ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
દિલ અભી પૂરી તરહ ટૂટા નહીં,
દોસ્તોં કી મહેરબાની ચાહિયે.
જબ તક તેરી નિગાહ ને તૌફીક દી મુઝે,
મૈં તેરી ઝુલ્ફ બન કે સંવરતા ચલા ગયા.
દિલ ખુશ હુઆ હૈ, મસ્જિદે વીરાન દેખ કર,
મેરી તરહ ખુદા કા ભી ખાના ખરાબ હૈ.
પહુંચ સકા ન મૈં બરવક્ત અપની મંઝિલ પર,
કિ રાસ્તે મેં મુઝે રાહબરોં ને ઘેર લિયા.
– અદમ
સુરા, પ્રેમ અને યુવાની જેવા ત્રિવિધ વિષયના સંગમ જેવી શાયરી આપનાર ‘અદમ’નું મૂળ નામ સૈયદ અબ્દુલ હમીદ હતું. પાકિસ્તાનના ગુજરાનવાલા જિલ્લાના તિલૌન્ડી મૂસાખોંમાં જૂન ૧૯૦૯માં તેમનો જન્મ થયો હતો. તેમણે લાહોરમાં શિક્ષણ લીધું અને બી.એ. થયા. તેમણે લાહોરમાં જ સૈનિક કાર્યાલયમાં ક્લાર્કની નોકરી કરી. ત્યાર બાદ એમ.એસ.સી. થઈને ત્યાં જ એકાઉન્ટ્સ વિભાગના ઓડિટર તરીકે તેમણે કામ કર્યું. ઈ.સ. ૧૯૮૦ની સાલમાં તેમનું નિધન થયું.
જિંદગીના વળાંકોને ખૂબ નજીકથી જોનાર, જીવતરની વિવિધ બાજુઓ અને દિશાઓની નિરર્થકતાને જાતે અનુભવી, વલોવી, ઘૂંટીને પોતાની શાયરીમાં આલેખનાર આ શાયરનું જીવન બેબાક (નીડર, નિર્ભય) હતું છતાં બેબસી (અસમર્થતા)થી ભર્યું હતું. સુરાલયના માહોલમાં વધુ સમય વીતાવનાર આ શાયરે કોઈ ગુરુ પાસે શાયરી લેખનનું શાસ્ત્રીય શિક્ષણ લીધા વગર આપબળે શાયરીસર્જનમાં સિદ્ધિ મેળવી હતી. શાયરી તરફની રુચિ, લગન અને ઊંડા અભ્યાસને લીધે તેમણે સારી નામના મેળવી હતી.
જે આવેગ, ઊર્મિ, ભાવ, વિચાર હૃદયમાં ઊગ્યાં તે તેમણે શાયરીમાં ઢાળી દીધા. તેમની ટૂંકી બહર (છંદ)ની ગઝલોમાં સાહજિકતા જોવા મળે છે તેમની શાયરીમાં હૃદયગત ભાવોનું વિશ્ર્વ આકાર લેતું અનુભવાય છે. વાચકોને-ભાવકોને શબ્દકોશનો સહારો લેવો ન પડે તેવી સરળ ભાષામાં તેમણે શાયરી લખી. આ શાયરની ગઝલોમાં સૂફી રંગ અને તત્ત્વજ્ઞાનના છાંટણા નહિવત્ છે. તેમની શાયરીમાં ગઝલની પરંપરિત શૈલી અને આધુનિક ગઝલની મુદ્રાનો સમન્વય સધાતો જોવા મળે છે. જમાનાની ચાલ, ઢંગ અને આચરણથી કંટાળીને અદમજીએ મદિરાલયમાં સમય પસાર કરવાનું વધારે મુનાસિબ માન્યું હતું. કારણ કે સુરાલયની દુનિયા તો રસ્મો-રિવાજની દુનિયાથી સાવ અલગ હોય છે ત્યાં કોઈ જાતનાં બંધનો નડતાં નથી. ત્યાં શાંતિનો જે અનુભવ થાય છે તે બીજે ક્યાં મળતો હોય છે? પ્યાર, મોહબ્બતનો બીજો કોઈ વિકલ્પ નથી તેવું દ્રઢપણે માનનાર અદમની શાયરી મોહબ્બતના મેઘધનુષી રંગોથી તરબતર છે.
‘પેચો-ખમ’, ‘ગુલનાર’, ‘બતીમે’, ‘શહરે-ફરિયાદ’, ‘કસરે-શીરી’, ‘શહરે-ખૂબાં’, ‘ખરાબાત’ અને ‘રમ-આહૂ’ નામનાં લગભગ ૧૪ પુસ્તકોમાં તેમની ગઝલો, નઝમો, રૂબાઈ અને કતઆત ગ્રંથસ્થ થયેલ છે.
તેમની કેટલીક શે’ર-શાયરીનું રસદર્શન કરીએ:
– કાંટે બહોત થે દામને-ફિતરત મેં ઐ ‘અદમ’,
કુછ ફૂલ ઔર કુછ મેરે અરમાન બન ગયે.
ઓ અદમ, પ્રકૃતિના પલ્લામાં તો ઘણાં કાંટા હતા, પરંતુ જોવાનું તો એ છે કે તમાંથી કેટલાંક ફૂલ બની ગયાં અને કેટલાક મારા અરમાન બની ગયા.
– ઐ દોસ્ત, તેરી ઝુલ્ફે-પરેશાં કી ખૈર હો,
મેરી તબાહિયોં કા ન ઈતના ખયાલ કર.
એ યાર-એ પ્રિયતમા, તારી વિખરાયેલી ઝુલ્ફને તું એ જ સ્થિતિમાં રહેવા દે. તારી ઝુલ્ફોને લીધે થનારી મારી બરબાદીની તું શા માટે ચિંતા કરે છ?
– અબ ક્યા હમકો દૌરે-ઝમાં હોશ મેં લાયેગા સાકી,
હમ કો શાયદ હોશ મેં આયે એક ઝમાના બીત ગયા.
અરે ઓ સાકી! અમને ભાનમાં આવ્યાને તો એક (આખો) જમાનો પસાર થઈ ગયો. હવે આ કાળચક્ર અમને કેવી રીતે ભાનમાં લાવી શકશે?
– તસવીર બનાનેવાલોં ને જબ ઉનકી નિગાહોં કો દેખા,
તસ્વીર મુરતબ ક્યા કરતે, તસ્વીર બનાની ભૂલ ગયે.
તસવીર બનાવવાવાળાઓએ જ્યારે એમની આંખો જોઈ, પછી શું પૂછવું? પછી એમની તસવીર કેવી રીતે બને? મૂળ તો એ બધા એવા પ્રભાવમાં આવી ગયા કે તસ્વીર બનાવવાનું જ ભૂલી ગયા. આમ, શાયરે પ્રિયતમાની આંખોની કેવી પ્રશંસા કરી છે તે જોઈ શકાય છે.
– નશા પિલા કે ગિરાના તો સબ કો આતા હૈ,
મઝા તો જબ હૈ કિ ગિરતોં કો થામ તે સાકી.
નશો કરાવીને પછાડતા તો બધાને આવડે છે, પરંતુ જ્યારે પડતાને સાકી સંભાળી-સાચવી લે ત્યારે તેની ખરી મજા આવતી હોય છે.
– નિકલે ખુલૂસેે-દિલ સે અગર વક્તે-નીમશબ,
ઈક આહ ઈક સદી કી ઈબાદત સે કમ નહીં.
અડધી રાતે જો ખરા હૃદયથી એક આહ નીકલે તો એ પૂરા એક સો વર્ષની ભક્તિથી સ્હેજે ય ઓછી સમજવી નહીં એવો સંદેશ અહીં અપાયો છે.
– મઝધાર તક પહોંચના તો હિમ્મત કી બાત થી,
સાહિલ કે આસપાસ હી તૂફાન બન ગયે.
દરિયાની મધ્યમાં પહોંચવું એ તો હિમ્મતનું કામ હતું પણ (અમારા) સારા નસીબે કિનારાની આસપાસ જ તોફાન શરૂ થઈ ગયું.
– મેરી દીવાનગી પર હંસને વાલે, પૂછતા હૂં મૈં,
અગર હો ઈત્તેફાક ઐસા કિ તૂ દીવાના હો જાયે.
તું મારી દીવાનગી પર (ભલે) હસે છે પણ હું તને પૂછું છું કે જો તું પોતે દીવાનો (પાગલ) થઈ જાય તો પછી તું શું કરી શકીશ?
– ઈધર સે આ હી ગયે હો સાહબ,
તો હમ ફકીરોં સે બુખ્લ કૈસા?
યહાં ભી ઈમ શબ કિયામ કર લો,
દુઆએ દેગા ગરીબ ખાના.
તમે અહીં આવી ગયા છો તો હવે અમારા જેવા ગરીબો સાથે તમે શાને મુંજીવેડા-કંજુસાઈ કરો છો? તમે અમારે ત્યાં જ રાતવાસો કરી લો. અમારી ઝૂંપડી તમારા માટે દુઆઓ કરશે આમ ‘અહમ’ પાસેથી આવા અલગ રંગના શે’ર પણ આપણને મળ્યા છે.
– લોગ ઈતને કસૂર કર કે ભી,
કિસ તરહ બેકસૂર રેહતે હૈ.
કેવી અજબ વાત છે નહીં! લોકો આટઆટલા પાપ આચરે છે છતાં કેમ કરીને નિર્દોષ રહેતા હોય છે!
(આ બાબત મને સમજાતી નથી. શું ઉપરવાળાના ચોપડામાં કોઈ ભૂલ થતી હશે?)
– લોગ કેહતે હૈં મુઝે તુમ સે મોહબ્બત હૈ મગર,
તુમ જો કેહતે હો કે વહશત હૈ, તો વહશત હી સહી.
લોકો એવું કહે છે કે મને તમારા પર પ્યાર છે, પરંતુ તમે એમ કહો છો કે આ પ્રેમ નથી. પણ પાગલપણું છે તો ભલે તમે એને પાગલપણું કહેશો તો પણ ચાલશે.
– વો હસીં બૈઠા થા જબ મેરે કરીબ,
લઝ્ઝતે હમસાયગી થી મૈં ન થા.
એ રૂપવતી જ્યારે મારી નજીક બેઠી હતી ત્યારે ત્યાં તેની નજીક બેસવાની કેવળ મજા હાજર હતી. (શારીરિક રીતે)હું ત્યાં હાજર નહોતો.
– આપ કી પાકબાઝ આંખોં મેં,
હલકા-હલકા ખુમાર-સા ક્યૂં હૈ?
તમારી પવિત્ર આંખોમાં આ આછા આછા નશા જેવું મને કેમ લાગી રહ્યું છે?
– ઉડ ન જાયે શરાબ કી મસ્તી,
યે તેરી આંખ કી કનીઝ નહીં.
શરાબની મસ્તી ક્યાંક ઊડી ન જાય તેનું તું ધ્યાન રાખજે. કેમ કે એ કાંઈ તારી આંખની દાસી નથી.
– જબ ભી આતા હૈ જામ હાથોં મેં,
સેંકડો નામ યાદ આતે હૈં.
જ્યારે પણ (સુરાની) પ્યાલી હાથમાં આવે છે ત્યારે (આપોઆપ જામ સાથે સંકળાયેલા) સેંકડો નામ મને યાદ આવી જાય છે.
– ઈન્સાનિયત કી બાત તો ઈતની હૈ શૈખજી,
બદકિસ્મતી સે આપ ભી ઈન્સાન બન ગયે.
ઓ શેખજી! માનવતા વિશે તો આટલી જ વાત કરી શકાય તેમ છે. આ તો દુર્ભાગ્ય છે કે તમે ય માનવ બની ગયા.
– ‘અદમ’ ફકીરે- ખરાબાત હો ગયા હૂં મૈં,
કે ઈસ ચમન કે અલાવા કહી બહાર નહીં,
‘અદમ’ તો સુરાલયનો ભિખારી બની ગયો છે. જુઓને, આ બગીચા સિવાય બીજે ક્યાંય વસંત દેખાતી નથી. આમ, શાયર મદિરાલયના વાતાવરણને જ વસંત માની બેઠા છે.