મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઈટલ્સ: ચર્ચા અને ચરખા ચાલે જ રાખે. (છેલવાણી)
એકવાર ગાંધીજી, વિદેશમાં એરપોર્ટ પર ઊતર્યા ત્યારે કોઇ ખુરાફાતી પત્રકારે પૂછ્યું, મિ.ગાંધી, અહીંની ‘ન્યુડિસ્ટ કોલોની’ (નગ્ન લોકોની વસાહત) વિશે આપનું શું માનવું છે? તો ગાંધીજીએ સામે પૂછ્યું, “આવી કોઇ કોલોની અહિંયા છે? ને બીજે દિવસે છાપામાં હેડલાઇન હતી: “મિ.ગાંધી, એરપોર્ટ પર પગ મૂકતાં વેંત જ પૂછે છે કે અહિંયા નાગાઓની કોલોની ક્યાં છે? ત્યારથી લઇને આજ સુધી ગાંધીજી વિશે જાતજાની વાતો ઉછાળવાનો ગીધ-ઉદ્યોગ મીડિયામાં ચાલે જ રાખે છે.
બે દિવસ પછી ફરી એકવાર ગાંધી-હત્યા દિવસ આવશે. આમ તો ગાંધીજી આજે ય મર્યા બાદ પણ થોડા થોડા રોજે રોજ મરે જ રાખે છેને? રાજકારણીઓ દાયકાઓથી ગાંધીજીને બ્રાંડ-નેમની જેમ સતત વાપર્યા જ કરે છેને? એવામાં વિચાર આવે કે આજના ફેક-ન્યૂઝ કે ખોટા સમાચારો વિરુદ્ધ ગાંધીજીએ ઉપવાસ કર્યા હોત તો ન્યૂઝ-ચેનલોમાં કસ્તુરબા વિશે સવાલો ઉઠ્યા હોત કે-“ક્યા કસ્તુરબા કો ખાના પકાના નહીં આતા?
ગાંધીજીએ ૧૯૧૭માં બ્રિટિશરોના અત્યાચાર સામે બિહારના ખેડૂતોને ન્યાય અપાવવા સત્યાગ્રહ કરેલો. જો ૨-૩ વરસ અગાઉ ગાંધીજીએ ભારતમાં ખેડૂતોના હક્ક માટે લડત આદરી હોત તો? પહેલાં તો ગાંધીજીને પૂછવામાં આવત કે- ‘અત્યાર સુધી ખેડૂતો પર અન્યાય થતો હતો ત્યારે એ કેમ ચૂપ હતા?’ ગાંધીજી જો એમ કહેત કે-’અગાઉ તો હું સાઉથ આફ્રિકામાં હતો! ‘તો સામે પૂછવામાં આવત કે-’ સાઉથ આફ્રિકાના ખેડૂતો માટે તમે કેમ લડત ના કરી?’ તો ગાંધીજી સામે કહેત કે-‘ચંપારણના ખેડૂતોની હાલત બહુ કંગાળ છે, ત્યાં ભૂખમરીની હાલત છે’ તો ન્યૂઝ ચેનલો પૂછત કે-’ મિ. ગાંધી, જવાબ દોઆવું કરવા માટે તમને કઈ વિદેશી કંપનીએ પૈસા આપ્યા છે? તમે દેશના વિકાસના વિરુદ્ધ આંદોલન કરો છો? શું તમે પોતે ક્યારેય ખેતી કરી છે? તમારી પાસે ખેતીની જમીન છે? પહેલાં જમીનનાં કાગળ બતાડો!’
ઇન્ટરવલ: ગોલી માર ખાદી મેં, ચરખા શોર કરતા હૈ!
જોકે ૧૯૧૭માં કોઈએ આવા સવાલો પૂછયા નહોતા પણ જો આજે ગાંધીજીને આવું બધું પૂછવામાં આવત તો ગાંધીજી ડઘાઇને મૌન રાખીને સાવ ચૂપ થઈ જાત! ત્યારે પણ મીડિયા તો એમ જ કહેત કે- ’આ ગાંધી તો ‘મૌનવ્રત’નું નાટક કરે છે!’ ટીવી પર એન્કરો ચીસાચીસ કરીને પૂછત કે-’ આજ પૂછના ચાહતા હૈ ભારત, ગાંધીજી તમે પોલિટિકલ સ્ટંટ કરી રહ્યા છો? આજકાલ રસ્તાઓ પર ખાડા છે, એને માટે તમે કેમ આંદોલન નથી કરતા?’ ગાંધીજી ભૂલેચૂકે એ ટીવી ન્યૂઝ ચર્ચામાં ભાગ લેત તો એમના જેવા મૃદુભાષીને ચેનલાવાળા એંકરો એક શબ્દ પણ બોલવા જ ના દેત ઉપરથી સામા આક્ષેપો કરત કે-’ શું તમે દેશ છોડીને પૈસા કમાવવા આફ્રિકા ભાગી ગયેલા? હવે અચાનક દેશનાં ખેડૂતો ને ગરીબો યાદ આવે છે? તમે જે આંદોલન કરો છો એમાં કોણ ફંડ આપે છે એનાં નામ અને એકાઉન્ટ જાહેર કરો!’ પછી ગાંધીજી પર ઇ.ડી.ના સરકારી ઓફિસરો રેડ પાડીને આરોપ લગાવી દેત કે આશ્રમના ફંડ અને હિસાબમાં ગોટાળા છે!
ગાંધીજી જયારે ચંપારણમાં ગળીની ખેતી વિશે વાત કરત તો ટીવી એંકર પૂછત કે- ‘તમે પોતડી ધોવામાં કઇ ગળી વાપરો છો? જો નથી વાપરતાં તો આંદોલન કરવાનો તમને શું હક્ક છે?’ વળી ગાંધીજીનો જૂનો ફોટો દેખાડીને કોઇક ટીવી એંકર પણ કહેત કે- જે મોહનદાસ, એક જમાનામાં સૂટબૂટ પહેરતા એ હવે રાજકારણમાં પોતડી પહેરવાનું નાટક કરી રહ્યા છે!
વળી, ગાંધીજીએ તો ચંપારણમાં સ્વચ્છતા અને આભડછેટ પર પણ લડત આદરેલી તો ગાંધી-વિરોધી મીડિયા તૂટી પડત કે મો.ક.ગાંધી, આભડછેટના મુદ્દે દલિતોને ભડકાવે છે! જવાબમાં ગાંધીજી માત્ર ‘હે રામ’ જેવું કશુંક બબડયા હોત ત્યારે એમની જ પાર્ટીના નેતાઓએ વાંધો ઉઠાવ્યો હોત કે ગાંધીજી, ‘રામ’નું નામ લઇને વોટબૅંકને રિઝવવા માગે છે! વળી, નારીવાદીઓ પણ ગાંધીજી પર આરોપ કરવામાં ચૂક્યા ના હોત કે- ‘સત્યાગ્રહમાં પત્નીને કેમ સાથે નથી રાખ્યાં? શું તમે ી વિરોધી છે?’ ગાંધીજી પાસે કોઇ જવાબ ના હોત અને હોત તો પણ ચિચિયારી પાડતી ભીડ સામે એમનું કાંઇ જ ના ચાલ્યું હોત.
અંગ્રેજોએ તો ત્યારે ૨૦૧૭માં ચંપારણમાં લોકલાગણી જોઇને ગાંધીજીની ધરપકડ ટાળી દીધેલી પણ આજે જો કોઇ રાજ્યમાં ચૂંટણી નજીક આવવાની હોત તો એ આંદોલન દાબી દેવા ગાંધીજીની ધરપકડ ચોકકસ થઇ જ હોત! અને પછી બધી જ ટીવી ચેનલોએ બ્રેંકિંગ-ન્યૂઝ બનાવ્યા હોત કે- ‘ક્યા જેલ મેં ગાંધી કો સ્પે. ખિચડી ખિલાઇ ગઇ?’ કે પછી ‘ક્યા જેલ મેં ગાંધીને છૂપ છૂપ કે બીડી પી?’ શક્ય છે કે ૨૦૨૩માં ગાંધીજીની ધરપકડને લીધે બસો સળગી હોત, પથ્થરબાજી થઇ હોત અને અહિંસાના પૂજારી ગાંધીજી પર જ હિંસા ફેલાવવાનો આરોપ લાગી શકત! ટ્વિટર કે ફેસબૂક જેવા સોશિયલ મીડિયામાં ટ્રોલરો જાતજાતનાં અપશબ્દો ફેંકીને ગાંધીજીને રડાવી જ મૂકત. ઠેરઠેર ગાંધીના ચરખા કે પૂતળાં બાળવામાં આવત! સરકારી પ્રવક્તાઓ કે એંકરો “બૈઠ ટકલે, ચૂપ હો જા બૂડ્ઢે- જેવા પડકારો કરી મૂકત! ગાંધીજી જો ટ્વિટર કે ફેસબૂક પર હોત તો એમણે માત્ર એટલું જ કહ્યું હોત: ‘સબ કો સન્મતિ દે, ભગવાન’. અહીં ‘ભગવાન’ શબ્દ સાંભળીને ચૂંટણી આયોગ કહેત કે ગાંધી, ધર્મનું રાજકારણ રમે છે!
વળી આજના નેતાઓ અને આઇ.ટી. સેલવાળાં કદાચ ગાંધીજીને ‘ગપ્પુ’ કે ‘ટકલુ’ કહીને ઉતારી પણ પાડત, કાંઇ કહેવાય નહીં! આજે ગાંધીજીનું ભાષણ કોઇ સાંભળત નહીં કારણકે એમાં માત્ર સત્ય અને કરૂણાની વાત હોત, પણ જુમલાબાજી તો ના જ હોત. સારું છે કે ૧૯૧૭માં ચંપારણનો સત્યાગ્રહ થઇ ગયો અને ૨૦૨૨-૨૩માં તો ગરીબો કે ખેડૂતોના હક્કો માટે જો ગાંધીજી વચ્ચે પડ્યાં હોત તો એમના પર જમીન સૌદાઓમાં કમિશન ખાવાનો આરોપ પણ મુકાઇ જાત!
વળી, ગાંધીજી વિશે ઘણી બધી વાતોનો ગંદવાડ આજે પણ ફેલાવવામાં આવે છે પણ સૌથી મોટો આરોપ એ હોત કે “ક્યા ગાંધી નેચરોપેથી કરતે હૈ તો ક્યા વો ભી કિસી પેડ પૌંધે કા નશા કરતે હૈં? ખાન અબ્દુલ ગફાર ખાન નામ કે પઠાન કો આપ ઇસ લિયે સપોર્ટ કરતે હૈં કિ પઠાન ફિલ્મ આ રહી હૈ?
અને આ બધું સાંભળીને ગાંધીજી વગર ગોળીએ મરી ગયા હોત!
એંડ-ટાઇટલ્સ:
આદમ: હું સત્યાગ્રહ પર છું, જમીશ નહીં.
ઇવ: પ્રોમિસ? કાલે પણ?