ત્રણ મુખ્ય પ્રધાનો સાથે મોદી: મંગળવારે રાજસ્થાનના બાંસવાડામાં ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’ કાર્યક્રમમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોત, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ તથા અન્ય મહાનુભાવોની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી. (તસવીર: પીટીઆઈ)
———-
માનઘઢ: રાજસ્થાનના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું હોવાનું સરકાર દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
વર્ષ ૨૦૧૩માં બ્રિટિશ સેના દ્વારા અંદાજે ૧૫૦૦ જેટલા આદિવાસીની સામૂહિક હત્યા કરવામાં આવી હતી. માનગઢ ધામ આદિવાસી સમુદાયના બલિદાન અને મક્કમતાનું પ્રતીક છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આ સ્મારકની મુલાકાત લઈ આદિવાસી સમૂહના લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાન્સવારા જિલ્લામાં ભીલ અને આદિવાસી સમુદાયના અન્ય સભ્યોને સંબોધન કર્યું હતું અને માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કર્યું હતું.
આદિવાસીઓએ આપેલા બલિદાનના આપણે હંમેશાં ઋણી રહીશું, એમ મોદીએ કહ્યું હતું.
આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોત, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી.
સમારોહને સંબોધન કરતા ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૩માં બ્રિટિશ સેના દ્વારા કરવામાં આવેલી અંદાજે ૧૫૦૦ આદિવાસીની સામૂહિક હત્યાની ઘટના પંજાબના જલિયાવાલાં બાગની ઘટના કરતાં પણ વધુ કરપીણ હતી.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્ર્વભરમાં આદર મળી રહ્યો છે, કેમ કે તેઓ એ દેશના વડા પ્રધાન છે, જ્યાં લોકશાહીનાં મૂળ ખૂબ જ ઊંડા છે.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સરકારને માનગઢ ધામના વિકાસનો નકશો તૈયાર કરવા જણાવ્યું હતું. (એજન્સી)