માનસ મંથન – મોરારિબાપુ
મારાં ભાઈ-બહેનો, હવે મારે તમારી સાથે એ વાત કરવી છે કે, પ્રેમને પ્રગટ કરવાની એ પણ એક વિદ્યા છે. રામનું શયન જોઈને ગૃહરાજમાં પ્રેમ પ્રગટ થયો. શું મતલબ થઈ શકે છે ? જેમના પ્રત્યે આપણા દિલમાં આદર હોય છે, જેમના પ્રત્યે આપણા દિલમાં મમતા હોય છે, જેમના પ્રત્યે દિલમાં સદ્દ્ભાવ હોય છે, જેમના પ્રત્યે શુદ્ધ આદર, શુદ્ધ સદ્દ્ભાવ હોય છે, એવી વ્યક્તિ કષ્ટમાં હોય, એવી સ્થિતિમાં એ વિશ્રામ કરે છે, ત્યારે તેના શયનને જોઈને પ્રેમનું પ્રાગટ્ય થાય છે. આ બહુ મહિમાવંત સૂત્ર છે.
નાની નાની વાતોને ગોસ્વામીજીએ કેવી મહિમાવંત બનાવી દીધી છે ! લોખંડને સ્પર્શે અને લોખંડ સોનું થઈ જાય આવો પારસમણિ આજ સુધી કોઈએ જોયો નથી. એ કવિતાનું સત્ય છે, ભરોસાનું સત્ય છે. એ રૂપક છે કે હકીકત છે એ મને ખબર નથી, પરંતુ નાની એવી વાતને સાધુ સ્પર્શે છે અને પ્રેમરૂપી સુવર્ણ પ્રગટ થઈ જાય છે એને પારસમણિ કહેવાય છે. આ કથામાં જે એનાઉન્સર છે, જે એન્કરનું કામ કરે છે, એ યુવાન હીરો બનવા માટે મુંબઈ જઈ રહ્યો છે, પરંતુ કાલે મને કઈ રહ્યો હતો કે, બાપુ, હું તો અહીં મંચસંચાલન કરવા માટે આવ્યો હતો, પરંતુ કથા સાંભળતાં-સાંભળતાં મેં નિર્ણય કર્યો છે કે, મારી જે આવક થશે એનો દસમો ભાગ હું લેખક સમાજને માટે કાઢીશ.’ આને લોખંડનું સુવર્ણમાં પરિવર્તન થયું કહેવાય છે, આવી તો કેટલી બધી ઘટનાઓ ઘટતી હશે ! કેટલાક લોકો કહે છે કે, કથાથી શું પરિવર્તન થાય છે ?’ તું જરાક આવીને જો તો ખરો કે કથાથી શું થાય છે !
કથા વિવેક પેદા કરે છે; અને જીવનમાં વિવેકનો જન્મ થવો એટલે જ લોઢા જેવા જીવનનું સુવર્ણમય બનવું. રામકથાનો એક ઉદ્દેશ છે કે, સત્સંગથી વિવેક પેદા થાય છે. મેં મારા જીવનમાં જોયું છે કે જે લોકોએ સત્સંગ ક્યારેય નથી કર્યો, એ લોકોમાં કેટલીયે ક્ષમતા હોય, પરંતુ વિવેક હોતો નથી. વિવેક માટે તમારે સત્સંગ કરવો પડશે. તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય, તમારી પ્રગતિ, ઉન્નતિને મારા સલામ, પરંતુ વિવેક માટે સત્સંગ અનિવાર્ય છે. નહીંતર વિવેક આપણે ચૂકી જઈએ છીએ. બળવાન વ્યક્તિમાં વિવેક ન હોય તો બળ લોઢું છે ! વિદ્યાવાન વ્યક્તિમાં વિવેક ન હોય, જો એમણે વિવેકરૂપી દીકરાને જનમ ન દીધો હોય, તો વિદ્યા વાંઝણી છે ! દુનિયાની કોઈ પણ કલા, ચાહે ગાયન હો, વાદ્ય હોય, નૃત્ય હો, એમાં વિવેક ન હોય તો એ કલા લોઢું છે. હું પણ પોતાને એમાં સામેલ કરું, હું બોલતો રહું છું, શબ્દનું સેવન મારો શ્ર્વાસ છે, પરંતુ કથાકારમાં વિવેક ન હોય તો એની કથા લોઢું છે. ધનવાન પાસે ધન હોય અને વિવેક ન હોય તો ધન લોઢા જેવું છે. દુનિયાભરમાં જેટલી પણ સત્તા હોય, વિવેક ન હોય તો સત્તા લોઢું બને છે. સત્તા અને પદાધિકારીઓ પાસે વિવેક નથી હોતો તો તરત જ પકડમાં આવી જાય છે કે સત્સંગનો અભાવ છે. આપણો સૌનો સેતુ બનશે વિવેકથી.
આપણા જીવનની ગતિ બે પૈડાં પર છે. એક પૈડાંને હું વિશ્ર્વાસ કહું છું અને બીજા પૈડાંને હું વિચાર કહું છું. જીવન વિચાર અને વિશ્ર્વાસથી ચાલે છે, પરંતુ આપણે ગામડાંમાં રહેનારાં જાણીએ છીએ કે બન્ને પૈડાંની વચ્ચે એક ધરી હોય છે. ધરી ન હોય તો ગતિ અસંભવ છે. આ ધરીનું નામ છે વિવેક. વિશ્ર્વાસથી વિવેક જોડાયેલો છે, વિચારથી વિવેક જોડાયેલો છે, વિવેકમય વિશ્વાસ અને વિવેકમય વિચાર ‘રામચરિતમાનસ’ના સૂત્ર છે. વિવેક પેદા થવો જોઈએ. કોઈ પણ વિદ્યા, કોઈ પણ કલા, કોઈ પણ કથન, કોઈ પણ નર્તન, કોઈ પણ ક્ષેત્ર, પૈસાનું હોય કે પદોનું હોય, વિવેક ન હોય તો શું કામનું ? જીવનનો ચિરાગ જલતો રાખવો હોય તો વિવેક બહુ જરૂરી છે. ઠાકુર રામકૃષ્ણદેવને એકવાર કોઈ સાધકે પૂછ્યું કે પ્રાર્થના શા માટે કરવી જોઈએ ? એ તો ઠાકુરને પૂછવામાં આવ્યું હતું પરંતુ મને જો કોઈ પૂછે કે માગવું શું જોઈએ, તો હું તો કહીશ કે કશું માગો જ નહીં. એક સૂફી શે’ર છે-
यही सोचकर मैं कुछ कहता नहीं हूं,
सुना है कि तुझको सब कुछ पता है।
આપણે જ્યારે કોઈ બુદ્ધ પુરુષની પાસે બેસી જઈએ છીએ ત્યારે એ મુલાકાત આપોઆપ જ ઉપનિષદનું પ્રગટીકરણ થઈ જાય છે. છતાં આપણે જીવ છીએ એટલે માગો તો કોઈ સમર્થ પાસે માગો. માગો તો કોઈ સાધુ પુરુષ પાસે માગો, કપટી પાસે ન માગો. માગો કોઈ શુદ્ધ પુરુષ પાસે. જો માગવું જ હોય તો ચિલ્લાઈને ન માગો, ચૂપ રહીને માગો. ઠાકુરને જ્યારે પૂછવામાં આવ્યું કે, પ્રભુ પાસે માગવું હોય તો શું માગવું ?’ ઠાકુર કહે છે,તમે આર્દ્રભાવે પ્રભુ પાસે એટલું માગો કે, ‘હે પ્રભુ, તું મને એટલો વિવેક આપ કે મને અનિત્ય ક્યારેય નિત્ય ન લાગે; અનાત્મ ક્યારેય આત્મ ન લાગે.’ આને કહેવાય વિવેક. જો માગવું હોય તો વિવેક માગો. તુલસીદાસજીએ વિવેકના સંદર્ભમાં શબ્દપ્રયોગ કર્યો છે કે-
अस विवेक जब देइ बिधाता।
तब तजि दोष गुनहिं मनु राता॥
હે વિધાતા, માગવું ન પડે એવો વિવેક દેજે. અને આપણા જેવા પામરોને માટે વિધાતા કોણ છે ? આપણા સદ્દ્ગુરુ.
બીજાઓની વાત છોડો, હું મારા વિશે કહું કે, વક્તામાં થોડોક વિવેક હોવો જોઈએ. વક્તામાં એક તો તનનો વિવેક હોવો જોઈએ, શરીરનો વિવેક. હું વ્યાસપીઠ પર બેઠો છું. હજારો આંખો મારી તરફ તાકેલી છે અને વિજ્ઞાન મારફત આખી દુનિયા જોઈ રહી છે. માણસમાં શરીરનો વિવેક હોવો જોઈએ, જેને મારી વ્યાસપીઠ ‘તનવિવેક’ કહે છે; અને આ બધું ગુરુકૃપાથી આવે છે. જેમને સમર્થ ગુરુ નથી મળ્યા, અને જેમણે સંતોની પાસે જઈને સત્સંગ નથી કર્યો એ લોકો ધરતી પર રહી શકતાં નથી, ઊછળી રહ્યાં છે ! તનનો વિવેક વક્તાને પણ હોવો જોઈએ, શ્રોતાને પણ હોવો જોઈએ.
બીજું, નયનનો વિવેક. વિવેક ભરેલી આંખો માણસમાં પ્રેમ પ્રગટ કરે છે. વચનનો વિવેક. કેવા શબ્દો બોલવા જોઈએ, કેવા નહીં બોલવા જોઈએ ! આંખમાંથી આંસુ પડે છે, પણ હજી સુધી કોઈ એવું યંત્ર નથી બન્યું કે એ આંસુને ફરીથી આંખમાં પાછાં મોકલી દે. એવી જ રીતે એક વખત જીભેથી છૂટી ગયેલો શબ્દ પાછો લેવાની અધ્યાત્મમાં કોઈ વ્યવસ્થા નથી. ગયો, તો ગયો ! આજકાલ રાજનીતિનો એક સ્વભાવ થઈ ગયો છે, હું મારા શબ્દોને પાછા લઈ રહ્યો છું, અરે ! એટલા માટે વચનવિવેક જરૂરી છે, પરંતુ સૌથી શ્રેષ્ઠ વિવેક છે, આંતર મનનો વિવેક. મનવિવેક. તો, જેવી રીતે વક્તાને કંઈક આવશ્યક છે, એવી રીતે શ્રોતાઓનો વિવેક પણ આવશ્યક છે. તો બાપ ! કથાથી જીવનમાં વિવેક પેદા થાય છે.
– સંકલન : જયદેવ માંકડ