કોલ્હાપુર: મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ટૂંકી માંદગી બાદ મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે નિધન થયું હોવાની માહિતી પરિવારના નજીકના લોકો દ્વારા આપવામાં આવી હતી. 89 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તા એવા અરૂણ ગાંધીના અંતિમ સંસ્કાર આજે જ કોલ્હાપુર ખાતે કરવામાં આવશે, એવી માહિતી તેમના પુત્ર તુષાર ગાંધી દ્વારા પ્રસાર માધ્યમોને આપવામાં આવી હતી.
14મી એપ્રિલ, 1934ના રોજ ડરબનમાં મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાને ત્યાં જન્મેલા અરૂણ ગાંધી એક કાર્યકર તરીકે તેમના દાદાના પગલે પગલે જ ચાલ્યા હતા. આ ઉપરાંત અલગ અલગ અખબારોમાં પણ તેમના મંતવ્યો પ્રકાશિત થતાં હતાં. સામાજિક અને રાજકીય મુદ્દે પણ તેઓ અનેક વખત પોતાના સ્પષ્ટ અને સચોટ અભિપ્રાય પણ વ્યકત કરતાં હતા.
સામાજિક અને રાજકીય મુદ્દાઓ માટે કાર્યકર્તા તરીકે કામ કરનાર અરૂણ ગાંધીએ પુસ્તકો પણ લખ્યા, જેમાંથી ‘ધ ગિફ્ટ ઑફ એન્ગરઃ એન્ડ અધર લેસન્સ ફ્રોમ માય ગ્રાન્ડફાધર મહાત્મા ગાંધી’ એ ખૂબ જ પ્રખ્યાત પુસ્તક છે. અરુણ ગાંધીએ વર્ષો પહેલા અમેરિકામાં સ્થાયી થયા હતા અને તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમ જ અહિંસાને ખૂબ મહત્વ આપ્યું હતું અને તેમણે ક્રિશ્ચિયન બ્રધર્સ યુનિવર્સિટીમાં અહિંસા સંબંધિત એક સંસ્થાની સ્થાપના પણ કરી હતી.