નાગપુર: કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈ જો બેજવાબદાર નિવેદનો આપવાનું બંધ નહીં કરે તો મહારાષ્ટ્રએ તેના ડેમમાંથી પડોશી રાજ્યને પાણી પહોંચાડવા અંગે પુન:વિચાર કરવો પડશે, એવું ઉકળી રહેલા સરહદ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન શંભુરાજ દેસાઇએ બુધવારે જણાવ્યું હતું.
મહારાષ્ટ્ર સરકારે ગયા મહિને કેબિનેટ સભ્યો ચંદ્રકાંત પાટીલ અને શંભુરાજ દેસાઈને કર્ણાટક સાથેના રાજ્યના સરહદ વિવાદ પરના કોર્ટ કેસ અંગે કાનૂની ટીમ સાથે સંકલન કરવા નોડલ મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા.
અહીં પત્રકારોને સંબોધતાં દેસાઈએ કર્ણાટક સરકારના ‘મહારાષ્ટ્રને એક ઇંચ પણ જમીન આપવામાં આવશેનહીં,’ એવા ધોરણ પર બોમ્માઈની ટીકા કરી હતી. કર્ણાટક વિધાનસભાએ રાજ્યના વલણનું પુનરાવર્તન કર્યું છે કે સરહદનો મુદ્દો ઉકેલાય છે અને પડોશી રાજ્યને એક ઈંચ પણ જમીન આપવામાં આવશે નહીં. મંગળવારે કર્ણાટક વિધાનસભામાં સરહદ વિવાદ પરની ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન બોમ્માઈએ પોતે જ રાજ્ય વિધાનસભાનાં બંને ગૃહોમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવાનું સૂચન કર્યું હતું અને પોતાના ધોરણનો પુનરુચ્ચાર કર્યો હતો.
દેસાઈએ કહ્યું હતું કે તેઓ આવી ટિપ્પણીઓની નિંદા કરે છે, જે બોમ્માઈ માટે અનુકૂળ નથી, કારણ કે તેઓ બંધારણીય પદ ધરાવે છે. જો કર્ણાટક પોતાના વલણ અને ધોરણમાં ફેરફાર કરવાનું નહીં વિચારે અને આવાં જ બેજવાબદારીભર્યાં નિવેદનો કરશે તો મહારાષ્ટ્ર કર્ણાટકને અપાતા પાણીપુરવઠા અંગે પુન: વિચાર કરશે.