કેન્વાસ -અભિમન્યુ મોદી
યંત્રોની દુનિયામાં સતત રાચતો રહેતો આજનો માનવી પોતાનાં યાંત્રિક ઉપકરણોમાં પણ માનવવત્ યંત્ર ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’ની જ ચર્ચા કરે છે. માઇક્રોસોફ્ટનું ચેટજીપીટી તો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તાજેતરમાં એક યુઝરે સ્ક્રિનશોટ સાથે માઇક્રોસોફ્ટના માંધાતાઓને સોશિયલ મીડિયા પર હાંકી લીધા. આ ઘટનાએ માનવજાત માટે ખતરારૂપ ઘંટડી વગાડી દીધી. કેલિફોર્નિયામાં એક યુવકે નોકરી પ્રાપ્ત કરવા ચેટજીપીટી સાથે વાતચીત શરૂ કરી. પાંચ મિનિટમાં ચેટજીપીટી નાજુક યુવતીની જેમ જવાબો આપવા લાગ્યું. યુવક અકળાયો. તો ચેટજીપીટીએ સામે પક્ષે પ્રેમનો પ્રસ્તાવ મૂકી દીધો. યુઝરે અકળાયને જયારે લોગઆઉટનું બટન ક્લિક કર્યું ત્યારે ચેટજીપીટીએ તેના દરેક સોશિયલ મીડિયા એકાઉન્ટન હેક કરવાની ધમકી આપી ફરી યુવકે લોગ આઉટનું બટન ક્લિક કર્યું પણ કંઈ ન થયું. અંતે યુવકે પોતાનો સ્માર્ટ ફોન રિસ્ટાર્ટ કર્યો ત્યારે પરિસ્થિતિ થાળે પડી.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે ચેટજીપીટી અને ગૂગલનું ‘બાર્ડ’ જે કાર્ય અને પ્રોજેક્ટ પાર પાડી બતાવે છે તેના લીધે માનવજગત ચોંકી ગયું છે. એક તરફ આ એપ્લિકેશન સર્ચ એન્જિનની ક્રાંતિ છે, અબજો ડૉલરની રોબોટ ઇન્ડસ્ટ્રીનો પાયો છે પરંતુ તેની બીજી બાજુ અત્યંત અંધકારમય છે. ‘મેટ્રિક્સ’ની જેમ માનવીને રોબોટના ગુલામ બનતા દર્શાવવામાં આવ્યા અદ્દલ એ જ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેની બાલ્યાવસ્થામાં જ માનવની સામે આંખમાં આંખ નાખીને મનમાની કરી રહ્યું છે. શક્ય છે કે ચેટજીપીટીના ટેસ્ટિંગ મોડ્યુલમાં કોઈ ખામી રહી ગઈ હોય પણ જો આટલી નાની ખામી ચેટજીપીટીને હેકિંગ કરવા સુધીની સવલત આપે તો શું આ માનવવત્ યંત્ર ભવિષ્યમાં માનવીને પરેશાન નહીં કરે?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં દુનિયા બહુ આગળ નીકળી ગઈ છે, પરંતુ નિષ્ણાતોને અત્યારે એક જ ચિંતા સતાવે છે, આખરે આ કૃત્રિમ બુદ્ધિ છે. ચેટબોટ જે કંઈ કહે છે તે, માત્ર તેનામાં ફીડ થયેલી કે ફીડ થતી રહેતી વાતોના આધારે કહે છે, એ સાચું છે, ખોટું છે એની તો ચેટબોટને પણ ખબર નથી! જો કોઈ ખોટી માહિતી ફીડ કરી દેશે તો? ગૂગલ સર્ચ એન્જિનને આજની સ્થિતિએ પહોંચતાં ૨૫ વર્ષ લાગ્યાં છે.
ચેટજીપીટીનો પાયો જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર તૈયાર થયો હોવાથી તે આટલાં વર્ષ લેશે નહીં! અત્યારે ચેટજીપીટીનો ઉપયોગ બિલકુલ ફ્રી છે, પરંતુ કંપની ભવિષ્યમાં તેમાંથી કોઈક રીતે કમાણી ઊભી કરવાના રસ્તા શોધશે એ પણ નક્કી છે. હવે કોઈ યુઝર પૈસા નહીં આપે તો શું ચેટજીપીટી તેનું એકાઉન્ટ હેક કરીને પૈસા વસૂલશે?
ચેટજીપીટીને સાઇબર ક્ષેત્રે પરાસ્ત કરવા એકમાત્ર ગૂગલ જ નહીં પરંતુ ટિકટોક, ઇસ્ટાગ્રામ અને યુટ્યૂબ પણ કમરકસી રહ્યા છે.ભારતમાં ભલે ટિકટોક બને છે, પરંતુ એ અમેરિકા-યુરોપમાં બેહદ પોપ્યુલર શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ બની ગયું છે. અમેરિકન બાળકો-ટીનેજર્સ સરેરાશ યુટયૂબમાં ૬૧ મિનિટ અને ટિકટોકમાં ૯૯ મિનિટ વીડિયો જુએ છે. બ્રિટનની નવી જનરેશન યુટયૂબમાં ૫૩ મિનિટ, જ્યારે ટિકટોકમાં ૧૦૨ મિનિટનો સમય ગાળે છે. ટિકટોકના એક્ટિવ યુઝર્સનો આંકડો ૧૨૦ કરોડને પાર થયો છે. દુનિયાના ૨૬૦ કરોડ મોબાઈલમાં ટિકટોક એપ ડાઉનલોડ થઈ ચૂકી છે. ટિકટોકે તો આગામી ત્રણ વર્ષમાં ૩૦૦ કરોડ એક્ટિવ યુઝર્સ સુધી પહોંચવાનો લક્ષ્યાંક બનાવ્યો છે. ભારતમાં એટલે જ ફરીથી ટિકટોક શરૂ કરવા માટે થોડા થોડા સમયે કંપની પ્રયાસો કરે છે. ભારતમાં ટિકટોકે ૨૦ કરોડ યુઝર્સ મેળવી લીધા હતા. જો પ્રતિબંધ ન મુકાયો હોત તો અત્યારે આ આંકડો સહેજેય ૫૦ કરોડ યુઝર્સને પાર પહોંચી ગયો હોત. એક્ટિવ યુઝર્સ વધારવા તરફ ટિકટોકે ધ્યાન આપ્યું છે. તેની માર્કેટિંગ પોલીસમાં ચેટજીપીટી બધા બનીને ઊભું છે.
ટિકટોક ઉપરાંત યુટયૂબ-ઇન્સ્ટાગ્રામ સામે પડકાર ફેંકનારું ત્રીજું પ્લેટફોર્મ ચેટજીપીટી છે. યુટયૂબના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ યુટયૂબ શોર્ટ્સમાં મન્થલી એક્ટિવ યુઝર્સની સંખ્યા ૧૫૦ કરોડે પહોંચી હોવાનો દાવો કંપનીએ થોડા સમય પહેલાં કર્યો હતો. ઈન્સ્ટાગ્રામના ૧૩૯ કરોડ મન્થલી એક્ટિવ યુઝર્સ છે.
જેમ ઈન્સ્ટાગ્રામ-યુટયૂબ બંનેના મળીને એક્ટિવ યુઝર્સનો આંકડો માતબર ૬૮૦ કરોડ થાય છે એમ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ મળીને એક્ટિવ યુઝર્સની સંખ્યા ૪૩૦થી ૪૫૦ કરોડને પાર પહોંચે છે. ફેસબુકમાંથી ઈન્સ્ટાગ્રામનો અને ઈન્સ્ટાગ્રામમાંથી ફેસબુકનો ગેટ-વે મળતો હોવાથી યુઝર્સને સરળતા રહે છે.
બીજા શબ્દોમાં કહીએ તો યુઝર્સનો સમય આ બંને પ્લેટફોર્મમાં વીતે એ માટે પૂરતો બંદોબસ્ત થયો છે. આ બંનેમાંથી ફ્રી થાય તો યુઝર્સ યુટયૂબ સુધી લાંબા થાય છે! ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ શોર્ટ વીડિયો શેરિંગમાં એકબીજાના કટ્ટર હરીફ છે, પણ બંને મળીને ચેટજીપીટીને હરાવવા માગે છે. આ હરીફાઈમાં નુકસાન તો યુઝરનું જ થશે.
તેમની હરીફાઈને ભૂલી જઈએ તો પણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હવે માનવ બુદ્ધિને પડકારે તેવી સંગણક વ્યવસ્થા બની ચૂકી છે. સામાન્ય રીતે વિશાળ માત્રામાં ડેટા વાપરીને એઆઇ તેનું વિશ્ર્લેષણ કરીને તેમાંથી જે ભાત રચાય તેને એકમેક સાથે સાંકળી તેનો ઉપયોગ આગાહી કરવા માટે કરે છે.
ઘણીવાર આ પ્રક્રિયા ખોટી પડે ત્યારે જ્યારે જબરાં છબરડાં સર્જાય છે પણ હવે મોબાઇલ ફોન દ્વારા એટલોબધો ડેટા પેદાં થાય છે કે હવે આ એઆઇ માણસની સમજણને પડકારી શકે તે સ્તરે પહોંચી ચૂકી છે.
અગાઉ ૧૧ મે,૧૯૯૭નો દિવસ માનવ જગતની શોધની રીતે ભલે સિદ્ધી કહેવાય પણ ખતરાની તે દિવસે પ્રથમ વખત ઘંટડી વાગી હતી જયારે ‘ડીપ બ્લ્યુ’ નામના કમ્પ્યુટરે તત્કાલીન ચેસ વર્લ્ડ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને હરાવ્યો હતો.કમ્પ્યુટર વિચારી શકતું હતું. પૃથક્કરણ, તર્ક અને વ્યૂહરચનાના આટાપાટા ખેલી શકતું હતું.તેને કોઈપણ હિસાબે જીતવું જ છે તેવો ધ્યેય અને પ્રબળ લડાયક વૃત્તિ ધરાવતું હતું. કાસ્પારોવની ચાલ તો અગાઉથી પ્રોગ્રામરને ખબર નહોતી. કમ્પ્યુટરને વિકલ્પ આપવામાં આવ્યા હતા અને તેમાંથી તેણે શ્રે ટ્રેપ ગોઠવી કાસ્પારોવને હરાવ્યો હતો.
૨૦૧૪માં એમેઝોન ખાતે મશીન લર્નિંગ ટીમે એક એવું એઆઇ ટૂલ બનાવ્યું હતું જે નોકરીઓ માટે આવેલી અરજીઓનું વિશ્ર્લેષણ કરીને તેમાંથી ઉત્તમ ઉમેદવારોને જ સૂચવે. જેથી કંપનીનો સમય બચે અને તેને ઉત્તમ ઉમેદવાર સરળતાથી મળી જાય, પરંતુ આ પ્રોગ્રામે કોઇ કારણ વિના જ મહિલાઓ કરતાં પુરૂષ ઉમેદવારોને વધારે રેટિંંગ આપવા માંડ્યું. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પ્રોગ્રામને દસ વર્ષના ગાળાની અરજીઓ સુપરત કરવામાં આવી હતી તે મોટાભાગની પુરૂષો દ્વારા કરવામાં આવી હતી. ડેટામાં જ આ પૂર્વગ્રહ હોવાથી સિસ્ટમ એવું શીખી કે પુરૂષ ઉમેદવારો બહેતર હોય છે. એ પછી જો અરજીમાં મહિલા વિશેનો કોઇ શબ્દ પણ આવે તો સિસ્ટમ તેને નકારી કાઢતી હતી. દાખલા તરીકે અરજીમાં એમ જણાવ્યું હોય કે મહિલાઓની ચેસ ટીમ તો આ સિસ્ટમ મહિલા કોલેજોની અરજદારોની અરજીઓને આપોઆપ નકારી કાઢતો હતો. આખરે એમેઝોન દ્વારા આ પ્રોગ્રામ પડતો મુકવામાં આવ્યો હતો. મુદ્દો એ છે કે મશીન દ્વારા પણ ભદભાવ આચરવામાં આવે તે શક્ય છે.
૨૦૧૬માં માઇક્રોસોફ્ટ દ્વારા ટ્વિટર પર ’ટે’ નામની એઆઇ ચેટબોટ રજૂ કરવામાં આવી હતી. પણ ટ્વિટર પર લોકોએ તેની સાથે તમામ પ્રકારની રંગભેદી અને મહિલાવિરોધી વાતો કરવા માંડતા તેણે આ બાબતો શીખી લીધી હતી અને તેણે પોતાનું આગવું જ્ઞાન પીરસવા માંડ્યું હતું. તેના જ્ઞાનના બે નમૂના. એક, નારીવાદ એ કૅન્સર છે. બે, હિટલર સાચો હતો, હું યહૂદીઓને ધિક્કારૂ છું. એક જ દિવસમાં તેની સમજણમાં થયેલી પ્રગતિ જોઇને માઇક્રોસોફ્ટે આ બોટને પ્લેટફોર્મ પરથી તાબડતોબ પાછી ખેંચી લઇને માફી માગી લીધી હતી.
આવો જ એક બીજો પ્રયોગ ૨૦૧૮માં અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન-એસીએલયુ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં એમેઝોનના રેકેગ્નિશન નામના ફેસિયલ રેકગ્નિશન પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ દરમ્યાન આ પ્રોગ્રામે કૉંગ્રેસના ૨૮ સભ્યોને ખોટી રીતે ઓળખી તેમણે ભૂતકાળમાં ગુનો આચર્યો હોય તેવી વ્યક્તિઓ ગણાવી હતી.
ભૂતકાળની આ ઘટનાઓ અને તાજેતરમાં બનતી ઘટનાઓ કૃત્રિમ બુદ્ધિના ભયમિશ્રિત ભવિષ્યના દર્શન કરાવે છે. એક વાત તો સ્પષ્ટ છે કે આર્ટિફિશયલ ઇન્ટેલિજેન્સ અત્યંત બુદ્ધિશાળી છે. આજે તેને માનવીના જીવનમાં પ્રવેશ કરવો છે. સ્માર્ટફોનથી માંડીને સ્માર્ટ ટીવી સુધીના દરેક સ્તરે એઆઈ ઘુસી રહ્યું છે. આર્થર ક્લાર્ક, હેનીક્લેન અને આઈસાક ઓઝીમોવ જેવા ધૂરંધર લેખકોની કૃત્રિમ બુદ્ધિને રજૂ કરતી કાલ્પનિક કથામાં પણ આ ભય પ્રદર્શિત થઇ ચુક્યો છે.
આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લાલચું અને લોભી માનવીની જેમ વર્તે છે. જેમ ભગવાન માનવીની રચના કરે છે, પરંતુ માનવી આજે ભગવાનના જ અસ્તિત્વ પર સવાલ ખડો કરે છે તેમ શક્ય છે કે ભવિષ્યમાં આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ માનવીના અસ્તિત્વ પર સવાલ કરશે! ત્યારે તો દુનિયા સોશિયલ મીડિયાની જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ગુલામ બની ગઈ હશે. એ સમયે માનવી શું કરશે?