Homeમેટિનીમૈં તુમ્હારા દદ્દૂ નહીં હૂં...

મૈં તુમ્હારા દદ્દૂ નહીં હૂં…

રંગીન ઝમાને-હકીમ રંગવાલા

એક મુલાકાતમાં હિન્દી ફિલ્મોના હાસ્ય અભિનેતા મહેમુદને પૂછવામાં આવ્યું કે તમે ‘પ્યાર કિયે જા’ના કોમેડી સીન માટે કેવી તૈયારીઓ કરેલી? જવાબમાં મહેમુદે કહ્યું કે ‘પ્યાર કિયે જા’ ફિલ્મની કોમેડી સિક્વન્સના ખૂબ વખાણ થયા છે અને લોકપ્રિય થઈ છે, આજે પણ લોકો એ જુએ છે અને જોઈને ખડખડાટ હસે છે એ કોમેડી સિક્વન્સમાં ફક્ત મારી એક્ટિંગના કારણે નહીં પણ ખરી કોમેડી જામે છે ઓમ પ્રકાશના હાવભાવના કારણે! જો ઓમ પ્રકાશની બોડી લેંગ્વેજ અને ચહેરા પરના હાવભાવમાં સહેજ પણ કચાશ રહી હોત તો એ કોમેડી સિક્વન્સ આટલી લોકપ્રિય ન
થઈ હોત!
હાસ્ય અભિનેતા મહેમુદે કહેલી વાત પરથી ખબર પડે છે કે એક અભિનેતાની એક્ટિંગ સાથી કલાકારની એક્ટિંગના કારણે પરદા પર નિખરે છે અને જીવંત બની જાય છે. આ પ્રકારની એકબીજાને સહાયક થતી એક્ટિંગ માટે આપણે ત્યાં ‘જુગલબંધી’ શબ્દપ્રયોગ વપરાય છે. અભિનયમાં એકબીજાની ‘ટક્કર’હોય છે એ જ રીતે અભિનયમાં ‘જુગલબંધી’ પણ હોય છે. અભિનયની ટક્કર હોય કે અભિનયની જુગલબંધી હોય અભિનેતા ઓમ પ્રકાશ દરેક કસબના નિષ્ણાત હતા.
રાજકપૂર, દિલીપકુમાર, દેવ આનંદ, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર વગેરે બધા જ સુપરસ્ટાર સાથે ઓમ પ્રકાશે કામ કર્યું છે અને ક્યાંય પણ કોઈ કલાકારથી સિનેમાના પરદા પર ઓમ પ્રકાશ દબાઈ ગયા કે સામેનો અભિનેતા છવાઈ ગયો ઓમ પ્રકાશ પર એવું ક્યારેય જોવા નહીં મળે!
જમ્મુમાં જન્મેલા ઓમ પ્રકાશ છીબબર બાળપણથી નાટકો અને અભિનયમાં રસ ધરાવતા હતા અને એમણે રામલીલામાં તો ‘સીતા’નું પાત્ર પણ ભજવેલું. આગળ જતાં રેડિયો પર એક કાર્યક્રમ કરવા લાગ્યા અને એ કાર્યક્રમ એ વખતના પંજાબમાં મશહૂર થયો અને નિર્માતા-દિગ્દર્શક દલસુખ પંચોળીની નજરમાં આવ્યા એટલે ફિલ્મોમાં કામ કરવાની તક મળી.
‘ધમકી’, ‘ઘૂંઘરૂં’ જેવી ફિલ્મમાં નાયકની ભૂમિકા ભજવી પણ જયંત દેસાઈની ફિલ્મ ‘લખપતિ’થી લાહોર છોડી મુંબઈના ફિલ્મજગતમાં એન્ટ્રી લીધી અને એ પછી ઓમ પ્રકાશે ક્યારેય પાછું ફરીને જોયું નથી, સતત આગળ જ વધતા ગયા.
પહેલી ઝલક ફિલ્મમાં દારાસિંઘને કુસ્તીમાં હરાવનારની ગપબાઝી કરનાર મોજીલો વૃદ્ધ હોય કે સરગમમાં રાજકપૂરનો ચિંગુસ બાપ હોય,કોઈપણ ભૂમિકા હોય ઓમ પ્રકાશે દીપાવી દીધી. ‘અન્નદાતા’, ‘બુઢ્ઢા મિલ ગયા’ અને ‘ચરણદાસ’ જેવી ફિલ્મા ેતો ઓમ પ્રકાશને મુખ્ય કિરદારમાં લઈને બની.
સી. રામચંદ્ર સાથે મળીને ઓમ પ્રકાશે ફિલ્મનિર્માણ પણ કર્યા.સી.રામચંદ્ર ઓમ પ્રકાશનાં દોસ્ત હતા. ‘દુનિયા ગોલ હૈ’ ‘લકીરે’ અને ‘ઝાંઝર’ જેવી
નિષ્ફળ ફિલ્મો બનાવીને ઓમ પ્રકાશે ફિલ્મનિર્માણનો શોખ પડતો મુક્યો. ‘દુનિયા ગોલ હૈ’ ફિલ્મનું
ટ્રેઇલર એ વખતે બહુ ચર્ચાયેલું જેમાં રાજકપૂર, દિલીપકુમાર પરદા પર આવીને કહે છે કે, યે ફિલ્મ મેને દિગ્દર્શિત કી હૈ, અને અંતે ઓમ પ્રકાશ આવીને કહે છે કે, યે સબ પાગલ હૈ, યે ફિલ્મ મેને દિગ્દર્શિત કી હૈ!
ઓમ પ્રકાશે પોતે એકલા ‘સંજોગ’ ‘ચાચા ઝીંદાબાદ’, ‘જહાં આરા’ જેવી નિષ્ફળ ફિલ્મો પણ બનાવી અને ‘જહાં આરા’ની નિષ્ફળતા પછી નિર્માતા તરીકે પૂર્ણવિરામ મૂકી દીધું.
પ્રકાશ મહેરાની ફિલ્મ ‘શરાબી’માં અમિતાભ બચ્ચનના અભિનયની ખૂબ પ્રશંસા થઈ છે વાજબી રીતે પણ પરદા પર ઓમ પ્રકાશની ભૂમિકા મુન્શીજી તરીકેની અમિતાભની અદાકારીને વધારે ઉજળી કરીને બતાવે છે. ‘ઝંઝીર’ નો ઓમ પ્રકાશ હોય કે અપના દેશનો ઓમ પ્રકાશ હોય કે પછી ચુપકે ચુપકેનો ઓમ પ્રકાશ હોય ઓમજીની એક પણ ભૂમિકા એવી નથી જેમાં એમણે દિલચોરી કરી હોય, દરેક ભૂમિકામાં ઊંડા ઊતરીને દિલથી પાત્ર ભજવવું એ ઓમ પ્રકાશની લાક્ષણિકતા હતી.
દિલીપકુમારે એક વખત કહેલું કે, મને ક્યારેય કોઈપણ કલાકાર સાથે મારો સીન ભજવ્યા પછી અસુરક્ષાની લાગણી નથી થઈ એવું નથી! એ.ભીમસિંઘની ફિલ્મ ‘ગોપી’માં ઓમ પ્રકાશજી સાથે સીન ભજવ્યા પછી મને અસુરક્ષાની અનુભૂતિ થયેલી!
‘નટ’ એટલે શું એ અભિનયની બારાખડી શીખવા આવેલા વિદ્યાર્થીઓને ઓમ પ્રકાશની ભૂમિકાઓ પરદા પર બતાવીને સહેલાઈથી સમજાવી શકાય એવા મોટા ગજાના અદભુત અભિનેતાની નોંધ જેટલી અને જેવી લેવાવી જોઈએ એટલી લેવાઈ નથી! ફક્ત અમિતાભ બચ્ચન સાથેની બે જ ફિલ્મો શરાબી અને નમકહલાલના ‘દદુ’ને યાદ કરી લેજો એટલે ઓમ પ્રકાશની અભિનેતા તરીકેની તાકાત તમારી નજર સમક્ષ જીવંત થઈ ઊઠશે.
એક દસકો હિન્દી ફિલ્મોમાં એવો હતો ૧૯૭૦થી૧૯૮૦નો કે જેમાં દરેક બીજી હિન્દી ફિલ્મમાં ઓમ પ્રકાશ હાજર હતા. લગભગ ત્રણસો કરતાં વધારે ફિલ્મોમાં કામ કર્યું અને જબરદસ્ત કામ કર્યું, મોટાભાગના હિન્દી ફિલ્મના કલાકાર-કસબીઓ સાથે કામ કર્યું,જવલ્લે જ કોઈ એવા આર્ટિસ્ટ મળે કે એમની સાથે ઓમ પ્રકાશે કામ ન કર્યું હોય! વર્ષો સુધી હિન્દી ફિલ્મપ્રેમીઓનું મનોરંજન કરનાર
અસલી ‘નટ’ ઓમ પ્રકાશજીને બધા ફિલ્મપ્રેમીઓ વતી સલામ.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -