રાજ્યના વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે. ક્યારેક કાળઝાળ ગરમી તો ક્યારેક કમોસમી વરસાદ હાજરી આપી જાય છે. જોકે હાલમાં રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થયો છે. ભેજ અને ગરમ હવાને કારણે આગામી ત્રણ દિવસ એટલે કે 14મી મે સુધી મુંબઇ સહિત આખા કોંકણમાં ગરમીને કારણે અસ્વસ્થતા અનુભવાશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવમાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં તાપમાનનો પારો ચઢ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગરમીનો કહેર જણાઇ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં મુંબઇ સહિત કોંકણમાં પારો વધુ ચઢવાની શક્યતા વર્તાઇ રહી છે. જ્યારે મોચા વાવાઝોડું પોર્ટ બ્લેરથી 500 કિમીના અંતરે ચક્રવાદી વાદળમાં ફેરવાય તેવી શક્યતા પણ હવામાન ખાતે દર્શાવી છે.
મોચા સાઇક્લોનની મહારાષ્ટ્ર પર કોઇ અસર થશે નહીં તેવી જાહેરાત હવામાન ખાતાએ કરતાં એક તરફ રાહતનો અનુભવ થયો છે જોકે બીજી બાજુ રાજ્યના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ગરમીની લહેર આવવાની શક્યતા વર્તાઇ રહી હોવાનું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોચા ચક્રવાતની વાત કરીએ તો તેને કારણે બાંગ્લાદેશના કોક્સ બજાર અને મ્યાનમારના સિટવેમાં વરસાદ થઇ શકે છે. અંદમાનમાં પણ મુસળધાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાત્રે આ ચક્રવાત તિવ્ર ચક્રીય વાદળમાં રુપાંતરીત થઇ શકે છે. 13મી મેના ચક્રવાદી વાદળ અતી તીવ્ર થવાની શક્યતાઓ પણ વર્તાઇ રહી છે.
હવામાન ખાતા તરફથી મળતી માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, બિહાર, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગરમીનો કહેર યથાવત રહશે. ઉપરાંત રાજસ્થાનમાં 13 થી 15 મે દરમિયાન ગરમીની લહેરની શક્યતા છે. પૂર્વ ભારતને બાદ કરતાં તમામ રાજ્યના મહત્તમ તાપમાનમાં ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા વર્તાઇ રહી છે.