3 મેના રોજ સાઉથના પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મનોબાલાનું નિધન (Actor And producer Manobala Death) થયું હતું. તેઓ લાંબા સમયથી બીમારી હાલતમાં હતા. તેઓ ચેન્નાઈના સાલિગ્રામમ સ્થિત પોતાના ઘરે લીવર સંબંધિત બીમારીની સારવાર લઈ રહ્યા હતા. તેમનું નિધન સમગ્ર કોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે એક આંચકા સમાન બની ગયું હતું.
તમિલ સિનેમાની ઘણી હસ્તીઓએ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે. મનોબાલાએ એક ઇન્ટરવ્યૂમાં પોતોના જીવન વિશે એવા ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે, જેના પર એક ક્ષણ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. અહીં અમે તમને તેમના એક થ્રોબેક ઇન્ટરવ્યૂની (Manobala Interview) વાત કરી રહ્યા છીએ.
ફેન્સ સહિત સાઉથના ઘણા સેલેબ્સને પણ સોશિયલ મીડિયા પર મનોબલાના મોતના સમાચાર આવ્યા બાદથી મોટો ઝટકો લાગ્યો છે. રજનીકાંત, સત્યરાજ અને ઇલૈયારાજા જેવા દિગ્ગજ ફિલ્મી અભિનેતાઓએ પણ મનોબલાના અવસાન પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યુ છે. આ દરમિયાન મનોબાલાનો એક જૂનો ઇન્ટરવ્યૂ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આનંદ વિકટન સાથેની વાતચીતમાં મનોબલાએ ખુલાસો કર્યો હતો કે, તે રોજની 200 સિગારેટ પીતો હતો અને પોતાની મહેનતની કમાણી સારવાર પાછળ જ ખર્ચ કરવામાં ચાલી ગઇ હતી.
મનોબલા જણાવે છે કે જ્યારે હું દિગ્દર્શક તરીકે મારા કરિયરની ટોચ પર હતો, ત્યારે મને સિગારેટની ભયંકર ટેવ લાગી ચૂકી હતી. લોકો મને ‘ચીમની’ કહેતા હતા કારણ કે હું ખૂબ જ ધૂમ્રપાન કરતો હતો. એક સમયે ડૉક્ટરોએ કહ્યું હતું કે જો હું સિગારેટ પીવાનું ચાલું રાખીશ તો હું મરી જઇશ અને ત્યારે જ મને ભાન થયું અને હું થોભી ગયો હતો.
તેમણે વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે સિગારેટની લતની મારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસરો થવા લાગી હતી. જ્યારે હું તેલુગુ ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેમણે મને એવા રોલ આપ્યા હતા જેના માટે મારે ખલનાયકને જાણકારી આપવા માટે ઉપર-નીચે દોડવું પડતું હતું. હું ડાયલોગ બોલું તે પહેલાં મારે એક શ્વાસ લેવો પડતો હતો. પછી ડિરેક્ટર કટ લગાવી દેતા હતા. જોકે, તેમને ખબર નહોતી કે જો હું શ્વાસ નહીં લઉં તો હું જીવતો નહીં રહું. ત્યારે મને સમજમાં આવ્યું કે ધૂમ્રપાનની મારા સ્વાસ્થ્ય પર શું અસર પડી રહી છે. ધીમે ધીમે મેં બધાને કહ્યું કે સિગારેટ ન પીવી જોઇએ. હું બધાને વિનંતી કરું છું કે ધૂમ્રપાન ન કરો. હું આ વાતનું જીવંત ઉદાહરણ છું.