Homeટોપ ન્યૂઝબાળકની બર્થ ડે પાર્ટી મનાવતા પહેલા વિચારી લેજો...તમે ક્યાંક તેને રિસિવિંગ મોડમાં...

બાળકની બર્થ ડે પાર્ટી મનાવતા પહેલા વિચારી લેજો…તમે ક્યાંક તેને રિસિવિંગ મોડમાં તો નથી મૂકતાને?

સંતાનનો જન્મ એ કોઈપણ દંપતી અને પરિવાર માટે આનંદની ક્ષણ હોય. આ ક્ષણ દર વર્ષે મનાવવાનો થનગનાટ બધામાં હોય તે પણ સ્વાભાવિક છે. અગાઉ માતા-પિતાને ત્રણ કે ચાર કે તેનાથી વધારે સંતાનો હોવાથી દરેકના જન્મદિવસ મનાવવાનું કોઈ ચલણ ન હતું, પરંતુ આજકાલ એક અથવા વધીને બે સંતાનના માતા-પિતા બાળકનો જન્મદિવસ મનાવવા માટે ખાસ બજેટ રાખે છે. ખૂબ શ્રીમંત અને ઉચ્ચ મધ્યમવર્ગ સાથે મધ્યમવર્ગ કે નિમ્ન મધ્યમવર્ગ બાળકોના જન્મદિવસ ધામધૂમથી ઉજવતા થઈ ગયા છે. સરપ્રાઈસ પાર્ટી, થીમ પાર્ટી, ડ્રેસ કલર કોડ, ડિઝાઈનર કેક જેવું ઘણું બધુ જોવા મળે છે. આ સાથે હોય છે મનગમતી મોટી મોટી ગિફ્ટ. બાળક માટે બર્થ ડે સેલિબ્રેશન એટલે ફ્રેન્ડ્સ સાથેની મજામસ્તી અને ગિફ્ટ્સ. પણ તમને ખબર છે પેરેન્ટિંગ કોચ શું કહે છે? તેમના કહેવા અનુસાર આમ કરવાથી આપણે બાળકને રિસિવિંગ મોડમાં મૂકી દઈએ છીએ. આપણે તેને લેવાનું શિખવીએ છીએ. બાળક જ્યારે રિસિવિંગ મોડમાં આવી જાય છે ત્યારે એવા ઘણા મનોવૈજ્ઞાનિક નુકસાન આપણે કરી બેસીએ છીએ જે આપણને ખબર નથી. જાણો શું છે આ નુકસાન
1. સૌથી પહેલા તો બાળક અપેક્ષાઓ રાખતું થઈ જાય છે. આ પહેલું નુકસાન છે. જેમ જેમ બાળકનો જન્મદિવસ નજીક આવે છે તે સૌથી પહેલા એ જ વિચારે છે કે આ વખતે મને ગિફ્ટમાં શું મળશે, હું કેવી કેક કાપીશ. નાનપણમાં માતા-પિતા પાસેથી અપેક્ષા પ્રમાણે મેળવનાર બાળક વીસ વર્ષે પણ અપેક્ષા રાખતો થઈ જાય છે.
2. બાળક જીદ્દી બની જાય છે. એક જન્મદિવસમાં પોતાની મનગમતી ચીજ આપ્યા બાદ બીજી વાર તે એ જ વસ્તુની અપેક્ષા કરે છે જે તેને જોઈએ છે. અને ન મળે તો તે જીદ્દી બની જાય છે. મને આ જ ગેમ જોઈએ કે આ જ ડ્રેસ કે સાયકલ જોઈએ વગેરે જેવી નાની જીદ ક્યારે મોટી થઈ જાય તે ખબર પડતી નથી જીદ સાથે છે ગુસ્સો પણ આવે છે. જીદ પૂરી ન કરનારા ઘરના લોકો તેને ગમતા નથી.
3. જો વારંવાર તેની જીદ પૂરી ન થાય તો તે અપસેટ થઈ જાય છે. તેને પોતાના જ પરિવારના લોકો ગમતા નથી. ઘણીવાર તે અતડું કે એકલપટ્ટુ થઈ જાય છે.
4. બાળક ડિમાન્ડિંગ અને ડિપેન્ડન્ટ થઈ જશે. એક તો બાળક પોતાની મનમરજી મુજબ ડિમાન્ડ કરશે. અને આ ડિમાન્ડ પર આ ઈચ્છા પર તે આધાર રાખશે. આ ઈચ્છા પૂરી નહીં થઈ તો તેને ચેન નહીં પડે. મોટા થઈ આવા બાળકો જો પોતાને સોશિયલ મીડિયા પર અપેક્ષા પ્રમાણે લાઈક્સ ન મળે તો પણ હતાશ થઈ જતા હોય છે. કારણ કે આનંદ કે ખુશીની તેમણે એક સીમા બાંધી છે તેની બહાર જઈ અન્ય કોઈ વસ્તુનો આનંદ તેઓ લઈ શકતા નથી.
5. સૌથી મોટું નુકસાન એ થાય છે કે તે સેલ્ફીશ-સ્વાર્થી બની જાય છે. તેના કેન્દ્રસ્થાને ‘હું’ આવે છે. મારી માટે શું લાવ્યા, મારો બર્થ ડે કેવી રીતે મનાવ્યો, મારા કપડા કેવા છે. વગેરે તે અન્યનો વિચાર કરતા નથી.
…તો પછી કરવાનું શું?

માતા-પિતા પાસે કરવા માટે ઘણીવાર વિકલ્પ જ નથી હોતા. કારણ કે બાળક જે સર્કલમાં મોટું થતું હોય ત્યાં બધા બાળકો જે કરતા હોય તે એણે અને તમારે કરવાનું હોય છે. આમાં સ્પેશિયલ ડેના આનંદ કરતા સરખામણી કે દેખાદેખી પણ હોય છે અને ઘણાં માતા-પિતા માટે આર્થિક રીતે પરવડનારું પણ હોતું નથી. તો શું કરવું…? જવાબ છે એક્ટ ઓફ કાઈન્ડનેસ-કોઈકનું ભલુ. બાળક માટે આ શબ્દો મોટા કે ભારેખમ છે, આથી પેરેન્ટ્સ અથવા પરિવારે સમજવાનું છે. આ દિવસે ભલે તમે ઉજવણી કરો, પણ પહેલા તમારા બાળકને કોઈ એવી જગ્યાએ લઈ જાઓ જ્યાં લોકો અને ખાસ કરીને બાળકો અભાવમાં જીવે છે. અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, કોઈ ગરીબ બસતી કે અંધાશ્રમ, દિવ્યાંગ બાળકોની શાળા અથવા નજીકના ગામડામાં કોઈ સરકારી શાળા, જ્યાં મોટે ભાગે ગરીબ પરિવારોમાંથી બાળકો આવતા હોય. તેમને જોશે ત્યારે તેને ઓટોમેટિકલી સમજાશે કે તેની પાસે કેટલું બધું છે. અહીં બાળકના હાથે ભોજન, સ્ટેશનરી જેવી વસ્તુઓ અપાવો. તે આપશે ત્યારે ગિવર બનશે, તે સરખામણી કરશે કે વાહ આના કરતા મારા કપડા સારા, ચપ્પલ સારા, મારી પાસે ઘણી બધી પેન્સિલ છે કે ક્રેયોન્સ છે, કાર છે વગેરે વગેરે…આથી પોતાની પાસે હોવાનો આનંદ માણશે અને તેને બીજા સાથે શેર કરવાનું પણ શિખશે. એક વાત નિષ્ણાતો ખાસ કહે છે કે બાળકનો અભિગમ નાનાપણમાં બનતી નાની નાની ઘટનાથી આકાર લે છે. એટલા માટે જ આપણે નાનપણમાં બાળકને સંસ્કાર, શિસ્ત શિખવાડીયે છીએ, તો પછી તમને નાનપણથી રિસિવર નહીં, પણ ગિવર બનાવો…
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -