ભારતભરમાંથી આવતાં સાધુ સંતોના જમાવડા માટે જાણીતા જુનાગાઢની ભવનાથ તળેટીમાં પવિત્ર અને પ્રાચીન શિવરાત્રીના મેળાની આજથી શરૂઆત થઈ ગઈ છે. મેળાની શરૂઆત સાથે જ સમગ્ર વાતાવરણ ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આગામી ચાર દિવસ સુધી ભવનાથ તળેટીમાં લાખો ભાવી ભક્તો મેળાનો લાભ ઉઠાવશે. આજથી આ મેળો ચાલુ થયો છે, જે અઢારમી ફેબ્રુઆરી સુધી ચાલશે.
ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં ભાગ લેવા ઘણા દિવસો પહેલાથી જ સાધુ-સંતો એકઠા થવા લાગ્યા હતા. દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અખાડાના સાધુ સંતો અને જૂનાગઢના સત્તાધીશોની ઉપસ્થિતિમાં આજે ભવનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી વિધિવત રીતે મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ભવનાથ તળેટી વિસ્તારમાં શિવરાત્રીના મેળા દરમિયાન સાધુ સંતો ધૂણી ધખાવીને શિવ આરાધના કરશે અને શિવભક્તિમાં લીન થઈ જશે.
આજે ભવનાથમાં જૂના અખાડામાં, આવાહન અખાડામાં, અગ્નિ અખાડામાં અને ભારતી આશ્રમ ખાતે તમામ જગ્યાએ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આજથી શરુ થયેલો મેળો મહાશિવરાત્રિની રાત્રિએ નાગા સાધુઓના મૃગીકુંડમાં સ્નાન અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે સંપન્ન થશે.
જૂનાગઢમાં ભગવાન શ્રીકૃષ્ણના સમયથી મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવતું હોવાની માન્યતા છે. શ્રી કૃષ્ણએ મહાદેવની પૂજા કરી મહાશિવરાત્રીના ઉત્સવ અને મેળાની શરૂઆત કરી હોવાની ધાર્મિક માન્યતા છે.