Homeઆમચી મુંબઈમુંબઈમાં આગનું ભીષણ તાંડવ

મુંબઈમાં આગનું ભીષણ તાંડવ

14

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં સોમવારે ઉપરાઉપરી આગના બે બનાવ બન્યા હતા, જેમાં મલાડમાં ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં ૧૨ વર્ષના બાળકનું મોત થયું હતું. તો ઘાટકોપરમાં ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં બપોરના આગ લાગી હતી.
મલાડમાં કુરાર વિલેજમાં વાઘેશ્ર્વરી મંદિર નજીક જામરીષી નગરમાં સવારના લગભગ ૧૧.૧૫ વાગે ઝુંપડપટ્ટીમાં આગ ફાટી નીકળી હતી. આ વિસ્તાર એકદમ ગીચ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગની ચપેટમાં લગભગ ૫૦થી ૧૦૦ જેટલા ઝૂંપડાં આવી ગયાં હતાં. આગને કારણે ઝૂંપડાંમાં રહેલા સિલિન્ડરના પણ ઉપરાઉપરી સ્ફોટ થયા હતા. આગને કારણે ચારોતરફ અફરાતફરીનો માહોલ હતો. ગીચ ઝૂંપડપટ્ટી હોવાને કારણે ફાયરબ્રિગેડને પણ ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાતા નાકે દમ આવી ગયો હતો. આગની માત્રા એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી ધુમાડા નજરે ચઢતા હતા. આઠ ફાયર ઍન્જિન, ચાર જંબો ટેન્કરે ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન આગને કારણે એક ઝૂંપડાંમાં ૧૨ વર્ષનો પ્રેમ તુકારામ બોરે નામનો છોકરા બેહોશ હાલતમાં મળી આવ્યો હતો. તેને તુરંત શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે સારવાર પહેલાં જ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
આગ લાગી ત્યારે શરૂઆતમાં તેને લેવલ-બેની આગ જાહેર કરવામાં આવી હતી. બાદમાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેને એક નંબરની જાહેર કરવામાં આવી હતી. આગમાં ૧૦૦ જેટલાં ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડને આગ બુઝાવવા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. મોડે સુધી કુલિંગ ઑપરેશન ચાલુ હતું.
મલાડની આગ પર હજી નિયંત્રણ મેળવી શકાયું નહોતું ત્યાં તો ઘાટકોપર (પશ્ર્ચિમ)માં નારાયણ નગરમાં બપોરના આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ નારાયણ નગરમાં હોમ ર્ગાડ ટ્રેનિંગ સેન્ટર નજીક કાનજી માનજી સ્ટ્રીટમાં ગ્રાઉન્ડ પ્લસ એક માળના ૧,૨૦૦ સ્કેવર ફૂટ વિસ્તારમાં આવેલા બાંધકામમાં બપોરના લગભગ ૧.૧૦ વાગે આગ લાગી હતી. મકાનમાં ઈલેક્ટ્રિક વાયરરિંગ અને ફર્નિચર, એલપીજી સિલિન્ડર અને થર્મોકોલ મટિરિયલ, કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. તો ત્યાં રહેલા સિલિન્ડરના પણ ઉપરાઉપરી સ્ફોટ થયા હતા.
આગ લાગ્યા બાદ ત્યાં રહેલા લોકોએ ડ્રાય કેમિકલ પાઉડરથી તેને બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દમિયાન ફાયરબ્રિગેડે પણ ત્યાં પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. લગભગ દોઢેક કલાક બાદ આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. સદ્નસીબે આ દુર્ઘટનામાં કોઈ જખમી થયું નહોતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -