Homeઉત્સવમહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્વપ્નનું ભારત!

મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્વપ્નનું ભારત!

ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ભારતીય પ્રજાને ભારતની ઉત્કૃષ્ટ વૈદિક સંસ્કૃતિ અને સભ્યતાના ગૌરવપૂર્ણ વારસાને આત્મસાક્ષાત્કાર, સ્વતંત્રતા, સ્વાભિમાનનો મંત્ર, સ્વદેશ, સ્વભાષા, સ્વધર્મ, સ્વરાજ, રાષ્ટ્રવાદના ઉત્થાન માટે જનજાગૃતિના નિર્માણનું કાર્ય કર્યું હતું.
‘થિયોસોફિસ્ટ’ના પત્રમાં પોતાના આત્મવૃતાંત પ્રકાશિત કરાવતા સમયે સ્વામીજી પોતાના જન્મ સ્થાન સંબંધમાં જણાવે છે કે સંવત ૧૮૮૧, તે મુજબ ઈ.સ.૧૮૨૪ના રોજ મારો જન્મ દક્ષિણ ગુજરાત પ્રાંત, દેશ કાઠિયાવાડ મજોકઢાં દેશ, મોર્વી(મોરબી) રાજ્યના ટંકારા નામના નગરમાં થયો હતો. ભીમસેન શાસ્ત્રી અનુસાર જન્મતિથી માઘ કૃ.દશમી તદનુસાર ૧૨ ફેબ્રુઆરી છે. તેમના પિતા કરસન ત્રિવાડી શૈવ ધર્મના અનુયાયી જ્યારે માતા અમુબા વૈષ્ણવ ધર્મના અનુયાયી હતાં. શૈવ પિતાએ મૂળ નક્ષત્રમાં જન્મેલા બાળકનું નામ મૂળશંકર રાખ્યું હતું, પરંતુ વૈષ્ણવ ધર્મમાં માનતા માતાએ બાળકનું નામ ‘દયા જી’ અથવા ‘દયારામ’ રાખ્યું હતું. તેમના પિતા કરસનજી ત્રિવાડી જમીનદાર અને ધીરધાર હતા.
પાંચમા વર્ષથી તેઓએ દેવનાગરી અક્ષર વાંચવાનું શરૂ કર્યું. આઠમા વર્ષે યજ્ઞોપવિત કરાવી યજુર્વેદની સંહિતાનો આરંભ કર્યો. તેર વર્ષ સુધીમાં તેમણે સંસ્કૃત વ્યાકરણ તથા શબ્દરૂપાવલીનો અભ્યાસ કર્યો. ૧૪ વર્ષની વયે યજુર્વેદ સંહિતાના સંપૂર્ણ પાઠનું વાંચન અને કેટલોક ભાગ કંઠસ્થ કરી લીધો. મહાશિવરાત્રિના સમયે મંદિરમાં શિવલિંગ પર ઉંદરો દોડતા જોઈ ભગવાન પોતાના ઉપર દોડતા ઉંદરો દૂર કરી શકતા નથી તેથી તેઓ મૂર્તિપૂજાના વિરોધી બન્યા. નાની બહેન તથા કાકાના અવસાનથી તેમને જીવનની ક્ષણભંગુરતા સમજાઈ ગઈ.

મહર્ષિ દયાનંદજીની વિચારધારા : દયાનંદજીની સમગ્ર વિચારસરણીનો મૂળ આધાર વેદ છે. વેદ ઉપરાંત તેઓ ષડદર્શન, ઉપનિષદો, મનુસ્મૃતિને પ્રામાણિક માનતા હતા. તેમણે મહાભારતના અભ્યાસમાં ખાસ કરીને ‘વિદુરનીતિ’ અને ‘શુક્રનીતિ’ના અધ્યયન પર ભાર મુક્યો. કોઈપણ વસ્તુ (અથવા સંસ્થા) જે વેદોની વિરુદ્ધ છે તે ખોટી લાગતી હતી. તેમણે વેદાધ્યયનની ઉપેક્ષા અને વેદવિરોધી વર્તનને ભારતના પતનનું મુખ્ય કારણ માન્યું. તેમનું માનવું હતું કે, માત્ર વૈદિક ધર્મ જ દેશને પ્રગતિ તરફ લઈ જઈ શકે છે. દયાનંદના વિચારોનો પરિચય તેમના દ્વારા લખાયેલ ગ્રંથોમાંથી જેવા કે, ‘ઋગ્વેદાદિભાષ્યભૂમિકા’, ‘સત્યાર્થ પ્રકાશ’, ‘વેદાંગ- પ્રકાશ’, ‘સંસ્કાર વિધિ’, ‘વ્યવહારભાનુહ’, ‘અથગોકરુણાનિધિહ’ વગેરેથી મળવો સ્વાભાવિક છે પં. ભગવદદત્ત દ્વારા સંકલિત ‘દયાનંદનું પત્ર – સાહિત્ય’. દયાનંદના દ્વારા આપેલાં ભાષણોના ઉદ્ધરણ પણ વિચારોને ઉપયુક્ત સ્પષ્ટ કરે છે. દયાનંદના વિચારોને બહુઆયામી કહી શકાય કા. કે તેઓ રાષ્ટ્રીય જીવનના તમામ પાસાઓ રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક વગેરે સંબંધિત સમસ્યાઓનું નિદાન અને ઉકેલ લાવવા માગતા હતા.
મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્વપ્નનું ભારત : દયાનંદ એક એવા ભારતનું સપનું જોઈ રહ્યા હતા જેમાં તમામ ગેરમાન્યતાઓ સંપૂર્ણપણે નાશ પામી હોય. જે વૈજ્ઞાનિક સત્યોથી ઓતપ્રોત હોય, જે એક ભગવાનની પૂજા કરે, જે સંપૂર્ણ સ્વતંત્રતાનો હકદાર હોય, જેને વિશ્ર્વભરનાં રાષ્ટ્રોમાં સન્માનનું સ્થાન મેળવ્યું હોય, જેણે પોતાના ભૂતકાળનું ગૌરવ પાછું મેળવ્યું હોય.
દયાનંદે ભારત દેશ માટે મુસ્લિમ સમ્રાટોના સમયમાં લોકપ્રિય ‘હિન્દુસ્તાન’ શબ્દનો ઉપયોગ કોઈ જગ્યાએ કર્યો ન હતો. બ્રિટિશ સમુદાય દ્વારા અપનાવવામાં આવેલા ‘ભારત’ શબ્દને પણ અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે આ દેશને ‘આર્યાવર્ત’ તરીકે ઓળખાવ્યો હતો. તેમના મતે ‘આર્યાવર્ત દેશ’ આ ભૂમિનું નામ છે કારણ કે સૃષ્ટિ આરંભથી આર્યલોકો વસે છે. (સત્યાર્થ-પ્રકાશ સ્વમ્ન્તવ્યામન્ત્વ્ય-પ્રકાશ)
ભારતની રાષ્ટ્રીય એકતા આર્યજાતિ, આર્યભાષા અને આર્યાવર્ત દ્વારા મજબૂત પાયો મેળવી શકે. તેઓ રાષ્ટ્રીય એકતાના પ્રબળ સમર્થક હતા. તેમનું સ્વપ્ન હતું કે, રાષ્ટ્રએ તેનું પ્રાચીન ગૌરવ પુન:સ્થાપિત કરવું જોઈએ. તેમણે દેશ પતનનાં મુખ્ય કારણોની પણ ચર્ચા કરી હતી. તેમના મતે દુનિયામાં સ્વાભાવિક વૃત્તિ છે કે જ્યારે અસંખ્ય હેતુઓ કરતાં પુષ્કળ ધન વધારે હોય ત્યારે આળસ, પ્રયત્નની કમી, ઈર્ષ્યા- દ્વેષ, કામુકતા અને આળસ વધે છે.
દયાનંદજી પતનનાં તે બધાં કારણોને જડમૂળથી ઉખેડીને એક મુક્ત રાષ્ટ્રના પરિકલ્પનાથી પ્રેરિત હતા જે અસત્યને છોડીને સત્યને સ્વીકારવા હંમેશાં તત્પર રહે છે. તેઓ રાષ્ટ્રના તમામ ક્રિયાકલાપો અને વ્યવહારોનું નિયંત્રણ-સૂત્ર ધર્મના હાથોમાં રાખવાના પક્ષદાર હતા.(સત્યાર્થ-પ્રકાશ સ્વમ્ન્તવ્યામન્ત્વ્ય-પ્રકાશ)
ડૉ. નવદીપ લિખિત પુસ્તક ‘ક્રાંતિસૂર્ય દયાનંદ’ માં લખે છે કે, રાષ્ટ્રની રાજનીતિ ‘સત્ય’ અને ‘ધર્મ’ના સ્રોતો દ્વારા સંચાલિત થવી જોઈએ તેવી તેમની દ્રઢ માન્યતા હતી. તેમના ખ્યાલ મુજબ રાષ્ટ્રની પ્રગતિ માટે ભૌતિક, આધ્યાત્મિક અને સામાજિક પ્રગતિ જરૂરી છે. તેથી તેઓ ઇચ્છતા હતા કે, રાષ્ટ્રના તમામ લોકો વ્યસનમુક્ત, મહેનતુ, હૃુષ્ટ-પુષ્ટ,કર્મઠ, અધ્ય્વાસયી હોય. દયાનંદજી સ્વતંત્ર રાષ્ટ્રની પરિકલ્પનામાં માનતા હતા કે વ્યક્તિ-વ્યક્તિ સ્વતંત્રનો અનુભવ કરે અને પ્રત્યેક હિતકારી નિયમનું પાલન સ્વતંત્રતાપૂર્વક કરે.
દયાનંદજી એ હકીકતને સ્પષ્ટપણે જણાવવા માગે છે કે, જો અંગ્રેજો ભારતમાં ન્યાય આધારિત અને પક્ષપાત વિનાનું એવું શાસન સ્થાપિત કરવામાં સક્ષમ હોય તો પણ તે ‘સ્વરાજ્ય’નું સ્થાન ક્યારેય નહીં લઈ શકે. રાષ્ટ્રીય સ્વતંત્રતા અને સ્વ- શાસનનું આ ઉચ્ચ સ્વરૂપ આધુનિક યુગમાં સૌપ્રથમ દયાનંદ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. એક મંત્રનો અર્થ આપતાં તેમણે કહ્યું છે કે, ‘મનુષ્યએ સતત પ્રયત્નો કરીને અવલંબનમાંથી મુક્તિ મેળવી સ્વતંત્રતાનો સ્વીકાર કરવો જોઈએ’.
દયાનંદજીની વિચારસરણી મુજબ ‘સ્વતંત્ર આર્યાવર્ત’ રાષ્ટ્રના રાજા (ચૂંટાયેલા પ્રમુખ) એ વિદ્યાસભા, ધર્મસભા અને રાજ્યસભાના આધીન અને સાથે મળી કામ કરવું જોઈએ. તેઓ હંમેશાં ત્રણેય સભાઓમાં વિદ્વાન અને ધાર્મિક માણસોની ભરતી કરવાના પક્ષમાં હતા. દયાનંદ વર્ણ- આશ્રમ પ્રણાલીને યોગ્ય રીતે પુન:સ્થાપિત કરીને સ્વતંત્ર રાષ્ટ્રની ભવ્ય અને ગૌરવપૂર્ણ પ્રતિષ્ઠા માટે મહત્ત્વાકાંક્ષી હતા.
રાષ્ટ્રના ઉત્થાન માટે દયાનંદજી શારીરિક અને આધ્યાત્મિક શક્તિની વૃદ્ધિને સૌથી વધુ મહત્ત્વ આપવા માગતા હતા. કારણ કે જો માત્ર આત્માની શક્તિ એટલે કે શિક્ષણ અને જ્ઞાન વધારવામાં આવે અને શરીરની શક્તિ ન વધે તો માત્ર એક બળવાન માણસ જ જ્ઞાની અને સેંકડો વિદ્વાનોને જીતી શકે છે. માત્ર શરીરની શક્તિ વધે અને આત્મા શક્તિ ન વધે તો શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા પણ જ્ઞાન વિના ક્યારેય થઈ શકતી નથી. વ્યવસ્થા વિના, વિસંવાદિતા, વિરોધ, અંદરોઅંદર લડાઈને કારણે બધું જ નષ્ટ અને ભ્રષ્ટ થઈ જાય છે તેથી જ વ્યક્તિએ હંમેશાં શરીર અને આત્માની તાકાત વધારતા રહેવું જોઈએ.
યજુર્વેદ મંત્રના માધ્યમથી દયાનંદજી સુખ-સમૃદ્ધિથી ભરપૂર રાષ્ટ્રની મંગળકામનાઓ નીચે મુજબ કરી હતી- “હે વિદ્વાન ગુણોના ભંડાર ભગવાન! કૃપા કરીને આપણા રાષ્ટ્રમાં બ્રહ્મવર્ચવી બ્રાહ્મણ ઉત્પન્ન થાય, પરાક્રમી ધનુષ્યધારકો, સ્વસ્થ, યોદ્ધાઓ, શક્તિશાળી ક્ષત્રિયો, દુધાળા ગાયો, ભારો વહન કરનારા બળદ, ઝડપથી ચાલતા ઘોડાઓ, ઘરને શોભાવતી કુશળ દેવીઓથી જય શીલ સારથી યોદ્ધાઓ, સંસ્કારી- યુવાન વીર પુત્રો બને, ઈચ્છા મુજબ વાદળો વરસે, વિવિધ પ્રકારની દવાઓ, ફળો અને પુષ્પોથી લદાય. આપણને સંપૂર્ણ યોગક્ષેમકારી સ્વતંત્રતા પ્રાપ્ત થાય. આ ઉપરાંત તેમને સ્વભાષા, સ્વદેશી, સ્વરાજ્ય માટે ભારતે શું કરવું જોઈએ તેની પણ પરિકલ્પના કરી છે.
દયાનંદજીના મતે ‘સ્વરાજ્ય’ : એચ. બી. શારદા પોતાના પુસ્તક ‘લાઈફ ઓફ દયાનંદ સરસ્વતી’ માં લખે છે કે, ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત દયાનંદે ‘સ્વરાજ્ય’ શબ્દનો ઉપયોગ કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે ‘સ્વરાજ્ય’ પ્રાપ્ત કર્યા પછી ભારત સમૃદ્ધ અને વૈભવશાળી બનશે. કોઈ ગમે તેટલું કરે, પરંતુ સ્વદેશીય રાજ્ય હોય છે તે જ સર્વોપરી ઉત્તમ હોય છે. (સત્યાર્થ પ્રકાશ પૃ-૧૫૩) સત્યાર્થ પ્રકાશમાં તેમણે ‘સ્વદેશી રાજ્ય’ અને ‘આર્યાભિવિનય’માં ‘સ્વરાજ્ય’ શબ્દનો ઉપયોગ કર્યો છે. ભગવાનને પ્રાર્થના કરતા કહે છે – હમ કો ભી રાજ્ય વિદ્યાસે યુક્ત સુનીતિ દે કે સામ્રાજ્યધિકારી સદ્ય: કીજીએ, હમ પર સહાય કરો, જિસસે સુનીતિ =યુક્ત હો કે હમારા સ્વરાજ્ય અત્યંત બઢે. (‘દયાનંદ- આર્યાભિવિનય’) દયાનંદ તેમના સમયમાં દેશની દુર્દશા અને પરાધીનતાથી નારાજ હતા અને આનું મૂળ કારણ પરસ્પર મતભેદને માનતા હતા. તેણે લખ્યું, ‘જ્યારે ભાઈઓ એકબીજા સાથે લડે છે, ત્યારે જ ત્રીજો વિદેશી આવી અને પંચ બની બેસે છે’. (સત્યાર્થ પ્રકાશ પૃ-૧૮૧)
તેમની કલ્પનાનું ‘સ્વરાજ્ય’ તમામ પ્રકારની જાતિ વ્યવસ્થાથી મુક્ત હતું. તેમણે અસ્પૃશ્ય વર્ગને ન માન્યો, ન તો તેમણે પછાત જાતિઓ (પછાત વર્ગો)માની. તે દરેકને ભગવાનનું સંતાન માનતો હતા.
તે રાષ્ટ્ર માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા છે કે ‘હે મહારાજાધિરાજ પરબ્રહ્મ! અખંડ ચક્રવર્તી રાજ્ય માટે અમને બહાદુરી, ધૈર્ય, નીતિ, નમ્રતા, શૌર્ય અને શૌર્ય જેવા શ્રેષ્ઠ ગુણોથી બળ આપો. આપણા દેશમાં અન્ય દેશવાસીઓ ક્યારેય રાજા ન બને અને આપણે ક્યારેય આશ્રિત ન રહેવું જોઈએ. આ પ્રાર્થના દ્વારા તેમણે આડકતરી રીતે ‘ભારત-છોડો’ ના નારા અવાજ બુલંદ કર્યો જે ગાંધીજીએ લાંબા સમય પછી (લગભગ ૬૭ વર્ષ) ઉચ્ચાર્યા હતો.
તેમણે સ્વરાજ પ્રાપ્ત કરવા માટે બ્રિટિશ જાતિ વિરુદ્ધ કોઈ રાજકીય ઝુંબેશ (આંદોલન) કર્યું ન હતું. કા. કે તેઓ માનતા હતા કે રાષ્ટ્રીય ચારિત્ર્ય, સામાજિક અને સાંસ્કૃતિક
એકતાના અભાવે સ્વરાજ પ્રાપ્ત કરવાની ઈચ્છા પૂર્ણ થશે નહીં. સ્વરાજ્ય સ્થપાય તો પણ પરસ્પર વિસંવાદિતાને કારણે સ્વરાજ્યનો પાયો મજબૂત નહીં રહે અને ફરીથી કટોકટીનો સામનો કરવો પડશે તેથી જ તેઓ વૈદિક શાસ્ત્રો અનુસાર સામાન્ય લોકોના ચરિત્રનું નિર્માણ કરવા માટે મહત્ત્વાકાંક્ષી હતા.
દયાનંદજીના મતે સ્વદેશી : તેઓ ઈચ્છતા હતા કે ભારતીયો ‘સ્વદેશ’ અથવા ‘સ્વજાતિ’ની પ્રગતિ માટે નિ:સ્વાર્થ અને સાહસિક બને. તેમના શબ્દો અંગ્રેજોના વખાણ કરતા હતા. તે વિચારોથી સંપૂર્ણપણે સ્પષ્ટ છે – (અંગ્રેજ) પોતાની સ્વજાતીની પ્રગતિ માટે તન, મન, ધનનો ખર્ચ કરે છે. આળસ છોડી ઉદ્યોગ કરે છે. આપણે પણ જે દેશના પદાર્થોથી શરીર બન્યું, અત્યારે પણ પાલન થાય છે , આગળ પણ થશે, તેની પ્રગતિ તન, મન, ધન થી સૌ સાથે મળી પ્રેમથી કરવી. (સત્યાર્થ-પ્રકાશ) સ્વદેશી શાસનના સ્વપ્નદ્રષ્ટ્રાના રૂપમાં તેઓ સ્વેચ્છાચારી શાસકના અસ્તિત્વને પણ સ્વીકાર કરવા તૈયાર નથી. બ્રહ્મસમાજ અને પ્રાર્થના સમાજના સંદર્ભમાં ‘સત્યાર્થ-પ્રકાશ’ના અગિયારમા પ્રકરણમાં લખે છે – આ લોકોમાં દેશભક્તિ બહુ ઓછી છે. પોતાના દેશના વખાણ કરવાનું કે આપણા પૂર્વજોનું મહિમા કરવાનું તો દૂર તેની જગ્યાએ આપણે પેટ ભરીને અપશબ્દો બોલીએ છીએ. તેનો તાત્પર્ય એ છે કે દયાનંદે ‘સ્વદેશભક્તિ’ ની અપેક્ષા પ્રત્યેક દેશવાસીઓ પાસે કરતા હતા અને તેઓ ચાહતા કે દેશની ગરીમાયી સંસ્કૃતિની છાપ પ્રત્યેક વ્યક્તિ પર હોવી જોઈએ. રાષ્ટ્રનું ગૌરવ પર અભિમાન હોવાનું તેમને પસંદ હતું.
સ્વભાષા ભાષા- રાષ્ટ્રભાષા હિન્દી : અક્ષર વાંચન બાદ ૧૮૭૩ પહેલા તેમણે હિન્દી ભાષા પર ધ્યાન આપ્યું ન હતું, પરંતુ જ્યારે બ્રહ્માનંદ કેશવચંદ્ર સેને તેમને લોકપ્રિય ભાષામાં પ્રચાર કરવા વિનંતી કરી હતી. તેમની માતૃભાષા ગુજરાતી છતાં તેમણે હિન્દીને એવી રીતે અપનાવી અને નવ વર્ષના ટૂંકા ગાળામાં (૧૮૭૩-૧૮૮૩) તેમણે એવું કામ કરી બતાવ્યું જે સૌથી મોટો હિન્દી ભાષી પણ ન કરી શક્યો. હર બિલાસ શારદા પોતાના પુસ્તક ‘લાઈફ ઓફ દયાનંદ’ નામના પુસ્તકમાં દયાનંદે હિન્દીને રાષ્ટ્રભાષા સમજ્યા પછી તેમણે તમામ પ્રવચનો હિન્દીમાં, તમામ પુસ્તકો હિન્દીમાં લખ્યાં અને હિન્દીમાં ચર્ચા કરવા લાગ્યા. તેઓ હિન્દીને આર્ય-ભાષાના નામથી બોલાવવા લાગ્યા. તેમના મતાનુસાર સમગ્ર ભારતની એક જ રાષ્ટ્ર ભાષા હોવી જોઈએ, જે ‘આર્ય-ભાષા’ જ હોવી જોઈએ. તમામ લોકોએ આર્ય-ભાષા શીખવી જોઈએ. પત્રવ્યવહારની ભાષા પણ હિન્દી બની. તેમની તમામ જાહેરાતો હિન્દીમાં પ્રકાશિત થતી હતી. તેમના આદેશ પર ઘણા આર્ય સમાજીએ હિન્દીમાં અખબારો અને સામયિકો બહાર પાડ્યાં, શાળાઓ ખોલી. તેમણે આર્ય સમાજના દરેક સભ્ય માટે હિન્દી ભણવું ફરજિયાત બનાવ્યું. તેઓ જાણતા કે માત્ર હિન્દી જ દેશને એક કરી શકે છે. તથાગત બુદ્ધ અને ભગવાન મહાવીરે જે રીતે પ્રાચીન સમયમાં તે સમયની લોકપ્રિય ભાષા, પાલી અને પ્રાકૃતને અપનાવી હતી તેવી જ રીતે તેમણે હિન્દીને લોકજાગૃતિ માટે અપનાવી.
વેદો જેવાં ધાર્મિક પુસ્તકો પર ભાષ્ય(ટીકા) હિન્દીમાં લખનાર દયાનંદ પ્રથમ આચાર્ય હતા. આ પહેલા કોઈ અન્ય આચાર્યએ હિન્દીમાં લખવાનું વિચાર્યું ન હતું. હન્ટર કમિશનના અધ્યક્ષ મિસ્ટર હન્ટર સામે હિન્દીના વિકાસ અને ઉત્થાન હેતુ માટે લોકોને પ્રોત્સાહિત કર્યા કે હિન્દી વિકાસ માટે તર્ક રાખે. (ડી.એન.મુખોપાધ્યાય કૃત- ‘લાઈફ ઓફ દયાનંદ’) દયાનંદે જોધપુરના મહારાજાને સલાહ આપી કે તેઓ પોતાના પુત્રને હિન્દી શીખવે. દયાનંદે એ લોકો જે ગૌ-હત્યા રોકવા માટે રાણી વિક્ટોરિયાને આવેદન પત્ર મોકલી રહ્યા છે તેમને સલાહ આપી કે તેઓ પોતાની સહી દેવનાગરીમાં કરે. (નારાયણ અભિનંદન ગ્રંથ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -