(અમારા પ્રતિનિધિ તરફથી)
નાશિક : મધ્ય રેલવેમાં લાસલગાંવ રેલ્વે સ્ટેશન નજીક સોમવારે સવારે ઓવર હેડ વાયરનું સમારકામ કરતી વખતે ટાવર વેગનની ટક્કરમાં ચાર ટ્રેકમેન મોતને ભેટ્યાં હતા. એન્જિન ખોટી દિશામાં જતા આ અકસ્માત સર્જાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
આ ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક રેલવે કર્મચારીઓએ રેલ રોકો આંદોલન કર્યું હતું. મધ્ય રેલવેના લાસલગાંવ અને ઉગાંવ સ્ટેશનની વચ્ચે
સોમવારે સવારે પોણા છ વાગ્યાના સુમારે આ અકસ્માત સર્જાયો હતો. લાસલગાવથી ઉગાવ તરફ ઓવરહેડ ઈલેક્ટ્રિક વાયર (ઓએચઈ)નું સમારકામ કરવા નીકળેલું ટાવર વેગન ખોટી દિશામાં જવાથી કામ કરી રહેલા ટ્રેકમેન વેનનની ટક્કરમાં આવ્યા હતા. આ બનાવ મુદ્દે પોલીસે કહ્યું હતું કે ચાર કર્મચારી લાસલગાંવ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની ઓળખ સંતોષ કેદારે (૩૦) , દિનેશ દરાડે (૩૫) , કૃષ્ણા આહિરે (૪૦) તથા સંતોષ શિરસાટ (૩૮) તરીકે કરવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં જ રેલવે અધિકારીઓ તથા કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જોકે, અકસ્માતને પગલે રોષે ભરાયેલા કર્મચારીઓએ રેલ રોકો કર્યું હતું અને રેલવેના અધિકારીઓની બેદરકારી મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. રેલવે કર્મચારીએ કહ્યું હતું કે અકસ્માતના ત્રણ કલાક પછી પણ ઘટનાસ્થળે અધિકારીઓ આવ્યા નહોતા, તેથી રેલવે વિરુદ્ધ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલ રોકો કરવાને કારણે ગોદાવરી એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનોને રોકવામાં આવી હતી, પરિણામે અમુક ટ્રેનો મોડી પડી હતી. સમગ્ર બનાવ મુદ્દે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.ઉ