ઈકોનોમિક, સોશિયલ અને શાસનના માપદંડોને આધારે લેવાયો નિર્ણય: ગુજરાત બીજા સ્થાને
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આર્થિક, સામાજિક અને શાસનના માપદંડો પર મહારાષ્ટ્ર રાજ્યોની યાદીમાં ટોચ પર રહ્યું છે, જ્યારે ગુજરાત અને તમિલનાડુ ત્યારબાદના ક્રમાંકે આવે છે. આ રેન્કિંગ આપતી વખતે માળખાકીય સુવિધા, આર્થિક સમાવેશ, નાણાંકીય વ્યવસ્થાપન અને પર્યાવરણના ક્ષેત્રે રાજ્યો દ્વારા કરવામાં આવેલા દેખાવને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો.
શાસનને મોરચે આંધ્ર પ્રદેશ અને તેલંગણા બાદ ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને આવ્યું છે. તમિલનાડુ સામાજિક ક્ષેત્રે અમલમાં મૂકવામાં આવેલી અનેક યોજનાને આધારે ઓવરઓલ ત્રીજા સ્થાને આવ્યું છે. જ્યારે આ માપદંડો પર કેરળ અગ્રેસર રાજ્ય છે.
મહારાષ્ટ્ર યાદીમાં ટોચ પર આવ્યું છે જેમાં આર્થિક સમાવેશ અને નાણાંકીય વ્યવસ્થાપનને મોરચે થયેલું સારું કામ તેમને ફળ્યું છે, જોકે આ બંનેમાં ગુજરાત મહારાષ્ટ્ર કરતાં આગળ છે. ગુજરાત સમાજિક માપદંડો પર નીચલે સ્તરે ગયું છે, જોકે તે ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને બિહાર કરતાં આગળ રહ્યું હોવાનું યાદીમાં જોવા મળ્યું છે.
નાણાકીય વ્યવસ્થાપનમાં ઓરિસા નબંર વન છે જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત તેના પછીના સ્થાને આવે છે. જ્યારે પર્યાવરણના માપદંડ પર આંધ્ર પ્રદેશ ટોચ પર છે અને કર્ણાટક અને તેલંગણા બીજા-ત્રીજા સ્થાને રહ્યા છે.