માનસ મંથન – મોરારિબાપુ
આજે મારી પાસે એક જિજ્ઞાસા આવી છે કે સ્વભાવ કોને કહે છે ? પહેલાં તો એ સમજી લઈએ કે જેનાથી આપણે મુક્ત ન થઈ શકીએ તેને સ્વભાવ કહે છે. જેનાથી વ્યક્તિ મુક્ત થઈ જાય તેને સ્વભાવ ન કહી શકાય. સ્વભાવ ક્રોધી ન હોઈ શકે. સ્વભાવ કામી ન હોઈ શકે અને ન તો સ્વભાવ લોભી હોઈ શકે. એ તો બોલવાની એક વ્યવસ્થા છે કે, ફલાણાનો સ્વભાવ બહુ ક્રોધી છે, કામી છે કે લોભી છે. આપણો સ્વભાવ ક્રોધી નથી કારણ કે તેનાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. ક્રોધ ચોવીસ કલાક નથી રહેતો. દસ મિનિટ ક્રોધ આવે પછી ઓસરી જાય છે. આપણને ક્રોધ આવે છે, પરંતુ તેનાથી પાછા મુક્ત પણ થઈ શકીએ છીએ. તો એનો અર્થ એમ થયો કે આપણો મૂળ સ્વભાવ શાંતિ છે, શાંત છે. અંતમાં જોવા જઈએ તો લાખ ક્રોધ કરનારી વ્યક્તિ પણ છેલ્લે તો શાંતિ ઈચ્છશે. લાખ કામી હશે તે પણ અંતમાં વિશ્રામ ઈચ્છશે.
કોઈનો આત્મા ક્રોધી નથી, કોઈનો આત્મા કામી નથી અને કોઈનો આત્મા લોભી નથી. આ બધી વૃત્તિઓ બહારથી આવી છે. મેં કદાચ આગલી કથાઓમાં પણ કહ્યું છે કે તમે શું ચોવીસે કલાક ક્રોધ કરી શકો ? એ સંભવ નથી. શું આપણે ચોવીસેય કલાક કામમાં પ્રવૃત્ત રહી શકીએ ? નહીં, એ અસંભવ છે. જુઓ, અત્યારે આપણે જે કપડા પહેર્યા છે તે એક સંયોગ છે, સ્વભાવ નથી. તમે હિંદુસ્તાનમાં રહેતા હો તો ધોતી પહેરશો, અને વિદેશમાં રહેતા હશો તો ત્યાંનો પોશાક પહેરશો. આ સંયોગ છે, સ્વભાવ નહીં. એમ ન તો કોઈનો આત્મા ક્રોધી છે, ન તો કોઈનો આત્મા કામી છે અને ન તો કોઈનો આત્મા લોભી છે. જો આપણો સ્વભાવ ક્રોધી હોત, જો આપણો સ્વભાવ કામી હોત તો આપણી સત્સંગમાં રુચિ ન ઉદ્ભવત. જે ક્રોધી હોય તે સત્સંગમાં શાંતિથી ન બેસી શકે. જે લોભી હોય તો તે એના જીવનમાં રજમાત્ર પણ સમર્પણ ન કરી શકે.
એટલે પહેલી વાત તો એ કે સ્વભાવ એને કહે છે કે જેનાથી છુટકારો અસંભવ છે. જો બિલકુલ સરળ અને સાચા અર્થમાં સમજવું હોય તો સહુનો મૂળ સ્વભાવ છે આત્માનો સ્વભાવ. આત્માનો સ્વભાવ એકાંતમાં રહેવું. આત્માનો સ્વભાવ છે શાંત રહેવું. આત્માનો સ્વભાવ છે મૌન રહેવું. આત્માનો સ્વભાવ છે શૂન્યમાં રહેવું. મને પૂછવામાં આવ્યું છે કે શું કથાથી સ્વભાવને સુધારી શકાય?
મારાં ભાઈ-બહેનો, કામ, ક્રોધ, લોભ આ બધા સંયોગ છે. આવે છે અને નીકળી જાય છે. સત્સંગથી આપણા સ્વભાવમાં સુધાર થઈ શકે, પરંતુ જો સુધાર ન થઈ શકે તો અંધકારને ઉલેચવાને બદલે સમજદારી એમાં છે એક દીપ જલાવીએ. આપણા કામ, ક્રોધ કે લોભ મટી જાય એવા પ્રયાસ કરવાને બદલે, એમાં સમય બરબાદ કરવાને બદલે રામને એવા ભજીએ કે આ ત્રણેય વિકૃતિઓ આપોઆપ આપણાથી દૂર જવાની ચેષ્ઠા કરવા લાગે! આપણા સ્વભાવને બદલવામાં, તેને ફેરવવામાં આપણે ખૂબ સમય બરબાદ કર્યો છે. હવે એક દીપક જલાવીએ.
આપણો કામ મટે, ક્રોધ મટે અને લોભ મટે એની પાછળ સમય બરબાદ ન કરીએ. એ તો મટી જવાના જ છે કારણ કે તે નાશવંત છે. આપણે મરી જઈએ પછી આપણા કપડાં કોઈ અન્ય ઉતારી લે છે એમ જયારે મૃત્યુ પામીશું ત્યારે આપોઆપ આ વૃત્તિઓ જતી રહેશે. આ વૃત્તિઓ હંમેશ માટે ટકવાની નથી. ટકવાનો છે એકમાત્ર આપણો સ્વભાવ. સાવધાનીપૂર્વક વૃત્તિઓને સુધારવાની કોશિશ કરીએ. કારણ કે સ્વભાવ કોઈનો નથી બગડ્યો, બગડી છે વૃત્તિઓ. ક્રોધને પોતાનો ન સમજો. લોભને પોતાનો સ્વભાવ ન સમજો. કામને પોતાનો સ્વભાવ ન સમજો. સહજ સ્વભાવ તો તમારો આત્મ સ્વભાવ છે જેને તમે ક્યારેય નથી બદલી શકવાના. મારી પાસે કેટલાય લોકો આવીને કહે છે કે અમારો સ્વભાવ નથી સુધરતો. અમારી ઈર્ષ્યાવૃત્તિ બની રહે છે, અમારો દ્વેષ એમનો એમ રહે છે. તો અમે શું કરીએ ?
બાપ! વૃત્તિઓને સુધારવામાં સમય વેડફવાને બદલે એક ઠેકાણે બેસી અને હરિને ભજો. જુવો બાપ, ભાગવતજીમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે કોઈ પણ ભાવ તમારા મનમાં જાગે એ તમારા પ્રભુમાં વાળો તો દોષ નથી. બીજી જગ્યાએ ન વાળો, કામભાવ જાગે; ઈષ્ટ તરફ વાળો, ક્રોધભાવ જાગે; ઈષ્ટ તરફ વાળો, સ્નેહભાવ જાગે; ઈષ્ટ તરફ વાળો. અનિષ્ટ તત્ત્વમાં વૃત્તિઓ જાય છે એટલે બંધન છે. યજ્ઞકર્મ કોઈપણ કરો કોઈ બંધન નથી. પણ એ સિવાયનાં કર્મ બંધનરૂપ છે. ઈશ્ર્વરમાં કોઈપણ ભાવથી જવું તે ઈશ્ર્વરરૂપી અગ્નિમાં આહુતિ છે. બાકીનાં બધાં જ કર્મ બંધનરૂપ છે. ‘બળજ્ઞઇંળજ્ઞજ્રર્રૂૈ ઇંપૃરૂધ્ઢર્ણીં’ યજ્ઞભાવથી એ કર્મ કરો તો કોઈ ચિંતા નથી. અર્જુનને એ જ કહ્યું છે કે આસક્તિ છોડીને સમાચર. તું કામ કરતો રહે તને કોઈ બંધન નથી બાકી લોકભાવથી કરીશ તો બંધન છે.
કોઈપણ વૃત્તિને પ્રભુમાં વાળો, વૃત્તિ સંસ્કૃતિ બની જશે. ગોપીઓ કામથી જ ગઈ છે એ નિર્વિવાદ છે. પણ કૃષ્ણ તરફ ગઈ એટલે પરમ વંદનીય બની. ‘મધ્ડજ્ઞ ણધ્ડમૄઘશ્ર્નઠ્ઠણિર્ળૈ’ ગોપીઓ પ્રભુની કથા કરે તો ત્રિભુવન પવિત્ર થઈ જાય! આવી ભગવાનની કથા ! કોઈપણ રીતે જાવ. રાવણ ક્રોધથી ગયો, કોઈ દ્વેષથી ગયા. બધાનો ઉદ્ધાર થયો. ભયથી જાવ, સ્નેહથી જાવ, ઐક્ય એકતાનાં ભાવથી જાવ, મૈત્રીભાવથી,કોઈ પણ રીતે, પણ જાવ એમ ભાગવતજીએ કહ્યું છે. કોઈપણ ભાવથી જોડાશે એ કૃષ્ણમાં તન્મય થઈ જશે અને તન્મય થશે એટલે કૃષ્ણ મળી જશે ! એ પૂર્ણકામ વિગતકામ બની જશે ! બિલકુલ શાંત બની જશે. જે ઈષ્ટ હોય તેના તરફ ભાવનો પ્રવેશ થાય.
કોયલ કોઈ દિ માળો નથી બાંધતી, એને કોઈએ પૂછ્યું કે ‘તમારો કંઠ આટલો સરસ ને તમે સારો માળો ન બાંધી શકો ?’ ત્યારે એણે કહ્યું કે ‘વસંતઋતુ આવી હોય ત્યારે તો ગાઈ લેવું જોઈ. માળા બનાવવામાં રહું તો તો ગાવાનું ચૂકી જવાય.’ એમ કોઈ સંત આવે ત્યારે તો હરિને ગાઈ લેવા, ત્યારે મકાન બનાવવામાં રહીએ તો તો અવસર ચૂકી જવાય!
અસાંજી ઋત આવે ને ન બોલીયે
તો તાં હૈયાં ફાટ મરાં.
એટલા માટે કોયલ માળો નથી બાંધતી કે તેમાં સમય જાય તો હરિ ગાવાની વસંત ઋતુ વિતી જાય! અવસર તો આવ્યો છે.
વલ્લભગુણ ગાવા ને ગાવા
અવસર ફિર નહીં આવે આવા.
ટૂંકમાં, અવસર હરિ ભજવાનો આવ્યો હોય ત્યારે બીજા પદાર્થોને ગૌણ કરવા, એને બહુ પ્રધાનતા ન આપવી. કથા સાંભળવાનો મોકો મળે ત્યારે ઉતારો ક્યાં છે એમાં બહુ ન પડવું. સમય આવે હરિ ભજી લેવો બાપ ! કેટલી શાંતિથી તમે સાંભળો છો. હું બોલીને થાકતો નથી અને થાકવાનો પણ નથી. તમે પણ થાકતા નથી ! ક્યારેક ખબર પડે ન પડે. હું બને તેટલું સહેલું કરવાનો પ્રયત્ન કરું છું છતાં તમે કેટલી શાંતિથી સાંભળો છો. એટલે કચ્છમાં આનંદ આવે છે બાપ! તો જેણે રામ ભજ્યા હોય એનાં માળામાં ઈંડાં મૂકી દ્યો,સલામત રહેશે.
(સંકલન: જયદેવ માંકડ)