૨૦૨૪માં સંયુક્ત રીતે લડત આપશે – શરદ પવારના નિવાસસ્થાને ઘડી કાઢવામાં આવ્યો વ્યૂહ – સ્થગિત કરાયેલી વજ્રમુઠ સભાઓ ફરી ચાલુ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કર્ણાટકમાં કૉંગ્રેસના ભવ્ય વિજય બાદ હવે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીમાં નવચેતનાનો સંચાર થયો છે અને રવિવારે સાંજે એનસીપીસુપ્રીમો શરદ પવારના નિવાસસ્થાન સિલ્વર ઓકમાં આયોજિત મહાવિકાસ આઘાડીની બેઠકમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સંયુક્ત રીતે લડીને ભાજપનો પરાજય કરવા માટેનો વ્યૂહ ઘડી કાઢવા માટે ચર્ચા થઈ હતી. સ્થગિત કરાયેલી વજ્રમુઠ સભાઓ આગામી દિવસોમાં ફરી ચાલુ કરવાનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. એનસીપીના મહારાષ્ટ્ર
અધ્યક્ષ જયંત પાટીલે બેઠક બાદ આયોજિત સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે કર્ણાટકમાં થયેલી ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો તેમાં ભ્રષ્ટાચાર, વિવિધ તપાસ યંત્રણાનો દુરુપયોગ અને સ્થાનિક સ્તરે નાગરિકોની અગવડોના અનુભવો વગેરે મુદ્દાએ ભજવેલી ભૂમિકા પર ચર્ચા થઈ હતી.
મહાવિકાસ આઘાડીની બેઠકમાં ઠાકરે જૂથના નેતા ઉદ્ધવ ઠાકરે, વિપક્ષી નેતા અજિત પવાર, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે, એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલ, ભૂતપૂર્વ પ્રધાન બાળાસાહેબ થોરાત, સંસદસભ્યો સુપ્રિયા સુળે, સંજય રાઉત, વિધાનસભ્યો જિતેન્દ્ર આવ્હાડ, ભાઈ જગતાપ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા.
મહાવિકાસ આઘાડી તરીકે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પહેલાં ચર્ચા કરવામાં આવી હતી. ગરમી હોવાને કારણે અત્યારે સ્થગિત કરવામાં આવેલી મહાવિકાસ આઘાડીની વજ્રમુઠ સભાઓ વાતાવરણનો અંદાજ લઈને ફરી શરૂ કરવામાં આવશે. ત્રણેય પક્ષના પ્રમુખ અને આઘાડીના અન્ય પક્ષોના નેતાઓની સાથે ચર્ચા કરીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દે નિર્ણય આગામી દિવસોમાં લેવામાં આવશે, એવી જાહેરાત જયંત પાટીલે કરી હતી.
મહારાષ્ટ્રની સરકારને યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનું મહાવિકાસ આઘાડીનો પ્રયાસ રહેશે. કર્ણાટકની જેમ જ મહારાષ્ટ્રનો વિશ્ર્વાસ જીતીને ભાજપનો પરાભવ કરીને વધુ તાકાત સાથે આગામી દિવસોમાં મહાવિકાસ આઘાડી કામ કરશે, એમ પણ તેમણે કહ્યું હતું.
—
મહાવિકાસ આઘાડીમાં વધુ એક પક્ષનો ઉમેરો થવાની શક્યતા
મુંબઈ: એમઆઈએમના સંસદસભ્ય ઈમ્તિયાઝ જલીલે મોટું નિવેદન કર્યું છે. ભાજપને હરાવવા માટે અમે કોઈપણ અને ગમે ત્યાં કુરબાની આપવા તૈયાર છીએ. અમે મહાવિકાસ આઘાડીની સાથે જવા માટે તૈયાર છીએ એમ પણ તેમણે કહ્યું હતું. ઈમ્તિયાઝ જલીલના આ નિવેદન બાદ હવે મહાવિકાસ આઘાડીમાં વધુ એક પક્ષનો ઉમેરો થવાની શક્યતા જોવાઈ રહી છે.
બીજી તરફ વંચિત બહુજન આઘાડીએ પણ ઠાકરે જૂથ સાથે યુતિ કરી છે, પરંતુ તેને મહાવિકાસ આઘાડીમાં પ્રવેશ મળ્યો નથી. આવી સ્થિતિમાં એમઆઈએમને મહાવિકાસ આઘાડીમાં એન્ટ્રી મળે છે કે નહીં તે જોવાનુંં મહત્ત્વનું બની રહેશે.