મહારાષ્ટ્રમાં નવેમ્બરના છેલ્લાં અઠવાડિયે નાગરિકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો, પરંતુ હવામાનમાં એકાએક ફેરફાર થતાં તાપમાનનો પારો ઉંચે જઈ રહ્યો હોવાનું નોંધવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં હવામાન ખાતાએ રાજ્યમાં વરસાદની આગાહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પુણે, કોંકણ, સાતારા, કોલ્હાપુર, સિંધુદૂર્ગ અને બીડ જેવા જિલ્લાઓમાં કમોસમી વરસાદ થયો હતો, જેને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં સતત થઈ રહેલા ફેરફારને કારણે ઠંડીનું જોર ઓછું થયું છે. અરબી સમુદ્રની ભેજવાળી હવાને કારણે વાદળછાયુ વાતાવરણ રહે છે ત્યારે ગોવા, કોંકણ, કોલ્હાપુર, સાતારા અને પુણે જેવા જિલ્લાઓમાં વરસાદ પડે તેવી સંભાવના છે.