દક્ષિણ અમેરિકાના પેરુમાં આવેલી એક સોનાની ખાણમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 27 કામદારોના મૃત્યુ થયા હોવાના અહેવાલો મળ્યા છે. પેરુના સરકારી અધિકારીઓએ રવિવારે માહિતી આપી હતી કે લા એસ્પેરાન્ઝા 1 ખાણની અંદર એક સુરંગમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. દક્ષિણ પેરુના દૂરના વિસ્તારમાં સોનાની ખાણમાં આગની દુર્ઘટના એ દેશની સૌથી ખરાબ ખાણકામની દુર્ઘટનાઓમાંની એક છે.
પોલીસ અને સરકારી વકીલની ઓફિસે પાછળથી સમર્થન આપ્યું હતું કે આગનું કારણ શોર્ટ સર્કિટ હતું. સરકારી વકીલ જીઓવાન્ની માટોસે માહિતી આપતા જણાવ્યું હતું કે ખાણની અંદર 27 કામદારો હતા.
સ્થાનિક મીડિયાએ શરૂઆતમાં અહેવાલ આપ્યો હતો કે ખાણમાં વિસ્ફોટ પછી આગ શરૂ થઈ હતી. જો કે, વિસ્ફોટથી ખાણમાં હાજર લાકડાના ટેકા સળગી ગયા હતા. અહેવાલો અનુસાર, કામદારો જમીનથી 100 મીટર નીચે હતા. આગ લાગવાની માહિતી મળતા તુરંત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ વિસ્તારના મેયરે જણાવ્યું હતું કે મોટાભાગના કામદારો ગૂંગળામણ અને દાઝી જવાથી મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં, કોઈ બચી ગયાની જાણ થઈ નથી. આગ લાગી ત્યારે ખાણમાં કેટલા લોકો હતા તેની સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.