ભાવમાં સતત ઘટાડો
લોકોનું મનપસંદ ફળ કેરીની બજારમાં આવક વધી હોવાથી તેના ભાવમાં ઘટાડો થયો છે. વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી ફળ વહેલા પાકીને તૈયાર થઈ રહ્યા છે. હાલમાં બજારમાં કેરીની આવક પણ વધી રહી છે. પરિણામે બજારમાં તમામ જગ્યાએ કેરીના ભાવ ગગડી ગયા છે. બજારમાં મહારાષ્ટ્રની હાપુસ કેરીની સાથે સાથે દક્ષિણ ભારત, ગુજરાતની કેરીના પણ સારી આવક થઇ રહી હોવાથી કેરીના ભાવમાં ઘટાડો થયો છે અને તેના ભાવ સામાન્ય લોકોની પહોંચમાં આવ્યા છે અને હવે લોકો પેટ ભરીને તેમની ભાવતી કેરીનો આનંદ માણી શકે છે.
આ વર્ષે હવામાનમાં પલટો આવતા તમામ સ્થળોની કેરીને ભારે ફટકો પડ્યો હતો. જેથી બજારમાં કેરી પ્રમાણમાં ઓછી હતી. તેમાં પણ કોંકણમાં હાપુસ કેરીનું ઉત્પાદન ઘટીને 17 થી 18 ટકા થઇ ગયું હતું. આને કારણે મુંબઇની બજારોમાં કેરીના ભાવ 1000 રૂપિયા પ્રતિ ડઝન સુધી પહોંચી ગયા હતા. હાપુસનો પુરવઠો ઓછો હોવાથી ગ્રાહકો વિકલ્પ તરીકે હાપુસ જેવી કર્ણાટકની કેરી તરફ વળ્યા હતા. તે પછી ગ્રાહકો બદામી, કેસર, લાલબાગ, તોતાપુરી જેવી કેરીની અન્ય જાતો તરફ વળ્યા હતા. આને કારણે આ કેરીના ભાવમાં પણ વધારો થયો હતો અને એપ્રિલ, મેની શરૂઆતમાં કેરીની મુખ્ય સિઝનમાં પણ લોકો કેરી ખરીદવા માટે બહુ ઉત્સુક ન હતા.
હવે 10 મેથી બજારમાં તમામ જગ્યાએથી કેરીની આવક વધવા લાગી છે. જેમાં મુખ્યત્વે કોંકણમાંથી હાપુસ કેરીની આવક વધી છે. પરિણામે હાપુસના ભાવમાં ઘટાડો થયો છે. કર્ણાટક અને ગુજરાતથી આવતી કેરીઓની આવકમાં પણ વધારો થયો છે. આમ કેરી હવે સામાન્ય લોકોની પહોંચમાં આવી છે. હાપુસ કેરી પછી દક્ષિણ ભારતમાંથી કર્ણાટકની કેરી, બદામી, લાલબાગ, તોતાપુરી કેરી આવે છે. ગુજરાતમાંથી કેસર કેરીની આવક વધવા લાગી છે. આ તમામના ભાવ નિયંત્રણમાં આવ્યા છે. આ કેરીની મુખ્ય સિઝન છે અને માંગ સારી છે.
હાપુસ કેરી જે અગાઉ હજારથી બારસો રૂપિયે ડઝન બોલાતી હતી તેના ભાવ હવે ઘટીને પાંચસોથી હજાર રૂપિયા થયા છે. કર્ણાટકથી આવતી કેરી જે અગાઉ 80થી દોઢસો રૂપિયે કિલો બોલાતી હતી તેના ભાવ ઘટીને હવે 50થી 100 રૂ. પ્રતિ કિલો થઇ ગયા છે. તો અગાઉ 70થી 120 રૂ. કિલો વેચાતી બદામી કેરીના ભાવ પણ હવે ઘટીને 30થી 80 રૂ. થઇ ગયા છે, જ્યારે કેસર કેરી હાલમાં 50થી 100 રૂપિયે કિલોના ભાવે વેચાઇ રહી છે.