આચમન -કબીર સી. લાલાણી
ભક્ત કવિ દયારામના જીવનમાં બનેલી સત્ય ઘટના ખાસ કરીને આજના નયા દૌરમાં બોધ આપનારી બની રહેવા
પામે છે.
એકવાર દયારામના ગુરુ એને ત્યાં રોકાવા આવેલા. ગુરુની તબિયત નરમગરમ હતી એટલે ઘેર આરામ કરતા હતા અને દયારામ કીર્તન કરવા ગયેલા.
મોરી રાત્રે કીર્તન કરીને દયારામ ઘેર આવ્યા. દરવાજો ખખડાવ્યો. ગુરુએ અંદરથી પૂછયું- ‘કોણ?’
‘એ તો હું.’ દયારામે ઉત્તર વાળ્યો.
‘હુંનું અહીં કામ નથી. હુંને બહાર મૂકીને આવજો. દરવાજો ખુલ્લો છે.’ ગુરુએ ટકોર કરી.
ચકોર દયારામ સમજી ગયા. કહ્યું છે ને તેજીને ટકોરોને ગધેડાને ડફણાં.
આ મેં કર્યું, પેલાને મેં કામે લગાડ્યો, આ બધી મારી સંપત્તિ છે, પેલું કામ મારા સિવાય કોઈ ન કરી શકે- આવું રોજબરોજના જીવનમાં માણસ અજાણતામાં બોલતો હોય છે. સૂફી સંતો એને હુંપદ કે અભિમાન કહે છે. કેટલાક માણસો જાણીબૂઝીને એટલે કે સમજી વિચારીને પોતાની બડાઈ મારતા હોય છે. થોડીક કામિયાબી મળી જાય એટલે એના ભેજામાં રાઈ (ખરેખર તો ભૂસું) ભરાઈ જાય છે.
સુફી સંત શેખ સા’દી સરળ ભાષામાં કહેતા કે ખુદી અને ખુદા વચ્ચે માત્ર અભિમાનની ટોપી છે. એ ટોપી કાઢી લો તો ખુદા દૂર નથી. એ તરત મળશે.
મૂળ વાત અભિમાનની છે અને એમાં ભલભલા ઋષિ, મુનિ, તપસ્વીઓ માર ખાઈ જાય છે.
મહારાષ્ટ્રના સંત જ્ઞાનેશ્ર્વરનો પ્રસંગ જગજાહેર છે. એ સમયના એક અભિમાની સિદ્ધ પુરુષ ચાંગદેવ જ્ઞાનેશ્ર્વરને મળવા આવતા હતા. પોતે કેવી સિદ્ધિ મેળવી છે એ દેખાડવા ચાંગદેવે વિકરાળ વાઘ પર સવારી કરી અને હાથમાં ચાબૂક રૂપે ઝેરી સાપ રાખ્યો. એમને જોઈને ડરી ગયેલા લોકો ભાગમભાગ કરવા લાગ્યા.
જ્ઞાનેશ્ર્વર પોતાનાં ભાઈબહેનો સાથે એક ઓટલા પર બેઠેલા. જ્ઞાનેશ્ર્વરે ઓટલાને કહ્યું કે અરે મૂર્ખ, પ્રખર સિદ્ધ ચાંગદેવ આવે છે ત્યારે તું બેસી રહ્યો છે? ચાલ ચાલ, સિદ્ધને પ્રણામ કરવા જઈએ. કહે છે કે નિર્જીવ ઓટલો ચાલવા માંડ્યો. ચાંગદેવ તો એ જોઈને સ્તબ્ધ થઈ ગયા.
મેં મેંના મીંદડીવેડા કોઈનાય ચાલ્યા નથી. આખી દુનિયા જીતનારા સિકંદરને જીવનની અંતિમ પળોમાં સમજાઈ ગયેલું કે માણસ ભલે મેં કર્યું, મેં કર્યું કહેતો ફરે, એ કશું કરી શકતો નથી.
લોકસાહિત્યમાં અને સંતવાણીમાં
કેટલાક બબ્બે લીટીના દુહા એવા હોય
છે જે થોડામાં ઘણું કહી જાય છે. એક
દુહો છે:
માણસ ધારે મેં કરું, કરનાર બીજો કોઈ
આદર્યા અધવચ રહે ખુદા કરે સો હોઈ…
આ વિચાર દુનિયાના બધા ધર્મોમાં છે.
હિન્દીમાં બે સરસ પંક્તિ છે:
રામ ઝરોખે બેઠ કર સબ કા મુજરા લેત
જૈસી જીનકી ચાકરી વૈસા ઉનકો દેત…
અભિમાન કરવું નહીં.
વ્હાલા સમજુ વાચકોએ અનુભવ કર્યો જ હશે કે એવા ઘણા લોકો ગુજરી ગયા, જેઓ તેમની પાછળ કરોડો રૂપિયાનું ઔદ્યોગિક સામ્રાજ્ય મૂકીને ખાલી હાથે ચાલ્યા ગયા. હૉસ્પિટલના સૌથી મોંઘા, સૌથી શ્રેષ્ઠ કમરામાં શુુદ્ધબુદ્ધ ગુમાવીને રહ્યા. એક ક્ષણ માટેય પોતાના સુખદુ:ખના સાથી સમાન પત્ની કે સંતાનોને આવજો ન કહી શક્યા. શું કરવાની એ કરોડોની સંપત્તિ? જરા વિચારી જુઓ.
ગુજરાતી ગઝલના પાયાના શાયર શયદા સા’બનો એક લા’જવાબ શે’ર છે.
તેં આવી આ જગતમાં
મિથ્યા જીવન ગુમાવ્યું
તારાથી જંતુ સારા
પથ્થરમાં ઘર કરે છે
છે રંગ આ જગતનો
જ્યારે હવા ફરે છે
સાગર તરી જનારા
કાંઠે ડૂબ મરે છે
ગુરુ નાનકના શબ્દો છે- મૈં મૈં મૈં મૈં
ના કરો. વો તો ભેડ-બકરી બોલતી હૈ. તુમ તો ઈન્સાન હો. ઈન્સાન બન કે
જીઓ.