મુંબઈ: ઘાટકોપરમાં રિક્ષામાં જઇ રહેલી મહિલાની બેગ આંચકી સ્કૂટર પર ફરાર થયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ડોંગરી વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ ફઝલ રહેમાન નઝીર અશરફી તરીકે થઇ હોઇ તેને બાદમાં વિક્રોલી પોલીસને હવાલે કરાયો હતો.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૭ના ઇન્ચાર્જ મહેશ તાવડેએ જણાવ્યું હતું કે ઘાટકોપરમાં ૧૨ ડિસેમ્બરે વહેલી સવારે આ ઘટના બની હતી. આઇપીએસ ઓફિસરના મિત્રનો પુત્ર અને ખાનગી કંપનીમાં ઉચ્ચ પદે કાર્યરત એવા ફરિયાદીએ ૧૨ ડિસેમ્બરે વહેલી સવારે તેની પત્ની સાથે ભાંડુપ જવા માટે બાંદ્રા ટર્મિનસથી રિક્ષા પકડી હતી. દરમિયાન ઘાટકોપરમાં બ્રિજ નજીકથી રિક્ષા પસાર થઇ રહી હતી ત્યારે સ્કૂટર પર આવેલો શખસ ફરિયાદીની પત્નીની બેગ આંચકીને છૂ થયો હતો. બેગમાં બે મોબાઇલ અને ઘડિયાળ સહિત રૂ. ૯૫ હજારની મતા હતી.
આ ઘટના બાદવિક્રોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો અને પોલીસ ટીમે ઘાટકોપર, વિક્રોલી, કુર્લા, દાદર અને ડોંગરી વિસ્તારમાં ૧૦૦થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. મુલુંડ ચેકનાકા ખાતેના સીસીટીવી ફૂટેજમાં આરોપી નજરે પડ્યો હતો.
યુનિટ-૭ના પીઆઇ ઉબાળે, કોન્સ્ટેબલ અજય બલ્લાળ, પ્રમોદ જાધવ તથા સ્ટાફે તપાસ કરીને આરોપીને ડોંગરી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.