મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં બે માળની કમર્શિયલ બિલ્ડિંગ પડવાને કારણે 37 વર્ષની એક વ્યક્તિનું મોત થયું હતું. આ હોનારતમાં અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ભિવંડીના ખડિયાપાર વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારના સાડાત્રણ વાગ્યે આ બનાવ બન્યો હતો. આ મુદ્દે નિઝામપુરા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અહીંના કમર્શિયલ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સાત દુકાન હતી, જ્યારે ઉપરના માળ પર કમર્શિયલ સંસ્થાની દુકાનો છે. ઈમારત તૂટી પડ્યા પછી ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ હોનારતમાં એકનું મોત થયું છે, જેમાં મૃતકની ઓળખ માજી વંશારી (37) તરીકે કરવામાં આવી છે. મધરાતે બનેલી ઘટનામાં લોકો સૂતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાં એકનું મોત થયું હતું, પરંતુ બીજા કોઈને ઈજા પહોંચી નહોતી, એમ પોલીસે જણાવ્યું હતું.
અકસ્માતમાં મૃત્યુ પામવા અંગેનો કેસ નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.