ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી
વો અગર બાત ન પૂછે તો કરેં ક્યા હમ ભી,
આપ હી રૂઠતે હૈં, આપ હી મન જાતે હૈ:
* * *
તેરે સિવા ભી કહીં થી પનાહ ભૂલ ગયે,
નિકલ કે હમ તેરી મહેફિલ સે રાહ ભૂલ ગયે
* * *
બઢાઈ જાય જો મુહબ્બત સે આજ સાકી ને,
યે કાંપે હાથ કિ સાગર ભી હમ ઉઠા ન શકે
* * *
ઝબાં હમારી ન સમઝા યહાં કોઈ ‘મજરૂહ’,
હર અજનબી કી તરહ અપને હી વતન મેં રહે.
– મજરૂહ સુલ્તાનપુરી
‘મજરૂહ’નો અર્થ ઘાયલ થાય છે. ઘવાયેલો શાયર તેની શાયરી દ્વારા વાચકોને ઘાયલ કરતો હોય છે. ઘવાયેલા વાચકોનાં જખમો પર મલમ લગાડી ને જલદી રુઝાય તેવી દવા શાયરીમાં સામેલ હોય છે. અસરાહુલ હુસૈન ખાન તેમનું મૂળ નામ હતું. ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર જિલ્લાના નિઝામાબાદમાં ૧ ઑક્ટોબર, ૧૯૧૯ના રોજ તેમનો જન્મ થયો હતો. તેમના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. આરંભનું શિક્ષણ લીધા પછી તેમણે લખનઊમાં યુનાની-હકીમીનો અભ્યાસ કરી વૈદ્ય તરીકે કામ કર્યું હતું, પરંતુ લખનઊના શે’ર-શાયરીથી સભર મેઘધનુષી માહૌલે આ ચારાગરને શાયર બનાવી દીધા હતા.
ક્રાંતિ દૃષ્ટા તરીકે જાણીતા આ રંગદર્શી – સૌન્દર્યરાગી શાયરમાં એક ક્રાંતિકારી અને પ્રગતિશીલ શાયર છુપાઈને બેઠો હતો. દોસ્તીનો દંભ કરી ચાઈનાએ ભારત પર અચાનક હુમલો કર્યો ત્યારે આ રાષ્ટ્રવાદી મુસ્લિમ શાયરે ઘવાયેલા સિંહની જેમ ગર્જના કરતી ગઝલો-નઝમો લખી હતી. તેઓ જમાનાનાં દુ:ખોને પોતીકું દુ:ખ સમજતા હતા… ‘મજરૂહ’ પોતાની પ્રેયસીને ભોગ-વિલાસ માટેની ચીજ-વસ્તુ નહીં; પણ તેમની અર્ધાંગિની સમજતા હતા. લોકશાહી દેશમાં દરેક ભારતવાસીને એક સરખી સુવિધા, સગવડ અને અધિકાર મળે તે તેમનું સ્વપ્ન હતું. ભારતમાં સામ્યવાદીઓને ભાષણ કરવા પર પ્રતિબંધ મુકાયો ત્યારે આ શાયરે તે સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
‘મજરૂહે’ ઈ. સ. ૧૯૪૩થી ૧૯૫૪ના ગાળામાં લખેલી તેમની ટકોરાબદ્ધ ૩૩ રચનાઓનો ૬૨ પૃષ્ઠ ધરાવતો ગઝલસંગ્રહ ‘ગઝલ’ શીર્ષકથી અલીગઢની અંજુમને-તરક્કી ઉર્દૂ નામની સંસ્થાએ પ્રસિદ્ધ કર્યો હતો. તે પછી તેમનો ‘તાસીરે’ નામક નવો સંગ્રહ પ્રગટ થયો હતો.
બોલીવુડનો સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે એવૉર્ડ ઈ. સ. ૧૯૯૪માં ‘મજરૂહ’ને ૭૫મે વર્ષે એનાયત થયો હતો. આ ખ્યાતનામ શાયરને ૧૯૮૦માં ગાલિબ એવૉર્ડ અને ૧૯૯૨માં મધ્ય પ્રદેશની સરકાર તરફથી ઈક્બાલ એવૉર્ડથી નવાજ્યા હતા. આ શાયરે અડધી સદી સુધી હિન્દી ફિલ્મો માટે ગીત, ગઝલ, ભજન, કવ્વાલી તેમ જ બાળગીતનું સર્જન કર્યું હતું. ફિલ્મ નિર્માતા એ. આર. કારદારે તેમની ફિલ્મ ‘શાહજહાં’ માટે ‘મજરૂહ’ને ઈજન પાઠવ્યું હતું. મજરૂહે લખેલું કુન્દનલાલ સાયગલે ગાયેલું ગીત ‘જબ દિલ હી તૂટ ગયા’ આજે પણ લોકપ્રિયતાની ટોચ પર બિરાજે છે. ઈ. સ. ૧૯૬૪માં રીલિઝ થયેલી ‘દોસ્તી’ નામની ફિલ્મના ગીત ‘ચાહૂંગા મૈં તુઝે સાંઝ સવેરે’ માટે તેમને તે વર્ષનો ફિલ્મફેર એવોર્ડ અપાયો હતો.
ફિલ્મ દિગ્દર્શક તરીકેની કારકિર્દી ઘડવા માટેનો સંઘર્ષ કરી રહેલો તેમનો ૩૩ વર્ષનો મોટો પુત્ર એરમ ઈ. સ. ૧૯૯૩માં અચાનક મૃત્યુ પામ્યો ત્યારે ‘મજરૂહ’ ભાંગી પડ્યા હતા અને જિંદગીથી નિરાશ-હતાશ થઈ ગયા હતા.
શતરંજ, શિકાર, ક્રિકેટ અને પ્લેઇંગ કાર્ડ્ઝના શોખીન આ શાયર દિલની બીમારીમાં ઘેરાઈ ગયા હતા. તેમની તબિયત વધુ લથડતા તેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. ૨૪મે ૨૦૦૦, બુધવારના રોજ તેમનું નિધન થયું હતું.
તેમના કેટલાક સુંદર શે’રનું રસદર્શન કરીએ.
* ક્યોં કહૂંગા મૈં કિસી સે તેરે ગમ કી દાસ્તાં,
ઔર અગર ઐ દોસ્ત, લબ પર તેરા નામ આહી ગયા.
‘આહી ગયા’ જેવા રદીફ પરની ૬ શે’રની ગઝલનો આ પાંચમો શે’ર છે. તારી વેદનાની વાત હું બીજા કોઈને શા માટે કહું? હું એમ કરવા જાઉં અને એ મિત્ર, જો જીભ પર (અચાનક) તારું નામ આવી ગયું તો?
* જિસ તરહ ભી ચલ પડે હમ આબલા-પાયાને – શૌક
ખાર સે ગુલ ઔર ગુલ સે ગુલસિતા બનતા ગયા.
પગના તળિયે છાલાં પડ્યાં હતાં છતાં અમે સૌ લાલસાવાળાઓ જે તરફ ચાલવા માંડ્યા તે સ્થળે કંટકોમાંથી ફૂલો અને ફૂલોમાંથી બગીચા બનતા ગયા. (જ્યાં અમે ડગ માંડીએ છીએ તે જગ્યાએ કેવો પ્રભાવ પડે છે તે જોયું ને?)
* યે શૌકે -કામયાબ, યે તુમ, યે ફૂઝા, યે રાત;
કેહ દો તો આજ રોક દૂં બઢ કર સહર કો મૈં.
સફળતાની લાલસા, તું, આ મોસમ અને વળી આ રાત્રિનું (કેફી) વાતાવરણ! તમે જો કહો તો સવારને હું રોકી દઉં!
* કે ઝિક્ર પે તુમ ક્યૂં સંભલ કે બૈઠ ગયે?
તુમ્હારી બાત નહીં, બાત હૈ ઝમાને કી.
અરે! બેવફાઈની વાત નીકળતાં જ તમે કેમ (તમારી જાતને) સાચવી-સંભાળીને બેસી ગયા? આ કેવળ તમારી જ વાત નથી. આ તો આખા વિશ્ર્વની વાત છે.
* મિલી જબ ઉન સે નજર બસ રહા થા એક જહાં,
હરી નિગાહ તો ચારોં તરફ થે વીરાને.
એમની નજર અમારી નજર સાથે મળી તો લાગ્યું કે એક નવી (પ્રેમની) દુનિયા આકાર લઈ રહી છે, પરંતુ હાય! જ્યારે તેમણે (પ્રેયસીએ) નજર ફેરવી લીધી તો ચોતરફ નિર્જનતા છવાઈ ગઈ.
* યે આગ ઔર નહીં, દિલ કી આગ હૈ નાદાં,
ચિરાગ હો કે ન હો, જલ બુઝેંગે પરવાને.
દીપક હોય કે ન હોય, છતાં આ પતંગા બળીને ભસ્મ થઈ જશે. એ નિર્દોષ મિત્ર, આ તો હૃદયની આગ છે, ભાઈ!
આ કોઈ મામૂલી આગ નથી.
* હાદિસે ઔર ભી ગુઝરે તેરી ઉલ્ફત કે સિવા,
હાં! મુઝે દેખ મુઝે,અબ મેરી તસવીર ન દેખ.
(મારી જિંદગીમાં) તારા પ્રેમ સિવાય પણ કેટલીયે ઘટનાઓ પસાર થઈ ગઈ. આ માટે તું હવે (અન્ય કોઈ સામે નહીં) માત્ર મને જ જોઈ લે. મારી તસવીરમાંથી તને હવે કશું જોવા નહીં મળે.
* સૂનતે હૈં કિ કાંટે સે ગુલ તક
હૈં રાહ મેં લાખોં વીરાને,
કહતા હૈ મગર, યે અઝમે જુનું.
સહરા સે ગુલિસ્તાં દૂર નહીં.
એવું સાંભળવા મળ્યું છે કે કાંટાથી ફૂલ સુધીના રસ્તે ઘણી નિર્જનતા છે, પરંતુ ઉન્માદનો સંકલ્પ કહે છે કે મરુસ્થળથી બગીચો હવે ઝાઝો દૂર નથી.
* વો આ રહે હૈ. સંભલ-સંભલ કર
નઝારા બેખુદ, ફિઝા જવાં હૈ,
ઝુકી ઝુકી હૈં નશીલી આંખે
રૂકા રૂકા દૌરે – આસ્માં હૈ.
તેઓ (પ્રિયતમા) પોતાની જાતને
સાચવી સાચવીને (હળવેકથી) આવી રહ્યાં છે. આ દૃશ્ય ઉન્મત છે અને વાતાવરણ જવાન છે. તેમની નશીલી આંખો ઝુકેલી છે અને સંસારચક્ર પણ થંભી ગયું હોય તેમ લાગે છે. પ્રિયાના આગમનને લીધે માહૌલ પર કેવી અસર થઈ છે તેનું ચિત્ર શાયરે દોરી
આપ્યું છે.
* દિલ કી તમન્ના હૈ મસ્તી મેં મંઝિલ સે ભી દૂર નિકલતે,
અપના ભી કોઈ સાથી હોતા હમ ભી બહકતે ચલતે ચલતે.
અમે મસ્તીમાં આગળ વધીને મંઝિલથી પણ ક્યાંય દૂર દૂર નીકળી જઈએ એવી દિલની તમન્ના છે. અમારી સાથે મુસાફરીમાં કોઈ સાથીદાર હોય તો અમે પણ ચાલતા ચાલતા બહેકી જઈએ.
* સવાલ ઉનકા, જવાબ ઉનકા, સુકૃત ઉન કા, ખિતાબ ઉનકા,
હમ ઉન કી અંજુમન મેં સર ન કરતે ખમ તો ક્યાં કરતે? એમનો સવાલ અને એમનો જ જવાબ. વળી એમની ચૂપકીદી અને એમનું જ સંબોધન હોય એવી સ્થિતિમાં એમની મહેફિલમાં અમારે માથું ઝુકાવ્યા વગર કોઈ આરોવારો જ ક્યાં હતો?
* ક્યાં હમારી નમાઝ? ક્યાં રોઝા?
બખ્શ દેને કે સબ બહાને હૈ.
આ અમારી નમાઝ (ખુદાની ઈબાદત) શું કે પછી અમારા રોઝા (ઉપવાસ) શું
છે? આ બધું તો માફી આપવા માટેના
બહાનાં છે.
* મુઝે નહીં કિસી ઉસ્લૂબે શાઈરી કી તલાશ,
તેરી નિગાહ કા જાદૂ મેરે સુખન મેં રહે.
હું શાયરીલેખનની કોઈ રીતિ શોધતો નથી. તારી નજરનો જાદું મારી કવિતા-લખાણમાં રહે તેવું હું ઈચ્છું છું.
* ગુંબદો સે પલટી હૈ અપની હી સદા ‘મજરૂહ’
મસ્જિદોં મેં કી મૈંને જા કે દાદખ્વાહી ભી.
મેં મસ્જિદોમાં જઈને ન્યાયની
માગણી તો કરી. પરંતુ (મસ્જિદોના) ઘુમ્મટોમાંથી મને મારા અવાજનો પ્રતિધ્વનિ સંભળાયો!