માનસ મંથન – મોરારિબાપુ
नौमि भौम बार मधुमासा ।
अवधपुरी यह चरित प्रकासा ॥
બાપ ! ભગવાન વિશ્ર્વનાથની આ બહુ જ પુરાણી ભૂમિમાં રામકથા ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે એનેે હું મારું સૌભાગ્ય સમજી રહ્યો છું. મેં વિચાર્યું કે રામનવમીનું પાવન પર્વ આવી રહ્યું છે, દુર્ગા અને શક્તિની આરાધનાના દિવસો છે. તો અહીં ‘માનસ-મધુમાસ’ વિષયને કેન્દ્રમાં રાખી કથાની સાત્ત્વિક-તાત્ત્વિક ચર્ચા કરીશું. રામ પ્રાગટ્યનો મહિમા કોના માટે નથી ? પરંતુ એનાથી પણ વિશેષ મહિમા મારા માટે રામનવમીનો છે. એ દિવસે ‘રામચરિતમાનસ’નું પ્રાગટ્ય થયું. રામ પ્રગટ થયા છે, પરંતુ એ હાથમાં નથી આવતા, જ્યારે આ (રામચરિતમાનસ) આપણા હાથમાં છે. અને ગુજરાતીમાં કહું તો ઈશ્ર્વર હાથવગો હોવો જોઈએ. બાપ! તુલસીની કથા બધાં માટે છે. તુલસીજીએ બધાં માસના નામ
લખ્યાં છે.
ભાદરવાનું નામ લખ્યું છે, શ્રાવણનું નામ લખ્યું છે,ચૈત્ર માસનું લખ્યું છે. મધુમાસ એટલે ચૈત્ર માસ. મધુમાસને કેન્દ્રમાં રાખીને આપણે આ કથામાં સંવાદ કરીશું. મધુ એટલે મધુરતા. તુલસીએ પોતાના શાસ્ત્રમાં ‘મધુ’ શબ્દને ઘણું મોટું સ્થાન આપ્યું છે.
અહીં મધુમાસની ચર્ચા છે. મધુમાસને આપણે ઋતુરાજ પણ કહીએ છીએ. મધુમાસ વસંતનો મહિનો માનવામાં આવે છે. એમાં સરસ્વતીપૂજાનો ઘણો મહિમા છે. મધુમાસ વિશે એ પણ હકીકત છે કે મધુમાસ એ રાગનો મહિનો છે, કેમ કે એ વસંતનો મહિનો છે અને વસંત કામદેવની સેનાનો નાયક છે. કામની જ્યારે વાત આવે છે ત્યાં ઋતુરાજનો પહેલો ઉપયોગ કરવામાં આવે છે. ઋતુરાજ વસંત પ્રગટ કરી દે છે. કોઈ ઋષિમુનિનો સમાધિભંગ કરવો હોય અથવા તો માનસ’ માં શિવની સમાધિભંગનો પ્રસંગ આવ્યો ત્યારે પણ ઋતુરાજને પ્રગટ કરવાના પ્રસંગો આવે છે. એટલા માટે સાહિત્યજગતમાં મધુમાસને ઋતુરાજ પણ કહે છે; અને ઋતુરાજ વસંત રાગાત્મિકાનો સંદેશ વિશેષ
આપે છે.
તો, ભગવાન રામ આ મધુમાસમાં પ્રગટ થાય છે. ‘રામચરિતમાનસ’નું પ્રાગટ્ય મધુમાસમાં થાય છે. તો શું એ રાગનો સંદેશ આપવા માટે છે ? એવો પ્રશ્ર્ન ઊઠે છે અને એની ચર્ચા જરૂરી છે. અને સાધનામાં રાગ તો વધારેમાં વધારે હટાવવાની વાત છે. રાગમાં, રંગરાગ વગેરેમાં ન પડવાની વાત છે. રાગી હોવું સારું નથી, વિરાગી હોવું સારું છે, એવી વાતો આપણે સાંભળીએ છીએ. અને એ વાત પણ સાચી છે. તો, રાગના મહિનામાં રામ પ્રગટ થઈ જાય એ બહુ મોટું ક્રાંતિકારી સૂત્ર છે.
રાગના મહિનામાં શાસ્ત્ર નિર્મિત થઈ જાય એ બહુ મોટી રહસ્યપૂર્ણ વાત છે. એટલા માટે એની ચર્ચા આપણે કરીશું. અને બીજી વાત, સાહિત્યજગતના આચાર્ય-વિદ્યાર્થી જે પણ સાહિત્યના માણસ છે એ જાણે છે કે રાગનું એક લક્ષણ છે ભય પ્રગટ કરવો. જેનામાં વધારે આસક્તિ હોય, રાગ હોય, લગાવ હોય, કોઈ ચીજ-વસ્તુ પર કે કોઈપણ ઉપર આપણને વધારે રાગ થઈ જાય, સંગ થઈ જાય, સંગ એટલે આસક્તિ થઈ જાય, તો એ ભય જન્માવે છે. એટલા માટે આપણે ત્યાં કહેવાયું કે સંગ-આસક્તિ રાગાત્મિક છે. એટલે કરવો હોય તો સત્સંગ કરો; કરવો હોય તો
સાધુસંગ કરો; કરવો હોય તો શાસ્ત્રસંગ કરો; કરવો હોય તો સજજનસંગ કરો.
હું કહેતો રહું છું કે બધા સાથે એક પ્રમાણિત ડિસ્ટન્સ રાખવું જોઈએ. આપણે અસંગ થઈ જઈએ તો તો કહેવું જ શું ? અસંગતા સ્વયં એક બહુ મોટી ઉપલબ્ધિ છે. પરંતુ એની વ્યાખ્યા કરવી સરળ છે. આપણા જેવા સંસારી લોકો તો સંગમાં લિપ્ત છીએ. તો ભાગવતકાર આપણને એક દિશાદર્શન આપે છે કે જે રાગ સંસારમાં હોય એ જ સાધુમાં થઈ જાય, તો ઊર્જાનો પ્રવાહ બદલી જાય. જે ચાવી તાળાને ખોલે છે એ જ ચાવી તાળાને બંધ પણ કરી શકે છે. જે ચાવી તાળાને બંધ કરે છે એ જ ચાવી તાળાને ખોલી દે છે. જે સંગ બંધનમાં નાખે છે, જે સંગ રાગ પેદા કરે છે, રાગમાં ડૂબાડી દે છે એ જ સંગ કૃષ્ણ અનુરાગમાં પણ પરિવર્તિત થઈ શકે છે. અને મારાં ભાઈ-બહેનો, અનુરાગ જેવો કોઈ વૈરાગ નથી. જેમણે અનુરાગ કર્યો છે, જેમણે પ્રેમ કર્યો છે એ વ્રજની ગોપાંગની જેવા બીજા કોણ વૈરાગી હોઈ શકે ? જે ગોપીઓના મુખેથી પ્રભુનું ગીત નીકળે છે અને ત્રિભુવન પવિત્ર થઈ
જાય છે.
એક ભાઈએ એક ભાઈને પૂછ્યું કે કોઈને કપડાં ધોવાં હોય તો કેટલી વસ્તુ જોઈએ ? તો, એણે જવાબ આપ્યો, એક તો સાબુ; બીજી મહેનત કરવી જોઈએ; ત્રીજું પાણી જોઈએ. તો કપડાં શુદ્ધ થઈ શકે. પરંતુ કપડાં હોય, કપડાં મેલાં પણ હોય, સાબુ પણ હોય પરંતુ મહેનત ન કરીએ તો? સાબુ ન ઘસીએ તો ? કપડાં શુદ્ધ થવા અસંભવ. ચાલો કપડાં મેલા છે; સાબુ પણ છે અને ધોવાવાળા મહેનત પણ કરી રહ્યા છે પરંતુ પાણી ન હોય તો? મારાં ભાઈ-બહેનો, સાબુ છે જ્ઞાન; મહેનત છે કર્મયોગ. સાબુ તો જ્ઞાનયોગ પરંતુ પાણી ન હોય તો ? અને ભક્તિ છે દ્રગજલ, નેત્રનાં આંસુ. કાળજું કેવી રીતે શુદ્ધ થશે ? લાખ જ્ઞાન હોય, સાબુ પણ હોય માણસ લાખ કર્મયોગી હોય, પરંતુ ભાવનું જલ ન હોય તો ? પ્રેમજલ ન હોય તો ? એટલા માટે મારું નિવેદન છે કે પરમાત્મા મનમાં પ્રગટ થઈ શકે છે. પરમાત્મા બુદ્ધિમાં પણ પ્રગટ થઈ શકે છે. ચિત્તમાં અહંકારમાં પ્રગટ થઈ શકે છે. પરમાત્મા ચિત્તમાં પણ પ્રગટ થઈ શકે છે, પરંતુ ત્યાં એ કેવળ પ્રગટ થઈને રહી જાય છે. એ મોટા તો ગોકુળમાં જ થઈ શકે, ભાવમાં-પ્રેમમાં જ
થઈ શકે છે. એટલે માટે જરૂરી છે જલ.
મધુનો એક અર્થ થાય છે મધુર, મીઠું. અને મધુનો એક અર્થ મધ પણ થાય છે. મધુનો એક અર્થ થાય છે વિશ્રામ. અન્ય સંદર્ભમાં મધુનો એક અર્થ શાંતિ એવો પણ થાય છે. જયારે જીવનમાં નિવૃત્તિ આવવા લાગે ત્યારે સમજવું કે આપણે મધુમાસમાં જીવી રહ્યા છીએ.
નિવૃત્તિનો મારો અર્થ એમ નથી કે તમે ધંધામાંથી નિવૃત્તિ લઇ લો કે સમાજસેવામાંથી નિવૃત્તિ લઇ લો. નિવૃત્તિનો મારો એક અર્થ છે રોગનિવૃત્તિ. બીજો છે વહેમ નિવૃત્તિ અને ત્રીજો છે વેરનિવૃત્તિ. જયારે વેદે આ શબ્દ પસંદ કર્યો છે ત્યારે તેનું અર્થગાંભીર્ય વધી જાય છે. મારાં ભાઈ-બહેનો, મને બોલતાં -બોલતાં પ્રસન્નતા અનુભવવા લાગે, તમારામાં સાંભળતા-સાંભળતા પ્રસન્નતા આવવા લાગે ત્યારે, કોઈ પણ માસ હોય એ મધુમાસ છે એમ સમજવું. – સંકલન : જયદેવ માંકડ ઉ