પ્રાસંગિક -હેતલ શાહ
કશું પણ ખોટું નથી એમાં અગર મેંગો પીપલ સરળ મનોરંજન ઝંખે. મજા આવે, મનોરંજન મળે તો અપુન કા પૈસા વસૂલ. અને, જો એમાં નવ રસ માંહેના વધુમાં વધુ રસોનું રસપાન કરવા મળે એટલે દલડાં ઘેર આનંદ ભયો. શૃંગાર,શૌર્ય અને રૌદ્રરસ મળ્યે લખનાર ભજવનાર અને જોનાર બધાનાં મન રાજી, હળવા અને મોજેમોજ.
ફિલ્મોમાં પ્રણયની વાત હોય એટલે નિર્દેશકની સો જવાબદારીઓમાંથી એકાદી જવાબદારી અવશ્ય હળવી થાય. આપણને સુપાચ્ય રસોમાં શૌર્ય અને શૃંગાર મુખ્ય છે. પ્રણયની વાતો, ગીતો, દૃશ્યો અને કવચિત નજદીકી; તન અને મનના પરસ્પર આકર્ષણનું ફિલ્માંકન. વાહ સાથે આહ નીકળે તેવાં દ્રશ્યો નિર્માતા – નિર્દેશક અને ખીચોખીચ ભરેલા ઓડિટોરિયમ માટે ઘી ભરપૂર લાપસીનો કોળિયો.
પ્રણયની વાર્તા હોય ત્યારે સ્વાભાવિક રીતે એક સ્ત્રી કલાકાર અનિવાર્ય બને અને વાર્તા કહેવી સહેલ રહે. વાર્તામાં કે ચિત્રાંકનમાં થોડું નમક કમ જ્યાદા થઈ જાય તો પણ ગાડી આગળ વધતી રહે. ભારતમાં દાયકાઓથી પ્રણય કથાનક સભર ફિલ્મો બનતી આવી છે. લોકો પસંદ કરતા આવ્યા છે. દિલ ઓ દિમાગમાં સહેલાઈથી ઉતરી જાય. હીરો લોગનું કામ આસાન થાય, નિર્દેશક બગાસાં ખાતાં ખાતાં એક્શન ક્યારેક બોલી શકે. સાથે જ નિર્માતાના ગજવાને ઓછું જોખમ રહે.
અલબત્ત, અફકોર્સ અમુક દિગ્દર્શકો મર્દ હોય છે. અમુક હીરો શૂરવીર હોય છે. પ્રણય એંગલ વગર જ આખી ફિલ્મ, જોખમ હોવા છતાં ખેડી કાઢે અને ફળનો સારો ઉતાર લઈ બતાવે. આખી ફિલ્મમાં સ્ત્રી પાત્રો હોય, પરંતુ લવ એંગલ ના હોય. પ્રણયની વાતો ના હોય એટલે પ્રેક્ષકોને શી રીતે જકડી રાખવા અને ખિસ્સા છલકાય એવી ફિલ્મ બનાવવી એ પડકાર રૂપ અને દુષ્કર અભિયાન છે.
બોલીવૂડના ઇતિહાસમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા દિગ્દર્શકો એવમ કલાકારો છે જેમણે પ્રણય રસની ગેરહાજરીમાં પણ ફિલ્મો વ્યવસાયિક રીતે સફળ કરી બતાવી છે. જે, કાર્ય નગદ નારાયણના સંદર્ભે એક મર્દનું અને શૂરવીરનું કામ છે. પ્રેમમાં પડતાં સ્ત્રી પાત્ર વગર વાર્તા, પટકથા દિગ્દર્શન અને અભિનયના જોરે ફિલ્મો લોકો માટે તેમ જ વિવેચકો માટે ગમતીલી બની શકે છે, આવું પુરવાર મહાન નિર્દેશકો અને સિંહની છાતી ધરાવતા કલાકારો ક્યારેક ક્યારેક કરી ચુક્યા છે.
આવી ફિલ્મોને યાદ કરતાં અમુક ક્લાસિક કલ્ટ સમાન ચલચિત્રો યાદ આવી જાય.
આનંદ:(૧૯૭૧) રાજેશ ખન્નાની કારકિર્દીમાં સીમાચિન્હ રૂપ અને અમિતાભ બચ્ચનની કરિયરમાં સ્ટાર્ટિંગ પોઇન્ટ સમાન ફિલ્મ. નાયકને જીવલેણ રોગ છે. કોઈ દવા કામ આવે તેમ નથી. નાયકની ખુશ મિજાજી જ લવ એંગલ માફક ભારોભાર તણાવની હાજરીમાં પણ ફિલ્મને રસપ્રદ રાખે છે. અસાધ્ય કેન્સર ગ્રસ્ત નાયક જીવન જીવવાની ફિલોસોફી શીખવી જાય છે. મોત અટલ સત્ય માફક નજર સામે જ છે. જીવન અને મોતને હાથ વેંતનું છેટું છે. સામાન્ય જન હિંમત હારી જાય, એવા વિષમ સંજોગો સામે ગુલાબી મિજાજ સાથે નાયક ઝીંદગી જીવી નાખવાના બદલે જીવન કવિતા સમાન જીવતા શીખવી જાય છે. દિગ્દર્શક તરીકે પોતાની કથા પર આત્મવિશ્ર્વાસ એટલે શું એ ઋષિકેશ મુખરજીની આ ફિલ્મથી શીખવા જેવું. અલબત્ત, આ ફિલ્મની વાત આવે ત્યારે આત્મવિશ્ર્વાસનો પહેલો ઘૂંટડો બીગ બી એ અહીંથી ભર્યો એમ કહેવું વાજબી છે. સાથોસાથ બીજા સહકલાકારોનું સંગ કાબિલે એ સલામ, અને સો સલામ ફિલ્મના સંગીતકાર સલીલ ચૌધરીને.
ઈત્તેફાક (૧૯૬૯) કાકાની જ પ્રણય એંગલ વિહીન, પણ રહસ્ય કથા. નિર્માતા બી આર ચોપરા, દિગ્દર્શકની કાબેલિયત અને કલાકારોના પરસેવાના નિચોડ સમ ફિલ્મ. અંત સુધી સિનેમાની ખુરશીની કોર પર બેસવા મજબૂર કરતું ચિત્ર. જે તે સમયે પીકચરે બોક્ષ ઓફીસ તો છલકાવેલી જ, પરંતુ નવો ચીલો ચાતરતું ચલચિત્ર બની રહ્યું. ઇત્તેફાક રિલીઝ થયું ત્યારે ઘણી ચર્ચાઓ જગાવી ગયેલું, કારણકે પિકચરમાં એક પણ ગીત ન હતું, મધ્યાંતર પણ નિર્દેશકે બિનજરૂરી માનેલો અને ટુ ટોપ ઇટ ઓલ, આખું ચિત્ર માત્ર ૨૮ દિવસોમાં બની ગયેલું. આ ચિત્ર ૧૯૬૯નું, યશ ચોપરાનું , જેઓ ત્રણેક ફિલ્મ ડિરેક્ટ કરી ચુકેલા, પરંતુ કરિયરની શરૂઆતમાં જ રાજેશ ખન્ના આવી ફિલ્મ કરવાની હિંમત કરે તો તેને હિંમતવાન તો કહેવા જ રહ્યાં.
બાવર્ચી (૧૯૭૨): સાચે જ, ફરી રાજેશ ખન્ના ફરી ઋષિકેશ મુખરજી. એક ભણેલ ગણેલ પ્રોફેસર કક્ષાની વ્યક્તિ કામવાળા તરીકે એક કુટુંબમાં રહે અને તે કુટુંબમાં અર્થ વગરના પ્રશ્ર્નો સુલઝાવી, સુસંવાદિતા સ્થાપ્યા બાદ અલવિદા કહી દે. રાજેશ ખન્ના મુખ્ય નાયકના કિરદારમાં ડ્રામા અને કોમેડીમાં યાદગાર અન્ડર પ્લે કરી ગયા સાથોસાથ અસરાની, એ. કે. હંગલ, હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, દુર્ગા ખોટે અને જયા બચ્ચન કલાસિક ફિલ્મનાં ભાગ બની શક્યાં .
મેં આઝાદ હું (૧૯૮૯): અમિતાભ બચ્ચન: રસપ્રદ ફિલ્મ રહી. ટીનુ આનંદનું દિગ્દર્શન, શબાના આઝમીની હાજરી ખરી, પરંતુ લવ એન્ગલ અદ્રશ્ય. અમિતાભના ‘સિલસિલા’ અને ‘પિંક’ની જેમ જ રૂંવાડાં ઊભા કરી દેતો મોનોલોગ અવિસ્મરણીય. ઘણા બચ્ચન ચાહકો માટે બચ્ચનની આ ફિલ્મ વન ઓફ ધી બેસ્ટ ફિલ્મ્સ. અમિતાભે ગાયેલું ‘જીતને બાજુ ઉતને સર, ગીન લે દુશ્મન ધ્યાનસે…’ દુષ્યંત કુમારની ‘સિર્ફ હંગામા ખડા કરના…’ યાદ અપાવી જાય.
ચક દે ઇન્ડિયા (૨૦૦૭): હા, ધી એસ. આર. કે, શાહરૂખ ખાનનું બે-નમીન અંડર પ્લે, શીમિત અમીનનું નો-નોન્સેન્સ ડિરેક્શન. પ્રણય રંગ વગર ફિલ્મ ક્લાસ અને માસ બન્નેને ગમી, વખણાઈ અને ઈનામ અકારમ તાણી લાવી. એક એસ. આર. કે ચાહકના અભિપ્રાય મુજબ, શાહરૂખ ખાને કેવળ આ એક્ જ ફિલ્મ કરી હોત , તો પણ તેનું નામ ભારતીય ચલચિત્રમાં અમર થઇ ગયું હોત.
અંધાધુન (૨૦૧૮): આગળ ચર્ચેલા મહારથીઓની સાપેક્ષમાં નવા નિશાળિયા સમાન આયુષ્યમાન ખુરાનાનો સમજણ અને ખંત પૂર્ણ અભિનય, શ્રીરામ રાઘવનનું ઉત્કટ દિગ્દર્શન ૩૩ કરોડના ખર્ચ સામે ૪૫૬ કરોડ કમાવી લાવ્યાં.
અહીં વાતો કરી એ ઉપરાંત પણ અનેક ફિલ્મો આ જ શ્રેણીમાં આવરી શકાય લેકિન, વોહ બાતે ફિર કભી.
સ્પાર્ક: મિત્રોએ આ લેખમાં સુનીલ દત્તની ‘યાદે’ આવરી લેવાનુ સુચન કરેલું, પરંતુ તે તો એક પાત્રીય ફિલ્મ હતી.