ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક પછી એક જાણે ખરાબ સમાચારોની લાઇન લાગી ગઇ છે. રવિવારે અભિનેત્રી આંકાક્ષા દુબેએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હોવાના સમાચાર આવ્યા હતા, ત્યાં જ હવે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ધક્કો લાગે તેવા સમાચાર જાણવા મળ્યા છે. મલયાલમ ફિલ્મોના જાણીતા અભિનેતા અને પૂર્વ સાંસદ ઇનોસંટનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી અનુસાર શ્વાસની તકલીફને કારણે ઇનોસંટને 3 માર્ચના રોજ કોચીની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેમના શરીરના અનેક અવયવોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતું. જેને કારણે તેમને હાર્ટએટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું.
અત્રે ઉલ્લેખનિય છે કે તેમના ગળામાં ઇમ્ફેક્શન થયું હોવાને કારણે તમેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લાં ત્રણ વર્ષમાં તેમને ત્રણ વાર કોરોના થયો હતો. જેને કારણે તેમની તબીયત વધુ લથડી હતી. તેઓ કેન્સર સર્વાઇવર પણ હતા. થોડાં વર્ષો પહેલાં જ તેમને કેન્સરનું નિદાન થયું હતું. જોકે કેન્સરને માત આપીને તેઓ સાજા પણ થઇ ગયા હતા. જોકે કોરોના અને કેન્સર બાદ તેમનું શરીર બહુ અશક્ત થઇ ગયું હતુ. ઇનોસંટ છેલ્લા પાંચ દશકથી મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રીય રીતે કામ કરી રહ્યાં હતા. તેમની કારકીર્દીમાં તેમણે 700થી વધુ ફિલ્મો કરી છે. તેઓ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કોમેડીયન હતા. તેમણે ઘણાં નેગેટીવ રોલ પણ કર્યા છે. તેમના નિધનના સમાચાર બાદ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો છે.