે, પરંતુ મેટાએ આ અહેવાલને રદિયો આપ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી મેટા આવક અને જાહેરખબર મુદ્દે તીવ્ર નાણાકીય ભીડ અનુભવી રહી છે. કંપનીએ તાજેતરમાં 11,000 કર્મચારીની છટણી કરવાની ઝુકરબર્ગે માહિતી આપી હતી. કંપનીના ખર્ચમાં થઈ રહેલા વધારાને કારણે કંપનીમાંથી કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
અઢાર વર્ષમાં પહેલી વખત કંપનીને નાણાકીય સંકટનો સામનો કરવાની નોબત આવી છે. મેટામાં કામ કરનારા કર્મચારીની સંખ્યા 87,000 જેટલી છે.