વિધાનસભામાં સીમા વિસ્તારના ૮૬૫ ગામડાં મહારાષ્ટ્રમાં સમાવવાનો ઠરાવ મંજૂર ક કાનૂની પ્રક્રિયાના માધ્યમથી કર્ણાટક સાથેનો વિવાદ ઉકેલાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે મહારાષ્ટ્ર – કર્ણાટક સીમાવિવાદને મુદ્દે પસાર કરેલા ઠરાવમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર કર્ણાટકને એક ઈંચ જમીન નહીં આપે.
બન્ને રાજ્ય વચ્ચે વર્ષોથી ચાલી રહેલા સીમાવિવાદને લગતો મહત્ત્વનો પ્રસ્તાવ વિધાનસભામાં મંજૂર કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કર્યો હતો. આ ઠરાવ માંડ્યા બાદ વિપક્ષી નેતા અજિત પવારે વ્યાકરણ સંબંધી અને વાક્યરચના સંબંધિત કેટલાક સુધારા સૂચવ્યા હતા. આ ઠરાવ માંડ્યા બાદ શિંદેએ કહ્યું હતું કે કર્ણાટકના ૮૬૫ મરાઠીભાષી ગામની એક-એક ઈંચ જગ્યા મહારાષ્ટ્રમાં સમાવિષ્ટ કરવામાં આવશે.
એકનાથ શિંદેએ કહ્યું હતું કે કર્ણાટક સરકાર દ્વારા આ બાબતનો ઠરાવ જાણી જોઈને સરહદી વિવાદને ભડકાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કર્ણાટક સરકારનાં વલણની ટીકા કરી હતી.
રાજ્ય સરકાર કર્ણાટકના મરાઠીભાષી ૮૬૫ ગામ અને બેલગામ, કારવાર, નિપાણી, બિદર અને ભાલકી શહેરના લોકો સાથે છે. આ બધાનો વિવાદ અત્યારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.
રાજ્ય સરકાર કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને સુપ્રીમ કોર્ટમાં આ કેસ મહારાષ્ટ્રની તરફેણમાં લાવવા માટે પ્રયાસ કરશે અને બેલગામ, કારવાર, બિદર, નિપાણી અને ભાલકી શહેર અને મરાઠીભાષી ૮૬૫ ગામની ઈંચ-ઈંચ જમીનને મહારાષ્ટ્રમાં લેશે, એમ પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે.
મહારાષ્ટ્ર સરકારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો ઉલ્લેખ કરતાં લખવામાં આવ્યું છે કે તેમની હાજરીમાં થયેલી બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે બંને પક્ષ આ બાબતે સુપ્રીમ કોર્ટ ચુકાદો ન આપે ત્યાં સુધી કોઈએ આ મુદ્દો સળગાવવો નહીં. જોકે, કર્ણાટક સરકારે રાજ્ય વિધાનસભામાં આ બાબતે ઠરાવ પસાર કરીને વિરોધાભાસી વલણ અપનાવ્યું હતું.
મહારાષ્ટ્ર-કર્ણાટક સીમાવિવાદ ૧૯૫૭થી ચાલ્યો આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગયા ગુરુવારે જ કર્ણાટક વિધાનસભામાં આવો પ્રસ્તાવ લાવીને દક્ષિણના હિતોનું રક્ષણ કરવા તેમ જ મહારાષ્ટ્રને એક ઈંચ પણ જગ્યા ન આપવાનો ઠરાવ મંજૂર કરાયો હતો. આ ઠરાવની સાથે મહારાષ્ટ્ર સરકારની સીમાવિવાદ કરવા માટે ટીકા કરવામાં આવી હતી.
અજિત પવારે કરાવ્યા સુધારા
મહારાષ્ટ્ર વિધાનમંડળના બંને ગૃહોમાં સીમા-વિવાદ મુદ્દે ઠરાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમાં ફક્ત ૮૬૫ ગામનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને વિપક્ષીનેતા અજિત પવારે આ બાબતે ધ્યાન દોરીને બેલગામ, કારવાર, નિપાણી, બિદર અને ભાલકી શહેર સહિત ૮૬૫ ગામડાં એવો સુધારો કરાવ્યો હતો. આ ઉપરાંત આ ઠરાવમાં રહેલી કેટલીક વ્યાકરણની ભૂલો પ્રત્યે પણ ધ્યાન દોર્યું હતું.
સીમા વિસ્તારના ગામો માટે વિવિધ યોજના જાહેર
મહારાષ્ટ્ર વિધાનસભામાં મંગળવારે મરાઠીભાષી ગામડાંનો રાજ્યમાં સમાવેશ કરવાનો ઠરાવ મૂકવામાં આવ્યા બાદ સીમા વિસ્તારના મરાઠીભાષી લોકો માટે સાંસ્કૃતિક અને શૈક્ષણિક મદદ પણ જાહેર કરવામાં આવી હતી. તેમણે સીમાપ્રશ્ર્ને બલિદાન આપનારા લોકોને આર્થિક મદદ આપવાની જાહેરાત પણ કરી હતી.