માનસ મંથન – મોરારિબાપુ
કથા બે વસ્તુ કરે: દુ:ખને ભગાડે અને વિશ્ર્વાસનું સર્જન કરે. આપણને બંનેની જરૂર છે. આપણાં દુ:ખ ભાગવાં જોઈએ અને આપણો લડખડાતો વિશ્ર્વાસ પુન: જાગૃત થાય. મજબૂત થાય. ભગવાનની કથાથી દુ:ખો ભાગે.
तव कथामृतं तप्तजीवनं
कविभीरीडितं कल्मषापहम् ।
श्रवणमंगलं श्रीमदाततं
भुवि गृणन्ति ते भूरिदा जना ॥ (गोपीगीत श्लोक.9)
સીતાજી અશોકવાટિકામાં છે. માને દુ:ખમાંથી મુક્ત કરવાનો એકમાત્ર ઉપાય છે-રામકથા. હનુમાનજી મધુર વચનોમાં રામના ગુણગાન ગાવા લાગ્યા, એની વ્યાખ્યા કરવાની જરૂર નથી લાગતી, કારણ કથા સાંભળતાં ઘણા દુ:ખો ઓછાં થઈ જાય છે. એકમાત્ર ઉપાય છે.
કથા સાંભળવાથી દુ:ખો જ ભાગે છે એમ નહિ, સુખો પણ ભાગે છે. એક વખત કથાનું વ્યસન થયા પછી તમે ચેનથી રહી નહિ શકો. કથા સુખ પણ લે, દુ:ખ પણ લે. સુખ અને દુ:ખ બંને દ્વંદ્વો નીકળી જાય, એ તો કેટલી મોટી અવસ્થા છે, કેટલી મોટી ભૂમિકાએ પહોંચાય ! સુખ પણ ગયું, દુ:ખ પણ ગયું. મારી વાત કરું, અમે ક્યાંયના ન રહ્યા, આજે ઘરમાં, કાલ ત્યાં, આજે અહીં, કાલે ત્યાં, કોઈને ક્યાંયના રહેવા ન દીધાં કથાએ. કથા વગર ચેન નહિ પડે. ધંધો જ બીમાર પાડવાનો છે. લોકોને બીમાર કરવાનું કામ કરે. અને એક મહારોગ લાગુ પડે તો જ સંસારિક રોગો દબાશે. મહારોગ છે કૃષ્ણપ્રેમ, ભગવદ્પ્રેમ, એ મહારોગ છે. ‘હરિ બોલ’.
દિવ્યતાની, સીમાની પરમ સીમા હતી, ગૌરાંગ મહાપ્રભુ, શ્રી ચૈતન્ય મહાપ્રભુ. હરિનામ અને હરિગુણગાનમાં એવા ડૂબ્યા કે આખી જિંદગી કંઈ ચેન ન પડ્યું. જગન્નાથજીના સ્તંભને પકડી ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથજીનાં દર્શન કરતાં. આરતીના દર્શન, ભીડ બહુ હતી. એમાં એક બહેનને દર્શન નહોતાં થતાં, એને ખબર ન રહી, ગર્ભસ્થંભની પાસે ઊભેલા ચૈતન્ય મહાપ્રભુના ખભા ઉપર ચડી ગઈ. અંતરંગ શિષ્યોએ કહ્યું, અરે, અરે બહેન ભગવાન મહાપ્રભુજી પર તું ચઢી ગઈ ? નીચે ઊતર. અને જેવી બહેન નીચે ઊતરી કે ચૈતન્ય મહાપ્રભુએ પગ પકડ્યા કે હે બહેન, હે મા, તારા જેવી દશા મારી ક્યારે થશે ? કે તને એ પણ ખ્યાલ ન રહ્યો કે કોણ ઊભું છે ? આવી દશા મારી ક્યારે થશે ? કે મને ક્યાંય ખબર ન રહે ? કેવળ હરિ, હરિચર્ચા જ રહે. ભગવાનની કથા એ સુખ પણ લઈ લે, દુ:ખ પણ ભગાડે. એ બંને ગયા પછી શું અવસ્થા આવે, એને સિદ્ધિ નથી કહી શકાતી, એની અનુભૂતિ થાય છે. એને વેદાંત કહે છે સત્ય ગુણાત્મક નથી કે તમે સિદ્ધ કરો. સત્યની તો અનુભૂતિ થાય. ગુણાત્મક વસ્તુને તમે સિદ્ધ કરી શકો, આ આટલું, આ આટલું, આ આના કરતાં કમજોર, આ આના કરતાં આમ, પણ સત્યને તમે સિદ્ધ ન કરી શકો. શાસ્ત્રાર્થ ભલે કરો, પણ સત્યની પ્રતિષ્ઠા શક્ય જ નથી. એને સિદ્ધ કરી શકાય જ નહિ, એની અનુભૂતિ જ થાય. જેનું જીવન દુ:ખથી પર થાય કથા દ્વારા, એ એનો નિર્ણય ન આપી શકે. તમે તમારી જાતને પૂછો, કથાનું વ્યસન લાગ્યા પછી, બધા જ જાણે છે કે કથા વગર ક્યાંય સરખું લાગતું નથી. ભગવાનની કૃપા છે બધા પર સુખો પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનો છે, ચારેબાજુ સુખો મેળવવા બધા યત્નો કરે છે. શું કામ ભગવાનની કથા સાંભળવા બધા જાય ? પ્રભુ, ભગવદ્કથા દ્વંદ્વોથી મુક્ત કરે છે.
ભગવાનની કથા એના મુખમાંથી શ્રવણ કરો, જેનાં મુખમાં સતત કૃષ્ણનામ ચવાયું હોય, રામનામ ચવાયું હોય, એ ચરિત્રો જ જેનાં મુખમાંથી નીકળ્યાં હોય, ક્યારે કોઈની નિંદા ન નીકળી હોય, ક્યારેય અસત્ય ન નીકળ્યું હોય, એ સાંભળો.
સંતોએ સ્વીકાર્યું, એટલે હું કહ્યા કરું કે કથા પંડિતોનો વિષય નથી; કથા એ પ્રવચનનો વિષય નથી, કથા તો ભગવાનના રસમાં ડૂબેલા મહાપુરુષોનો વિષય છે. એ પાંડિત્યનો વિષય છે ? ઉદ્વવ કંઈ ઓછા પંડિત નથી, એ કાળના તો સર્વોત્તમ વિદ્વાન છે ઉદ્વવ, બુદ્ધિસત્તમા છે. ભગવદ્કથામાં ડૂબ્યા છે. કથા સુખ પણ લઈ લે છે, કથા દુ:ખ પણ લઈ લે છે, પછીની જ સ્થિતિ હશે, એને સિદ્ધ નથી કરાતી.
ગોસ્વામીજી કહે છે, સીતાજીનાં દુ:ખો ભાગવા માંડ્યા છે. રામચંદ્રના ગુણો સાંભળતાં સાંભળતાં દુ:ખો ભાગે છે. મારી વ્યાસગાદી કહે છે, એટલા માટે નથી કહેતો, ભગવદ્કથા જ્યાં હોય, ભગવાનની કથાનું શ્રવણ આપણી વ્યથાને દૂર કરશે. બીજો શું ઉપાય ? બીજાં સાધન તમે ને હું શું કરી શકીએ ? એ તો બધા ફાંફા મારવાની વાતો છે. આટલા અમે જપ કરીએ, તપ કરીએ, યજ્ઞ કરીએ, વિનમ્રતાથી સાધન જરૂર કરો. બાકી આપણા સાધનમાં તાકાત કેટલી ? જ્યાં સુધી હરિ કૃપા ન કરે, આપણા સાધનની તાકાત કેટલી ? એની કૃપા જોઈએ. કળિયુગનું એકમાત્ર સાધન છે હરિકથા. એટલા માટે તો-
गावत संतत संभु भवानी । अरु घटसंभव मुनि बिग्यानी ।
व्यास आदि कबिबर्ज बखानी । कागभुसुंडि गरुड के ही की ।
आरति श्री रामायणजीकी
તો જેનાં મુખમાં કોઈ દિવસ અસત્ય ન આવ્યું હોય, કોઈની નિંદા ન સાંભળી હોય, એના મુખમાંથી કથા શ્રવણ કરો. જેનાં મુખમાંથી કોઈ માટે કર્કશ વેણ ન નીકળ્યું હોય, મધુર વાણી જ હોય, એના મુખેથી ભગવદ્કથા સાંભળો. અરે, ભગવદ્કથા શું, આવી વ્યક્તિ, જેનાં મુખથી જે કંઈ નીકળે એ બધી હરિકથા જ હોય છે. જે બોલશે, જે વાણી નીકળશે એ હરિકથા જ હશે, બીજું કંઈ નહિ હોય. જે મુખમાંથી બોલે, એ સ્તોત્ર હશે. હનુમાનજી ભગવાનના દિવ્ય ગુણોનું ગાન કરવા લાગ્યા. કારણ બીજો કોઈ ઉપાય હનુમાનજીને નથી દેખાયો. માને દુ:ખમાંથી મુક્ત કરવાનો એકમાત્ર ઉપાય છે, રામકથા. હનુમાનજી જેવી મહાન વ્યક્તિ કથા કહે, જાનકીજીનાં દુ:ખ ભાગે, એમાં આર્શ્ર્ચર્ય શું ?
તો બાપ ! સૌથી ઉત્તમ સ્નાન કથાસ્નાન છે, પરમાત્માની કથાનું સ્નાન. માનસરોવર સ્નાન ઉત્તમ તો છે, પણ દુર્લભ છે, એથી વધુ ઉત્તમ લાગે છે. જે ચીજ ઉત્તમ હોય છે, એનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. ગંગાજી પણ આપણા માટે દુર્લભ તો છે જ, વર્ષમાં એક-બે વાર જાઓ ત્યારે સ્નાન કરો, અને માનસરોવર તો કાફી દુર્લભ છે, બહુ કઠિન છે. અને જે દુર્લભ છે, એનું મૂલ્ય વધી જાય છે. કથા સુલભ છે, દર પંદર દિવસે મળે છે અને એ તો મારી વ્યાસગાદીની દ્રષ્ટિએ કહું છું, બાકી કોઈની ને કોઈની કથા રોજ મળે છે એટલી સુલભ છે. એથી એનું સ્નાન ઓછું મહત્ત્વનું છે. બાકી સરળતા, સુલભતાની દ્રષ્ટિએ જુઓ તો કથા સ્નાન ઉત્તમ છે.
કથા ગંગા પણ છે, યમુના પણ છે, ગોદાવરી પણ છે, કથા નર્મદા, કૃષ્ણા, કાવેરી પણ છે. ગોસ્વામીજીએ તો કેટલાયે પ્રકારથી કથાને નદીના પ્રવાહનું રૂપ આપ્યું છે. ‘સુભગ સરિ’ કહીને સમસ્ત નદીઓને નિમંત્રણ આપી દીધું. પ્રમાણ, પંક્તિ બધાંને યાદ છે. जिन्ह के श्रवन समुद्र समाना। कथा तुम्हारि सुभग सरि नाना ॥
બીજા સ્નાનમાં કપડાં ભીંજાય છે, પણ કલેજું કોરું રહી જાય છે. કથા સ્નાનમાં કપડાં કોરા રહે છે. કલેજું ભીંજાય છે. ભીતરી અભ્યંતર સ્નાન થઈ જાય છે.
– સંકલન : જયદેવ માંકડ ઉ