દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મનીષ સિસોદિયાના CBI રિમાન્ડને 2 દિવસ માટે લંબાવ્યા છે. મનીષ સિસોદિયાનું મેડિકલ ચેકઅપ દર 24 કલાકે કરવામાં આવશે.
દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના CBI રિમાન્ડ પૂરા થયા બાદ શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે 10 માર્ચ સુધી પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હવે કોર્ટ મનીષ સિસોદિયાના જામીન પર 10 માર્ચે સુનાવણી કરશે.
મનીષ સિસોદિયાની જામીન અરજી પર રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી. જ્યાં સીબીઆઈએ કોર્ટને મનીષ સિસોદિયાના રિમાન્ડ 3 દિવસ માટે વધારવા કહ્યું હતું. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે પૂર્વ ડેપ્યુટી સીએમ તપાસમાં સહકાર આપી રહ્યા નથી.
સીબીઆઈની દલીલ પર બચાવ પક્ષે કહ્યું કે રિમાન્ડનો આધાર એ ન હોઈ શકે કે ગુનો કબૂલ ન થાય ત્યાં સુધી રાહ જોવી પડે. એજન્સીઓની નિષ્ફળતા રિમાન્ડ માટેનું કારણ હોઈ શકે નહીં. સિસોદિયાના વકીલે કહ્યું કે જે દસ્તાવેજો સીબીઆઇને મળ્યા નથી એ દસ્તાવેજો સિસોદિયાને કસ્ટડીમાં રાખવાથી શું મળી જશે? આવી દલીલ રિમાન્ડ માટેનો આધાર બની શકે નહીં.
હાલમાં કોર્ટે મનીષ સિસોદિયાના જામીન પરનો નિર્ણય 10 માર્ચ સુધી અનામત રાખ્યો છે. હવે કોર્ટ આ મામલે 10 માર્ચે બપોરે 2 વાગ્યે સુનાવણી કરશે. આ પહેલા AAP કાર્યકર્તાઓએ દિલ્હીના રસ્તાઓ પર ભારે હંગામો મચાવ્યો હતો. દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય પ્રધાનની ધરપકડના વિરોધમાં AAP નેતા સંજય સિંહ પાર્ટી કાર્યકરો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.