મુંબઈ: વાંધાજનક વીડિયો ક્લિપની મદદથી કૉલેજની વિદ્યાર્થિનીને બ્લૅકમેઇલ કરી પાંચ લાખ રૂપિયાની કથિત ખંડણી માગવાના કેસમાં પોલીસે અંધેરીના ઓશિવરા વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી હતી.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સ્ટોર્શન સેલ (એઈસી)ના અધિકારીએ જણાવ્યું હતું કે ૨૪ વર્ષની ફરિયાદી સાધનસંપન્ન પરિવારની છે, જ્યારે આરોપી અન્ડરવર્લ્ડ સાથે કથિત રીતે કડી ધરાવે છે.
આરોપીએ યુવતીની વાંધાજનક વીડિયો ક્લિપ મેળવી હતી અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવા માટે રૂપિયાની માગણી કરી હતી. એક વીડિયો ક્લિપમાં સ્પષ્ટપણે દેખાય છે કે આરોપી રૂપિયાની માગણી કરી રહ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કૉલેજિયનની ફરિયાદને આધારે ઓશિવરા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૮૫, ૩૮૭ અને ૩૪ સહિત અન્ય આરોપો હેઠળ ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેના સાથીની શોધ ચલાવાઈ રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)