અરવિંદ વેકરિયા
નાટક ‘બૈરી મારી બાપ રે બાપ’, કલાકાર વૃંદ
ગત સપ્તાહે કહ્યું એમ એ છોકરી, જે અમારા જૂના ઘરની ઉપર જ રહેતી હતી અને જે નૃત્ય-કલા શીખી હતી અને જેને નાટકમાં કામ કરવાની પ્રબળ ઇચ્છા હતી, એ છોકરી એટલે પહેલાની છાયા વાલિયા અને અત્યારની લોકપ્રિય ફિલ્મ-સિરિયલ્સની અભિનેત્રી ‘છાયા વોરા’.
ઘણાએ ઘણું બધું બનવું હોય છે, પણ ‘અંદર’ એવું કઈક હોવું જોઈએ. માત્ર ઇચ્છા કરવાથી એ પૂરું નથી થતું. એને માટેની ખેવના, ખંત અને પુરુષાર્થ પણ જરૂરી હોય છે. દરેક ‘મોર’નાં ઈંડાને ‘ચિતરામણ’ નથી મળતું. અને છાયા માટે તો કોઈ ‘મોર’ પણ નહોતો કે ‘ઈંડું’ ચિતરાય, એટલે કે પરિવારમાં કોઈને કલા પ્રત્યે કોઈ નાની-મોટી રૂચી પણ નહોતી. હા, છાયાને ધગશ હતી. એની અંદર કઈ ધરબાયેલું હતું જે એની નાટકમાં કામ કરવાની ઈચ્છાને સકારાત્મક હડસેલા મારતું હતું. એ ધગશે આજે એને આજના મુકામ પર પહોંચાડી દીધી છે. બાકી, એક ઉમેદ જે કોઈની સંતુષ્ટ નથી થતી અને અનેક સંતુષ્ટિ એવી હોય છે કે ક્યારેય ઉમેદ જ નથી. છાયામાં બધું જ હતું. ઉમેદ રાખવી અને એને પૂરી કરવા પૂરા ખંતથી પાછળ પડી જવું.
વાત કરું એ વખતના સંકુચિત માનસની. હું નાટકમાં કામ કરું એ મારા ભાઈને (મારા ફાધરને ‘ભાઈ’ કહી બોલાવતો.) જરા પણ પસંદ નહોતું, પણ ધીમે ધીમે હું એમને મનાવી શક્યો. એટલે જ મારી ‘અંદર’ જે હતું એને પ્રેક્ષકો સમક્ષ રજુ કરી શક્યો. મેં મધુબેન (છાયાના મમ્મી)ને કહ્યું,
“વિચારી લેજો… એક તો છોકરીની જાત છે, જૂના વિચારો રાખતા વડિલો આજુબાજુ ફરતા રહે છે. એમના સંકુચિત માનસને કારણે જાતજાતની નિંદા થાય તો ખચકાટ તો નહિ થાય ને? એવી નિંદા કરવાવાળા સામે તમારી સામે ‘ઠોસ’ જવાબ હોવો જોઈએ. કલાનાં પગથિયે પગ મૂક્યા પછી તમે છાયાની ઈચ્છાને હડસેલો મારી, પગરણ શરૂ કરતી છાયાને પાછી નીચે ન ધકેલી દેતા. એ વખતે મધુબેને મને આપેલો જવાબ આજે પણ પ્રસ્તુત છે. મને કહે, “મારે ત્રણ સંતાન… બે પુત્રો અને એક પુત્રી છાયા. મારે મારી દીકરીની બધી જ ઇચ્છા પૂરી કરવી એવું મેં નક્કી કર્યું છે, પછી તો એ સાસરે ચાલી જશે… ત્યાં સુધીની સફર પહેલાની એની કોઈ ઇચ્છા અધુરી ન રહે એ મારે જોવું છે અને સંસ્કારી પરિવારમાં મોટી થઇ છે એટલે એવી કોઈ ઇચ્છા કરશે જ નહિ કે જેથી અમને મા-બાપને સાંભળતા કે એ પૂરી કરતા કોઈ સંકોચ થાય. વાત રહી નિંદાની, તો નિંદાના ડરથી તો લક્ષ છોડાય જ નહિ. એક વાર લક્ષ પ્રાપ્ત થતા નિંદા કરવાવાળા પણ એમનો મત બદલી નાખતા હોય છે. આ વાત અત્યારે ૧૦૦% સાચી સાબિત થઇ ગઈ છે, છાયા માટે !
મધુબેનને હતું કે કદાચ સાસરે ગયા પછી એની અધુરી ઇચ્છા અધુરી જ રહી જાય તો? મધુબેનની ઇચ્છા ફળી. છાયાને પોતાની હોંશ પૂરી કરવા સાસરું પણ એવું જ મળ્યું કે જે પરિવારમાં ‘કલા’ વારસાગત છે…
જી હા! છાયા વાલિયા હવે બની ગઈ છે, છાયા વોરા. ગજબની રમૂજવૃતિ ધરાવનારા વિનાયક વોરાનાં સુપુત્ર ઉત્તંક વોરા સાથે પહેલા નયન-મેળ પછી મન-મેળ અને છેલ્લે શરણાઈનાં સૂર વચ્ચે છાયા વિનાયક વોરાની પુત્રવધૂ બની. ઉત્તંક વોરા એટલે વિનાયક વોરાનો પુત્ર તો ખરો જ પણ જાણીતા ફિલ્મ લેખક-કલાકાર-દિગ્દર્શક નીરજ વોરાનો ભાઈ. આખો પરિવાર સંગીતમય. ઉત્તંક તો કહેતો કે જિંદગીને વાંસળી જેવી બનાવો, છેદ ભલે ગમે તેટલા હોય પણ અવાજ તો મધુર જ નીકળવો જોઈએ.
નીરજ વોરાએ તો પિતા વિનાયક વોરાની પુણ્યતિથીએ અતિશય ખર્ચાળ શાસ્ત્રીય સુગમ સંગીતના કાર્યક્રમો કરી પિતાને બન્ને ભાઈઓએ અંજલી આપી. આ નીરજ વોરા એટલે ‘વન-લાઈનર’નો બાપ. ઉત્તંક પણ એવો જ જોક-ક્રેકર’ છાયા-ઉત્તંકનું ફરજંદ એટલે ઉર્વાક વોરા. જયારે ઉર્વાક જન્મ્યો… છએક મહિનાનો હશે. એને લઈને ઉત્તંક ભાઈદાસ-પાર્લા આવ્યો. મેં એને (ઉર્વાકને) થોડો રમાડ્યો. હું એ વખતે મારા કોઈ શો ને લીધે ત્યાં હતો. મેં કહ્યું “આટલા નાનાને લઇ ફરવા નીકળ્યો? મને કહે, “નાનપણથી થીયેટરો બતાવતો રહું તો પછી આપણો વારસો આગળ વધારે ને? આજે એ પુરવાર પણ થઇ ગયું છે. ઉર્વાક પણ બાપ ઉત્તંકની સાથે સાથે અવિરત કલાની સાધના આગળ વધારે છે.
ફિલ્મ “ચલ મન જીતવા જઈએ-૨માં એમનું સંગીત હતું. ઉત્તંકની રમૂજ વૃત્તિ એવી જ અકબંધ… ઉત્તંક અને નીરજને આ વારસો પિતા વિનાયક વોરા તરફથી જ મળ્યો હોવો જોઈએ. એમના સાંતાક્રુઝનાં ઘરે જવાનો મને મોકો મળેલો. વિનાયક વોરાના બેડરૂમની આગળ નાનું બોર્ડ લગાડેલું, ‘વિનાયક વોરા માર્ગ.’ મને વિનાયકકાકા કહે કોઈ ભૂલથી બીજાના રૂમમાં ન જતું રહે એટલે… મને ગર્વ છે કે મારા ઘણા નાટકોમાં શરૂઆતમાં નીરજ વોરાએ અને પછી નીરજ-ઉત્તંકનાં નામે સંગીત આપેલું. પછી તો ફિલ્મોમાં પણ આપ્યું. એટલું જ નહિ, મારા નાટક ‘જીવન ચોપાટ’ માટે વિનાયક વોરા, જે તાર-શરણાઈનાં પ્રણેતા, એક મારા નાટકના ગીત માટે એમણે તાર-શરણાઈ વગાડી. મારા એ નાટકના મુખ્ય સંગીતકાર હતા રજત ધોળકિયા. મને અદ્ભુત અનુભવ અને એમની સેવાનો લાભ મળેલો.
પછી છાયા વોરાએ નાટકમાંથી લાંબો બ્રેક લીધો. પણ યોગ જુઓ… એણે ફરી નાટકો શરૂ કરવાનું નક્કી કર્યું અને બ્રેક પછીનું પહેલું નાટક ધર્મેશ વ્યાસ દિગ્દર્શિત ‘હવે તો માની જાવ’ જેમાં હું પણ હતો. છાયા બોલી પણ ખરી કે અરવિંદ ભાઈ… આ કેવો યોગાનુયોગ! તમે જ મને ભટ્ટસાહેબ પાસે ‘બૈરી મારી બાપ રે બાપ’ નાટક માટે લઇ ગયેલા અને આજે જ્યારે હું ‘કમબેક’ કરું છું ત્યારે પણ તમે મારી સાથે… મારું આ ‘કમબેક’ મને જરૂર ફળવાનું. મેં હસતાં હસતાં કહ્યું, “થેંક યુ… છાયા, બાકી આશા ભલે ગમે તેટલી ઓછી હોય, નિરાશાથી બહેતર છે. પછી અમે બન્ને ખુબ હસ્યા.
એ છાયા વલિયાને લઇ હું રિહર્સલમાં ભટ્ટસાહેબ પાસે પહોંચ્યો. મે કહ્યું, “તમારે જે ઓડીશન લેવું હોય એ લઇ શકો છો, આ છે છાયા વલિયા… મેં જે તમને વાત કરેલી, હા ફરી ચોખવટ કરી લઉં કે આને સ્ટેજનો કોઈ અનુભવ નથી. ભટ્ટ સાહેબ કહે “દાદુ, કોણ અનુભવ લઈને આવે છે? તક મળતી રહે તો અનુભવ ભેગો થાય અને ‘ઓડિશન’
લેવાની મારે કોઈ જરૂર નથી. કલાકારા તરીકે આ છાયાની એવી ‘ઓડીશન’ તૈયાર કરીશ કે એને કામ શીખ્યાનો અને મને શીખડાવવાનો સંતોષ થશે. એણે મહેનત કરવાની છે. તમારી આવડત તમને ઉચ્ચ સ્થાન પર મૂકે છે અને તમારી મહેનત તમને ઉચ્ચસ્થાન પર ટકાવી રાખે છે. ચાલ બેટા ભળી જા બધા કલાકારોમાં.
પહેલી જિંદગી વહેલી જિંદગી, કોઈ ઉકેલી ન શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી, જીવતા જો આવડે તો જાહોજલાલી જિંદગી.
ડબ્બલ રીચાર્જ
હૉસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો. તરત બાળક બોલ્યું,
બાળક: મને ભૂખ લાગી છે.
નર્સ: તારે શું નાસ્તો કરવો છે?
બાળક: તમારી પાસે તૈયાર શું છે?
નર્સ: ગાંઢિયા, મરચાં, ચટણી અને ચા..
બાળક: અરે… રે… વળી પાછો રાજકોટમાં જન્મ્યો.?